સોમનાથ, દ્વારકાધીશ, માધવરાયજી, ભુરખીયા હનુમાન, દાંડી હનુમાન, રફાળેશ્ર્વર, માટેલધામ, ભુવનેશ્ર્વરી, ઉપલેટાના બડા બજરંગ સહિતના મંદિરો ભક્તો માટે ખુલ્યા
આરતીમાં ભાગ લઈ નહીં શકે, ભક્તોએ માસ્ક પહેરવું પડશે, સામાજીક અંતર જાળવવું પડશે: બીએપીએસ મંદિરો તા.૧૨મીએ ખુલશે: રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખોલવાનો નિર્ણય શુક્રવારે થશે
કોરોનાને રોકવા લદાયેલા લોકડાઉન બાદ સરકારના નિયમો મુજબ અનલોક-૧માં મંદિરોને ખોલવા માટે છૂટ આપવામાં આવતા આજથી બાર જ્યોર્તિલીંગોના પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિર, જસદણ નજીકના ઘેલા સોમનાથ મંદિર, દામનગર નજીકના ભુરખીયા હનુમાનજી મંદિર, મોરબીના રફાળેશ્ર્વર, માટેલધામ તથા જૈન દેરાસરો સહિતના ધાર્મિક સ્થાનો આજથી ભક્તો માટે ખુલ્યા છે. સરકારના આરોગ્ય તકેદારીના નિયમો મુજબ ભક્તો માસ્ક પહેરી, સામાજીક અંતર જાળવીને શિસ્તબદ્ધ રીતે ભગવાનના દર્શન કરી શકશે.
પ્રભાસ પાટણ
ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ દર્શન શરૂ થયા છે. સરકારની આરોગ્ય તકેદારીની ગાઈડ લાઈન મુજબ દર્શન માટે માસ્ક ફરજિયાત પહેરીને જ આવવાનું રહેશે. સામાજીક અંતર માટે જે ગોળ રાઉન્ડ બનાવ્યા છે તેમાં જ ઉભા રહી લાઈનમાં જવાનું રહેશે, સેનીટાઈઝ થઈને જ પ્રવેશ કરવાનો રહેશે. મંદિરમાં પણ રેલીંગ કે કોઈપણ જગ્યાએ અડવું નહીં, તેમજ ૬૫ વર્ષના અને તેથી વધુ ઉમરના તેમજ ૧૦ વર્ષથી નાની ઉમરના બાળકોને દર્શન માટે સાથે ન લાવવા. મંદિરમાં દંડવત પ્રણામ ન કરવા માત્ર દર્શન કરીને જ તુરંત બહારના ગેઈટથી બહાર નીકળવું, જેથી વધુમાં વધુ યાત્રિકોને દર્શન થઈ શકે તેમ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું. જિલ્લા બહારથી દર્શન કરવા ઈચ્છતા સર્વે શ્રદ્ધાળુઓએ તા.૧૨ જુનથી ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી દર્શન માટેના સ્લોટની લીંક મુકવામાં આવશે જે લીંક દ્વારા ઓનલાઈન બૂક કરાવીને જ આવવાનું રહેશે. જેથી વધુ સમય લાઈનમાં જ ઉભા રહેવું પડે. મંદિર દર્શનનો સમય પણ મર્યાદિત હોય, સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ અને ૧૨:૩૦ થી ૬:૩૦ સુધી માત્ર દર્શન માટેજ ખુલશે.
દ્વારકા
આજથી દ્વારકાધીશ મંદિરના દ્વાર ખુલ્યા છે. વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ મુશ્કેલીના સર્જાય. મંદિરમાં સેનેટાઇઝ સહિત બધી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ખુલતા જ દ્વારકામાં વેપાર ઉદ્યોગ ફરી થશે. હાલ તો સરકારે મંદિર ખોલવાને લઈ કોઈ જાહેરાત ન કરી હોઈ અધિકારીઓ મંદિર ખોલવા બાબતે મૌન છે. મંદિરમાં હાલ મેડિકલ આરોગ્યની તેમજ સોશીયલ ડિસ્ટન્સ જાળવીને મંદિરમાં એક દરવાજેથી પ્રવેશ મળે તે રીતે સાવચેતી રાખી દર્શન થઈ શકે તેવા પ્રયત્નો હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
મોરબી
મોરબીમાં સ્વામીનારાયણ મંદિરો સિવાયના મોટાભાગના ધર્મસ્થાનકોના દ્રાર ભાવિકો માટે ઈશ્વરના દર્શન અર્થે આજથી ખુલ્લા મુકાય છે. સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ભાવિકોને ધર્મસ્થાનોમાં દર્શન કરવાની છૂટ મળશે. મોરબીના સ્વામીનારાયણ મંદિરો હજુ બંધ રહેશે.જેમાં કાળુંપુર ,વડતાલ,બીએપીએસ સહિતના તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિરો હાલ પૂરતા બંધ રખાશે.આ સ્વામિનારાયણ મંદિરો ૧૭ મી તારીખની આજુબાજુમાં ખુલે તેવી શકયતા છે. મોરબી નજીક આવેલ પૌરાણિક રફાળેશ્વર મંદિર આજથી ખુલ્યું છે.
માધવપુર
માધવપુરમાં આવેલ માધવરાયજી મંદિર ના આજ રોજ થી દિવસ મા ચાર ટાઈમ દરશન ખુલશે. માધવરાયજીના દર્શન તા.૮ને સોમવાર સવારે માગણાના દર્શન ૭.૦૦ થી ૭.૩૦ સુધી ખુલા રહશે ત્યાર બાદ રાજભોગ ના દર્શન ૧૧.૦૦.થી ૧૧.૩૦ સુધી ખુલા રહશે ત્યાર બાદ બપોર પછી ભોગના દર્શન ૫.૦૦ થી ૫.૩૦ સુધી ત્યાર બાદ સયન ના દર્શન ૬.૪૫ થી ૭.૦૦ સુધી ખુલા રહશે આ મુજબ તમામ દર્શન ટાઈમ ટેબલ અનુસાર ખોલવામાં આવશે.
ગોંડલ
ગોંડલ ભુવનેશ્વરી મંદિરના આચાર્ય ઘનશ્યામજી મહારાજે જણાવ્યું હતું કે, આજે સવારથી માતાજીના દર્શન રાબેતા મુજબ શરૂ થયા છે. જેમાં ભક્તજનોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે તેમજ આગામી સમયમાં જો તંત્ર દ્વારા છૂટ આપવામાં આવશે તો ભોજનશાળા પણ શરૂ કરવામાં આવશે. રમાનાથ ધામ ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું કે આજથી મંદિરે દર્શન શરૂ થયા છે. જેનો સમય સવારે ૬થી ૧૨ અને બપોરે ૨ થી ૬:૩૦ નક્કી કરાયો છે સ્મૃતિ મંદિરમાં સવારે ૬:૩૦ અને સાંજે ૬:૦૦ વાગ્યે આરતી થશે જ્યારે અંબાજી મંદિરમાં સવારે ૭ અને સાંજે ૬:૩૦ વાગ્યે આરતી કરવામાં આવશે ત્યારબાદ મંદિર બંધ કરાશે.
જસદણ
જસદણ તાલુકામાં આવેલ લાખો લોકોના આસ્થાના મુખ્ય કેન્દ્ર શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દ્વાર આજથી નહીં ખુલે પણ આગામી શુક્રવારે ક્યારથી દ્વાર ખુલશે તે નિર્ણય લેવામાં આવશે.
ઉપલેટા
કોરોનાના પગલે લોકડાઉન ઈશ્ર્વર પણ પોતાના મંદિરમાં ૭૬ દિવસ કેદ રહ્યાં બાદ આજે સવારે સરકારની ગાઈડ લાઈન મુજબ શહેરના બગીચા પાસે આવેલ વર્ષો પુરાણા બડા બજરંગ હનુમાનનું મંદિર ખુલ્યું છે. ભક્તોએ દર્શન શરૂ કર્યા છે.
દામનગર
દામનગરના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાન મંદિર લાંબા લોકડાઉન બાદ શરતો સાથે આજથી ખુલ્યું છે. નિયમ પાલનથી સવારના ૭ કલાકથી બપોરના ૧૨ કલાક પછી ૩ થી સાંજના ૭ કલાક સુધી મર્યાદિત સંખ્યામાં દર્શન કરી શકાશે.
ઓખા
ઓખા બેટ શંખોદ્વારમાં આવેલ દ્વારકાધીશ મંદિર સાથે વિશ્ર્વ પ્રસિદ્ધ દાંડી હનુમાન અને ઓખા ગાયત્રી જ્ઞાન મંદિરમાં દ્વારકાધીશની મંગલા આરતીના દર્શન સાથે ભક્તજનો ભાવુક બન્યા હતા.
મંદિરના દર્શનનો સમય ૭:૩૦ થી ૧૧:૩૦, બપોરે ૧૨:૩૦ થી ૬:૩૦ સુધીનો રહેશે. બેટ શંખોદ્વાર ટાપુ પર જવા બોટનો સમય પણ સવારે ૭ થી સાંજે ૭ સુધીનો રહેશે.