સામાન્ય પ્રવાહમાં 500 વિદ્યાર્થી સામે કોપી કેસ: ધો.10માં પણ ફૂટેજની ચકાસણીમાં 1027 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રીલમાં લેવામાં આવેલી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા બાદ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં ફુટેજની ચકાસણી વખતે માસ કોપીના કેસો ધ્યાને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 500 વિદ્યાર્થીઓ માસ કોપી કેસ કરતા પકડાયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. આ ઉપરાંત ધો.10ના સીસીટીવી ફૂટેજની ચકાસણી વખતે પણ 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓ કોપી કરતા મળી આવ્યા હતા. જેથી તેમના પરિણામ અટકાવી રૂબરૂ હિયરીંગ બાદ નિર્ણય લેવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રીલ-2022માં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ થયા બાદ તરંત સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ધો.12 સાયન્સના સીસીટીવી ફૂટેજની ચકાસણી પૂર્ણ થઇ ગઇ હતી. જેમાં 100 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. ધો.12 સાયન્સની સીસીટીવી ફૂટેજની ચકાસણી પૂર્ણ થયા બાદ પણ ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં ફૂટેજની ચકાસણી ચાલુ રહી હતી.
ધો.12 સામાન્ય પ્રવાહમાં ફૂટેજની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવી હતી. તેમાં કેટલાક વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. ઘણા કિસ્સામાં તો આખા ક્લાસના વિદ્યાર્થીઓ સાથે કોપી કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. જેમાં અંદાજે 500 વિદ્યાર્થીઓ માસ કોપી કરતા જણાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ધો.10માં 1027 વિદ્યાર્થીઓ કોપી કરતા હોવાનું સામે આવ્યું છે.