કરોનાની બીજી લહેરમાં વકરતા વાયરસને નાથવા સમગ્ર દેશની રાજ્ય સરકારો મથામણમાં જુટાઈ છે. છેલ્લા દોઢેક માસના સમયથી જે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે એનો ડર પણ લોકોમાં પેસ્યો છે. પરંતુ હવે ડરને હરાવી કોરોનાને હરાવવાનો સમય આવી ગયો છે. લોકો સ્વયમ જાગૃત થાય અને સ્વકાળજી લઈને નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેમજ કોરોનાની નકારાત્મકતા છોડી પોઝિટિવ નહિ પરંતુ “બી પોઝિટિવ” બને એ હેતુસર “અબતક”દ્વારા “ગુજરાત જાગ્યુ, કરોના ભાગ્યુ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવું જ અભિયાન રૂપાણી સરકાર દ્વારા પણ “મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન છેડાયું છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાન રંગ લાવ્યું છે. લોકભાગીદારી જ સર્વસ્વ છે તેમ સાબિત થયું છે. માત્ર ચાર દિવસના ટૂંકાગાળામાં ગામડાઓમાં 13,061 કોવિડ કેર સેન્ટર ઉભા થઇ ગયા છે તો 1.20 લાખ બેડની વ્યવસ્થા થઈ છે. અને આ સેન્ટરોમાં અત્યાર સુધીમાં 2,627 દર્દીઓને ખસેડાયા છે. ગામડાઓએ ટૂંકાગાળામાં છે આ મિશાલ કાયમ કરી છે તેનું પાલન જો શહેરમાં પણ થાય તો ગુજરાત જલ્દીથી સંપૂર્ણપણે કોરોના મુક્ત થઈ જશે. શહેરવાસીઓએ આમાંથી શીખ લઈ આવી પહેલ કરવી જોઈએ.
ગ્રામ્ય વિસ્તારમાં આ સુવિધા ઊભી થવાની સાથે રસીકરણની જાગૃતતા પણ આવી છે. ગ્રામ્યમાં જાગૃતતા જ કોરોનાની સાઈકલ તોડી નાખશે. ગામ પંચાયત દ્વારા તમામ લોકોને કોરોના કવચ આપવા માટે નવી પહેલ પણ શરૂ કરવામાં આવી રહી છે. શહેર કરતાં ગામડાઓમાં રસીકરણ ઝુંબેશ વધુ વેગવંતી બની છે. ઉલ્લેખનીય છે કે શનિવારના રોજથી શરૂ થયેલ “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનમાં માત્ર બે જ દિવસમાં 10 હજારથી વધુ કોવિડ કેર સેન્ટર ગામડાઓમાં ઉભા થઇ ગયા હતા. જે હવે 2 દિવસમાં વધી 13 હજારથી વધુ થઈ ગયા છે. મુખ્યમંત્રીની અપીલને ઝીલી ગામડાઓમાં પંચાયતો તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. હવે આગામી સમયમાં કોરોનાની ચેઇન જળમૂળમાંથી ચોક્કસપણે દૂર થશે તે નીશ્ચિત છે.
“મારુ ગામ કોરોના મુક્ત ગામ” મુહિમ શરૂ કરાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ રાજ્યભરની 14,246 ગ્રામ પંચાયતોને અપીલ કરી હતી કે તેઓ આ મુહિમમાં જોડાય. ગ્રામ્ય સ્તરે 10 લોકોની કમિટી બનાવે અને આ કમિટી કોરોનાગ્રસ્ત દર્દીઓની જમવા સહિતની મેડીકલ સેવા પૂરી પાડવાની જવાબદારી ઉપાડે. મુખ્યમંત્રીની અપીલ ની ગામડા ઓ એ ઝીલી લીધી હોય તેમ અભિયાન વેગવંતુ બની ગયું છે. જેના પરિણામસર 248 તાલુકાની 14,246 ગામડાઓમા 1,20,000 જેટલા બેડ તૈયાર થઈ ગયા છે.