હળદર, મરચા, ધાણાજીરૂ, હિંગ, ગરમ મસાલાની ધુમ ખરીદી: વર્ષભરના મસાલા-અથાણા તૈયાર કરતી ગૃહિણીઓ
ભાવ વધારાની સાથે વેંચાણમાં પણ વધારો થતા વેપારીઓમાં હાશકારો
ઉનાળાની શરૂઆત થતાં જ મસાલા માર્કેટ ધમધમવા લાગે છે. તેમાં પણ રાજકોટની બજારની વાત કરીએ તો રાજકોટની બજારમાં વિવિધ પ્રકારના મસાલા જેમ કે મરચા, હળદર, ધાણાજી‚, હીંગ, રાય, તલ, વરિયાળી, ઘઉં જેવા અનેક પ્રકારની વસ્તુઓ માટે માર્કેટ ખુલી ચૂકી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મહિલાઓ મસાલાની ખરીદી માટે આતુર હોય છે અને જાતે જ પસંદ કરેલા મસાલા લેવા ઉત્સુક હોય છે. ઉનાળામાં મસાલાની સિઝન ખુલતા જ માર્કેટમાં ભીડ જોવા મળે છે. દરેક રસોઈ અને પરિવારના ટેકસ મુજબ વિવિધ વેરાયટીના મસાલા બજારમાં આવી ચૂકયા છે. આમ તો મહિલાઓ બજારમાં મળતા તૈયાર પેકડ પ્રોડકટ કરતા જાતે પસંદ કરી દળાવેલા મસાલાની પસંદગી આખા વર્ષ માટે કરે છે. તેમાં પણ આ વર્ષ મસાલા સારી ગુણવત્તામાં આવતા સ્ત્રીઓ ખુબ જ ખુશ છે. સામાન્ય રીતે આ વર્ષે ભાવમાં શરૂઆતી સીઝનમાં વધારો-ઘટાડો જોવા મળે છે. વેપારીઓનું માનવું છે કે સીઝન શરૂઆત તો સારી થઈ છે હવે આગળના દિવસોમાં વધુ માર્કેટ કેવી સારી રહેશે તેની ખબર પડશે.
શ્રીરામ માર્કેટને ૨૦ વર્ષ પૂર્ણ થયા: ભાવેશભાઈ વિકાણી
શ્રી રામ માર્કેટના આયોજક ભાવેશભાઈ વિકાણીએ જણાવ્યું હતું કે, મારા માર્કેટના ૨૦ વર્ષ થયા છે અને ગુજરાત લેવલની માર્કેટ છે. આ માટે જૂનામાં જુની છે. આ વર્ષે માર્કેટમાં ૩૦૦ સ્ટોલ નાખેલા છે. ગયા વર્ષ કરતા આ વખતે નામના કારણે ગ્રાહક વધારે જોવા મળ્યું છે તેમજ આ વખતે મરચાનું પ્રમાણ વધુ જોવા મળે છે તે મરચા ખરીદનાર ગ્રાહકો પણ વધુ છે.
ડબલ પટ્ટો નાનુ પરંતુ તીખુ મરચુ: કંચનબેન
જેતપુરના કંચનબેન રાજકોટની કુવાડવા રોડની મસાલા માર્કેટમાં છેલ્લા ૧૭ વર્ષથી વેપાર કરવા માટે આવે છે. તેમની પાસે મરચામાં રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, કાશ્મીરી મરચુ, ઘોલર મરચુ, રેશમ પટ્ટો મરચુ એ તીખુ અને લાલ વધારે હોય છે અને ડબલ પટ્ટો નાનુ અને તીખુ આવે છે. કાશ્મીરી મરચા લાલ રંગ વધારે હોય છે અને તે તીખાસમાં ઓછુ હોય છે. ઠંડુ મરચું હોય છે અને તે સ્પેશ્યલ કાશ્મીરથી આવે છે અને મરચી પણ આવે છે તે તીખાસમાં વધારે હોય છે. આ વર્ષે માર્કેટમાં ગરમી સારી છે અને ભાવ પણ ખૂબ જ ગયા વર્ષ કરતા સારા છે.
મસાલાનો ભાવ અને વેંચાણ બન્ને વધ્યુ: જગદિશભાઈ
રઘુવંશી મસાલા ભંડારમાં વેપારી જગદીશભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ બધા પ્રકારના મસાલા તેમજ કઠોળના વેપારી છે. સાથે જ તલ, ભુંગરા, વરિયાળી, ઘઉં તમામ પ્રકારના વસ્તુઓ રાખે છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવમાં નોંધપાત્ર વધારો છે. ૫૦ થી ૬૦ રૂપિયાનો તો બીજી તરફ મરચા અને ઘઉંનું વેંચાણ પણ વધ્યું છે.
રાજકોટમાં દેશી મરચાનું વેચાણ
રખા દાદા માર્કેટમાં પંકજભાઈ વાડોદરીયા પોતે મસાલાના વેપારી છે. તેઓ આ માર્કેટમાં ૧૫ વર્ષથી આવે છે. પોતે કાશ્મીરી મીર્ચ, દેશી મરચુ, રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, ઘોલર, તીખી લવિંગ્યા, મરચી જેવા પ્રકારના મરચા રાખે છે. રાજકોટમાં વધારે દેશી મરચા ઉપરાંત રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, મરચાનું પણ સારું વેંચાણ છે. આ વર્ષે ખરીદીમાં વધારો નોંધાયો છે. તેની સામે ગત વર્ષની સરખામણીએ થોડોક ભાવ ૧૦ થી ૧૫ રૂપિયા જેટલો છે. માર્કેટમાં હળદર, ધાણાજી‚ તેમજ બધા મસાલા મળે છે અને ઘઉંમાં સોનેરી ટુકડા, લોકવનથી લઈ વિવિધ પ્રકારના ઘઉં મળે છે. સારામાં સારા ઘઉંના ભાવ ૪૦૦ થી ૫૨૦ સુધીનો છે અને મરચા ૧૨૦ થી ૧૮૦ સુધીના ભાવના છે.
હળદર, મરચામાં અમારી ખાસીયત: હરિકૃષ્ણ ટાંક
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન યમુનાશ્રી મસાલાના હરિકૃષ્ણ ટાંકે જણાવ્યું હતું કે, અમારે ત્યાં હળદર, ધાણાજીરૂ, કઠોળ, ઘઉં, ચોખા, હિંગ વગેરે છે. મસાલાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે લોકો વર્ષભરના રસોઈ ઘરના મસાલાની ખરીદી કરતા હોય છે. જેમાં હળદર, મરચુ, ધાણાજી‚ છે. આ વખતે ભાવમાં થોડા ઘણા અંશે ફેરફાર છે. અમારી હળદરની ખાસીયત છે તેની ખરીદી વધુ થાય છે.
ગ્રાહકો વધુ સેલમ હળદરની પસંદગી કરે છે: સચીન જીવરાજાની
રાજકોટના વેપારી સચીન જીવરાજાનીએ જણાવ્યું હતું કે, મેં શ્રી રામ મસાલા માર્કેટમાં મારા સ્ટોલમાં બધા જ મસાલાઓ છે જેમાં ધાણા-જીરૂ, હળદર, રાય, મેથી, કઠોળ, ગરમ મસાલો બધા જ મસાલાઓનો સમાવેશ થઈ જાય છે. આ ઉપરાંત હળદરમાં મુળાની, રાજાપુરી, સેલમ, કેસર, સેલમ એમ બધા પ્રકારની હળદર છે. ગ્રાહકો મોટાભાગે સેલમ હળદર લેવાનું પસંદ કરે છે. આ વર્ષે એકંદરે માર્કેટ ખૂબ સારી ચાલે છે અને ગયા વર્ષના ભાવ કરતા આ વર્ષે ભાવમાં ઘણો ઘટાડો જોવા મળે છે.
હળદરમાં કિલોએ ૨૦ થી ૨૫ રૂપિયાનો ઘટાડો આવ્યો; ગોપાલ વિઠલાણી
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ભવાની મસાલાના ગોપાલ વિઠલાણીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૧૭ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ. અમારી પાસે મુખ્ય હળદર, ધાણાજીરૂ, રાય તથા બધા જ અનાજ, કઠોળ રાખીએ છે. અત્યારે મસાલાની સીઝન હોવાથી ઘરાકી સારી છે. ગયા વર્ષની સરખામણીમાં ઘણી વસ્તુના ભાવ ઓછે છે. જેમ કે હળદરમાં ૨૦ થી ૨૫ -રૂપિયા કિલોએ ઓછા છે. જયારે ધાણીમાં ૨૦ રૂપિયા ઉંચો ભાવ છે. અત્યારે સિઝનની શ‚આતમાં લોકોની ભીડ જોવા મળે છે.
ગ્રાહકોના મતે મસાલા માર્કેટ
નીલાબેન કુવાડવા રોડ પરની મસાલા માર્કેટમાંથી છેલ્લાં ૬ વર્ષથી વસ્તુઓ લેવા આવે છે. બીજી માર્કેટ કરતાં આ માર્કેટના મસાલાની ગુણવતા અને ભાવ સારા હોવાથી તે અહીંયાથી જ મસાલા લેવાનું પસંદ કરે છે. તેનાને આ વર્ષે પણ બધા જ મસાલા આ માર્કેટથી જ લીધા છે. બારના તૈયાર પેકેટ કરતા આ મસાલા ખૂબજ સારા હોય છે.
રાજકોટના ડિમ્પલ રાઠોડે જણાવ્યું હતું કે અમે રામ મસાલા માર્કેટમાંથી રેશમ પટ્ટાનું મરચા, રાજસ્થાની ધાણી, જીરૂ, ચોખા જેવી અનેક વસ્તુની ખરીદી કરી છે. ઘરમાં વૃદ્ધો અને બાળકો વધુ તીખુ ખાય તો એસીડીટીના પ્રોબ્લેમ થાય તેથી ડબલ રેશમ પટ્ટા મરચા ઓછા તીખા હોવાથી મેં તે મરચા પસંદ કર્યા છે. હું મરચામાં તેલ અને મીઠું ભેળવીને પેક કરી વર્ષ દરમ્યાન તેની માવજત કરું છું, મરચાની સારી માવજત કરીએ તો તેનો સ્વાદ વર્ષના અંત સુધી સરખો જ રહે છે. ગયા વર્ષ કરતા આ વર્ષે મસાલાનો ભાવ થોડો વધારે છે અને મરચાની સુગંધથી જણાય છે કે, આ વખતે મરચા વધુ તીખા હશે.
નયનાબેન જણાવ્યું હતું કે, અમે મસાલા માર્કેટમાંથી હળદર, મરચુ, રાય, ધાણાજીરૂ વગેરે મસાલાની ખરીદી કરી છે. એમાં મરચા અમે ડબલ રેશન પટ્ટો અને કાશ્મીરી લીધા છે તેમજ કેસર સેલમની હળદરની ખરીદી કરી છે. અમે મરચાને તેલ આપીને પ્લાસ્ટીકની કોથળીમાં ભરીને તેની વર્ષ દરમ્યાન માવજત કરીએ છીએ. આવું કરવાથી મરચાનો સ્વાદ આખા વર્ષ દરમ્યાન સરખો રહે છે. આ વખતે મસાલામાં ગયા વર્ષ કરતા થોડો વધારો જોવા મળે છે.
શીતલ પીઠડીયાએ જણાવ્યું હતું કે, આ વખતે પણ કાશ્મીરી મરચાની ખરીદી કરી છે. કાશ્મીરી મરચાની પસંદ કરવાનું એકમાત્ર કારણ એ છે કે આ મરચાનો કલર લાલ આવે છે અને વધારે તીખુ નથી આવતું. હું મરચાને પેકિંગ રાખીને તેની માવજત કરું છું, હું દર વર્ષ ખોડીયારમાંથી જ મરચાની ખરીદી કરું છુ કારણ કે, ખોડિયારના મરચાનો સ્વાદ વર્ષના અંત સુધી સરખો જ રહે છે.
રઘુવંશી મસાલા ભંડારમાં મસાલા લેવા જામનગરથી રાજકોટ આવતા વર્ષાબેને કહ્યું હતું કે, તેઓ ૨૦ વર્ષથી મસાલા રાજકોટ આવે છે તેઓ અહીંના મસાલાની ગુણવત્તા અને ભાવ સારા હોવાથી વર્ષભરના મસાલા સારા રહે છે.
ગૃહિણી જયોતિબેન કણઝરીયાએ જણાવ્યું કે મસાલાની સીઝન આવી ગઈ છે. જયારે અમે ઘણા વર્ષોથી ખોડીયાર મસાલા માર્કેટમાં બધા મસાલાની ખરીદી કરીએ છીએ. અમે જાતે જ મસાલા જોઈને દળાવીએ છીએ જેથી સ્વાસ્થ્ય સારું રહે અમે જાતે વસ્તુઓ જોઈને ખરીદી કરીએ તેથી સારું મરચું, હળદર થાય, જો મરચુ હળદર તૈયાર લઈએ તો તેમાં કલરની ભેળસેળ હોય તેથી અહીંયા જાતે જ જોઈને લઈએ તેથી સંતોષ રહે. આ વખતે થોડો ઘણો ભાવમાં વધઘટ છે.
‘અબતક’ સાથે વાતચીત કરતા વિશાલ મકવાણાએ જણાવ્યું કે, મસાલાની સીઝન ચાલું થઈ ગઈ છે. ત્યારે ગ્રાહકો વધુ આવે છે અને મરચુ દળીએ છીએ જેમાં દરરોજ ૧૦૦ થી ૧૫૦ કિલો મરચું દળીએ છીએ.