ધ્રાંગધ્રા-માલવણ નેશનલ હાઈવે ઉપર ઠેરઠેર મસમોટા ખાડા જોવા મળે છે. ગઈકાલે આ હાઈવે ઉપર ધ્રુમઠ ચોકડી પાસે મસમોટા ખાડાને કારણે એક રીક્ષા પલ્ટી જતા માસુમની જિંદગીનો ભોગ લેવાયો હોવાનું તથા સાત વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, સમી તાલુકાના અમરાપુર ગામના લોકો પાટણથી મોટી માલવણ ગામે મજુરી કામ માટે આવવા નીકળ્યા હતા, ત્યારે ધ્રાંગધ્રા માલવણ હાઈવે ઉપર ધુ્રમઠ ચોકડી પાસે મસમોટો ખાડો આવતા રીક્ષાચાલકે કાબુ ગુમાવ્યો હતો અને રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં જાની મગનભાઈ ઠાકોર નામની માસુમ બાળાનું ગંભીર ઈજાથી મોત નિપજેલું હતુ, જ્યારે મૃતકની માતા સુમીબેન મગનભાઈ ઠાકોર, પિતા મગનભાઈ ખેંગારભાઈ ઠાકોર ઉપરાંત વિનોદભાઈ પબુભાઈ ઠાકોર, ધારશીભાઈ ધુળાભાઈ ઠાકોર, રામીબેન ધારશીભાઈ ઠાકોર, સોંડાભાઈ ખેંગારભાઈ કોળી, જસીબેન સોંડાભાઈ કોળીને ઈજાઓ થતા તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી ધ્રાંગધ્રા હોસ્પિટલે લઈ જવાયા હતા. જેમાં વધુ પડતી ઈજાવાળાને સુરેન્દ્રનગર રીફર કરાયા હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.