રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા જિલ્લા વિકાસ અધિકારી અનિલ

રાણાવસીયાનો મહત્વનો નિર્ણય: સખી મંડળો ૩૩ હજાર માસ્ક બનાવીને તંત્રને મદદરૂપ બનશે

કોરોનાનાં ખતરનાક વાયરસથી ગ્રામ્ય વિસ્તારને બચાવવા તંત્રએ હવે કમરકસી છે. રાજકોટ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં દૂધ, શાકભીજ, કરિયાણું જેવી આવશ્યક ચીજોનો વેપાર કરતા ધંધાર્થીઓ અને સ્થાનિક પંચાયતનાં કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત પહેરવાનો જિલ્લા પંચાયતના સત્તાધીશોએ આપ્યો છે.

કોરોના વાયરસનો જિલ્લાની આશરે ૧૭ લાખની વસ્તીમાં હજુ એક માત્ર કેસ પોઝિટીવ આવ્યો છે અને એ પણ શહેરની અડીને આવેલા મુંજકા ગામનો કેસ છે. જિલ્લાનો બાકીનો મોટો વિસ્તાર હજુ કોરોના મુક્ત છે ત્યારે કોરોનાનું ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ અટકાવવા તંત્રને કડક પગલાઓ શરૂ કર્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ લોકડાઉનની હાલની સ્થિતિમાં ગામડાઓમાં દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણાની દૂકાન ધરાવનાર વેપારીઓ, પેટ્રોલ પમ્પના કર્મચારીઓ ઉપરાંત ગ્રામ્ય સ્તરે ફરજ બજાવતા સરકારી પંચાયત, પોલીસ, સફાઈ કામદાર સહિતના કર્મચારીઓએ માસ્ક ફરજિયાત પહેરવાની સુચનાઓ આપી છે.

ગ્રામ્ય વિસ્તારમાં આવશ્યક ચીજોના ધંધાર્થીઓ અને સ્થાનિક કચેરીઓના કર્મચારીઓ અનેક લોકોના સંપર્કોમાં આવતા હોવાથી કોરોના વાયરસ ફેલાવાનું જોખમ વધી જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ થાય અને સ્થાનિક લોકો જેઓને બહાર નીકળવાની છૂટ અપાઈ છે તેઓ માસ્ક ફરજિયાત પહેરે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા જિલ્લાના દરેક તાલુકા વિકાસ અધિકારીને ડીડીઓએ સુચનાઓ આપી છે. ગ્રામ્ય સ્તરે માસ્કની જરૂરીયાતને પહોંચી વળવા માટે હાલ જિલ્લા પંચાયત દ્વારા સખી મંડળો મારફત ૩૩ હજાર જેટલા માસ્ક મેળવવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.