- કોરોનાના કેસો વધતા બાળકો ઝપેટમાં ન આવે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કર્યો પરિપત્ર
- સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશન સહિતની તકેદારી રાખવા પણ શાળાઓને સૂચના
પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યાઓ એથી સૌથી વધુ કેસ પકડાઈ રહ્યાં છે તેથી સરકાર અને સ્વાસ્થ્ય વિભાગો દ્વારા માસ્ક અવશ્ય પહેરવાનું સૂચન કરાયું છે પરંતુ હવે રાજકોટ જિલ્લા અને શહેરમાં વિદ્યાર્થીઓને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કોરોના કેસ વધતા ઝડપી નિર્ણય કર્યો છે. આદેશ અનુસાર વિદ્યાર્થીઓ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા સૂચન કરાયું છે. કોરોનાના કેસ ઘટતા અગાઉ અમુક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ હવે ફરી કોરોનાની આશંકિત નવી લહેરને પગલે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયા છે.
રાજકોટ જિલ્લા અને શહેરમાં કોરોનાના ધીમે ધીમે વધતા કેસોને ધ્યાને લઇ જિલ્લા શિક્ષણાધીકારી બી.એસ.કૈલા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોના વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય સોમવારે લેવામાં આવ્યો છે. આ સિવાય અધિકારીએ તમામ સ્કૂલોને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી તકેદારી રાખવા કોવિડ19 માટે જાહેર કરવામાં આવેલ એસઓપી એટલેકે માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે.
ગત સપ્તાહે જ રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોનાના કેસ ઓછા હોવા છતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા આદેશ કર્યો હતો. તેમણે દૈનિક 900 ટેસ્ટથી વધારી 1500 ટેસ્ટ કરવા આદેશ કર્યો હતો.
આ સાથે રાજકોટ મનપાએ લોકોને માસ્ક પહેરવા પણ અપીલ કરી હતી અને કોવિડ 19 સંક્રમણ અટકાવવા માટે જરૂરી તકેદારી રાખવા સલાહ આપી હતી.
બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે અધિકારીઓ દ્વારા સરકારમાં કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરતા રિપોર્ટ આપવામાં આવ્યા છે. જેને કારણે હવે આગામી સમયમાં નિયંત્રણો વધે તો નવાઈ નહિ. એક તરફ જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે. બીજી તરફ માંડ બે વર્ષે તહેવારોમાં છૂટ મળવા જઈ રહી છે. તેવામાં કોરોનાના કેસો વધતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે શાળાની અંદર સેનીટાઈઝેશન સહિતની પ્રક્રિયાઓ નિરંતર કરવામાં આવે તે બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી છે.આમ કોરોનાની પ્રથમ, બીજી અને તૃતીય લહેર વખતે જે એસઓપી લાગુ કરવામાં આવી હતી.તે એસઓપી હાલ ફરી એક વખત શાળાઓમા લાગુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક પણ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો હોવાનું સામે નથી આવ્યું. અને આગામી દિવસોમાં પણ એકપણ વિદ્યાર્થી સંક્રમણનો ભોગ ન બને તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓએ શાળાએ માસ્ક પહેરીને આવવું ફરજિયાત છે. શૈક્ષણિક કાર્ય દરમિયાન પણ માસ્ક પહેરી રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.