નિફટીમાં પણ ૧૦૪ પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયામાં સામાન્ય નબળાઈ

શેરબજારમાં આજે મંગળવારે મંગલ-મંગલ જેવો માહોલ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી જોવા મળતા આજે ભારતીય શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ ગ્રીન ઝોનમાં કામ કરતા નજરે પડ્યા હતા. ડોલર સામે રૂપિયામાં સામાન્ય નબળાઈ જોવા મળી હતી. બજેટ બાદ શેરબજારમાં સતત ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસ સેન્સેકસ અને નિફટીમાં ઉછાળો જોવા મળે છે તો બીજા દિવસે બન્નેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં રોકાણકારો પણ બજારનો માહોલ નક્કી કરવામાં નિષ્ફળ રહ્યાં છે. આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ-સેન્સેકસ તથા નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી જોવા મળતા દિવસ દરમિયાન ભારતીય શેરબજારમાં પણ તેજી જળવાઈ રહી હતી. રોકાણકારોએ વિશ્વાસ સાથે ખરીદીનો દૌર શરૂ કર્યો હતો. આજે ઈન્ટ્રાડેમાં સેન્સેકસે ૪૧૪૪૪ અને નિફટીએ ૧૨૧૭૨ પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. આજની ત્તેજીમાં ગેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતી ઈન્ફાટેલ અને એનટીપીસીના ભાવમાં ૩ થી લઈ ૬ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. તો તેજીમાં પણ નેસલે, યશ બેંક, બ્રિટાનીયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ભાવમાં ૧ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રુડ બેરલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેનાથી તેજીને બળ મળ્યું હતું ત્યારે અમેરિકન ડોલ સામે ભારતીય રૂપિયામાં ૩ પૈસાનો જેવો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૩૦૮ અને નિફટી ૧૦૪ પોઈન્ટના ઉચાળા સાથે ૧૨૧૩૫ પોઈન્ટ પર કામકાજ કરી રહી છે. જ્યારે રૂપિયો ૩ પૈસાના ઘટાડા સાથે ૭૧.૨૭ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. આજે દિવસ દરમિયાન બજારમાં સતત ઉતાર-ચઢાવનો માહોલ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.