સંસ્કૃતિ કોલેજમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાઈ
કોલેજના સી.સી.ટી.વી. ફૂટેજ તપસ્યા બાદ શંકાસ્પદ વિદ્યાર્થીઓ સામે કોપીકેસ નોંધાશે
સુરેન્દ્રનગરની સંસ્કૃતિ કોલેજમાં પંકાયેલી મૂળી સરકારી કોલેજના 128 વિદ્યાર્થીઓ સામે માસ કોપીકેસ દાખલ કરવા પરીક્ષા વિભાગને ગઈકાલે દરખાસ્ત કરવામાં આવી હતી. અગાઉ મૂળી કોલેજના 6 છાત્રોએ મહિલા સુપરવાઇઝર સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનો ઘટસ્ફોટ થયા બાદ હવે સોમવારે બી.એ. સેમ. 1 ની પરીક્ષા દરમ્યાન બેફામ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. કોલેજના પાંચ બ્લોકમાં એટલી અરાજકતા ફેલાઈ હતી કે ઓબ્ઝર્વરો પણ પરીક્ષા કેન્દ્ર છોડી ભાગી ગયા હતા. પરિસ્થિતી તંગ બનતા પોલીસ બોલાવવી પડી હતી. કોલેજના સિનિયર સુપરવાઇઝર દ્વારા અગાઉ કાર્યકારી કુલપતિ અને પરીક્ષા નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા સમસ્યા ગંભીર બની ગઈ. જો ત્યારે જ કુલપતિએ પગલાં લીધા હોત તો માસ કોપીકેસની નોબત ન આવત. જો કે ગઇકાલની ઘટના સામે આવ્યા બાદ આજે પોલીસના બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવામાં આવી છે.
મૂળી સરકારી કોલેજ પાસે વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકાય તેવી વ્યવસ્થા શુધ્ધા ન હોય તે કોલેજના છાત્રોને સુરેન્દ્રનગરની સંસ્કૃતિ કોલેજનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સંસ્કૃતિ કોલેજમાં બી.એ. સેમેસ્ટર – 1 ની પરીક્ષા યોજાઇ હતી. જેમાં મૂળી સરકારી કોલેજના 128 છાત્રો માસ કોપીકેસ કરતાં હોવાનું સામે આવ્યું છે. કોલેજ સંચાલકે પરીક્ષા વિભાગને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, અમારી કોલેજના બ્લોક નં.1 માં રોલ નંબર – 31095 થી 31101, 31109 થી 31113, 31116. બ્લોક નં.2 માં 31135, 31143 થી 31151, 31157 થી 31174. બ્લોક નં.3 માં 31175 થી 31177, 31186 થી 31193, 31204 થી 31214. બ્લોક નં.4 માં 31215, 31216, 31222 થી 31253, 31255, 31256. બ્લોક નં.5 માં 31257 થી 31287, 13201 થી 13215 રોલ નંબર પરના વિદ્યાર્થીઓ સામે માસ કોપીકેસ દાખલ કરવા દરખાસ્ત કરવા પરીક્ષા વિભાગ સમક્ષ માંગ કરી છે. તમામ વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષાએ પોતાની જગ્યા બદલી એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ પેપર લખતા હતા.
બ્લોક સુપરવાઇઝર, સિનિયર સુપરવાઇઝર અને ઓબ્ઝર્વર દ્વારા રોકવામાં આવતા વિદ્યાર્થીઓ માનતા ન હતા. યુનિવર્સિટીએ મૂકેલા ઓબ્ઝર્વર અને ખાસ નિયુક્તિ પરના બે અધિકારી તંગ વાતાવરણથી કંટાળી સાંજે 4.15 વાગ્યે પરીક્ષા કેન્દ્ર છોડી રવાના થઈ ગયા હતા. પરંતુ અમે આવી પરિસ્થિતીમાં પણ પરીક્ષા કેન્દ્ર છોડયું નથી. જેથી ઉપરોક્ત રોલ નંબર ધરાવતા છાત્રો સામે માસ કોપીકેસ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે યુનિવર્સિટીના સત્તાધીશોના જણાવ્યા મુજબ સૌપ્રથમ તો સી.સી.ટી.વી ફૂટેજ તપાસીને શંકાસ્પદ વિદ્યાર્થીઓ સામે કોપીકેસનો ગુનો દાખલ કરવામાં આવશે.