ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ વચ્ચે દરિયાકાંઠે ઉતર-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં રવિવારે સાયકલોનીક સરકયુલેશન સર્જાશે જે મંગળવારે લો-પ્રેશરમાં પરિવર્તીત થશે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં નવી સિસ્ટમ સાર્વત્રિક વરસાદ આપે તેવું ફેવરેબલ વાતાવરણ

મેઘરાજાએ આ વર્ષ મહેર વરસાવવામાં કરકસર રાખતા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પાક અને પાણીનું ચિત્ર ચિંતાજનક બની ગયું છે. આગામી રવિવારે ઉતર પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં એક નવુ સાયકલોનીક સરકયુલેશન બની રહ્યું છે. જે મંગળવારે લો-પ્રેશરમાં પરિવર્તીત થશે. મોનસુનરૂફ પણ હિમાલયની તળેટીમાંથી નીચે ઉતરી રાજસ્થાનના ગંગાનગર સુધી સરકશે જેની અસર તળે પશ્ર્ચિમ ભારતમાં ચોમાસુ સક્રિય થશે. મંગળવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મંગલકારી મહેર ઉતારશે તેવું સાનુકુળ વાતાવરણ બની રહ્યું છે.આગામી પાંચ દિવસ રાજયમાં છુટાછવાયો વરસાદ વરસતો રહેશે.

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વહેલા આગમન બાદ વરસાદ ખેંચાવાના કારણે હાલ રાજયભરમાં પાક નિષ્ફળ જવાની દહેશત ઉભી થવા પામી છે. જળાશયોનાં પણ તળીયા દેખાવા લાગ્યા છે. રાજય સરકાર દ્વારા પાકને બચાવવા માટે જળાશયોમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેઘરાજાની કાગડોળે રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આગામી 15મી ઓગષ્ટના રોજ બંગાળની ખાડીમાં એક સાયકલોનીક સરકયુલેશન સર્જાશે જે બે દિવસ બાદ અર્થાત 17મી ઓગષ્ટનારોજ લો-પ્રેશરમાં પરિવર્તીત થશે.

આ ઉપરાંત હાલ મોનસુન રૂફ છેલ્લા ઘણા દિવસથી હિમાલયની તળેટી સુધી ઉપર ચડી ગયો છે. જે 15મી પછી નીચે સરકી રાજસ્થાનના ગંગાનગર તરફ નોર્મલ પોઝીશનમાં આવશે જેના કારણે પશ્ર્ચિમ ભારતનાં રાજયોમાં ચોમાસુ ફરી સક્રિય થશે. નવી સિસ્ટમ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે ઉતર પશ્ર્ચિમ બંગાળ ખાડીમાં બની રહી છે. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉતર ભાગમાં જયારે નવી સીસ્ટમ બને છે તે ગુજરાત માટે ખૂબજ સાનુકુળતા હોય છે. હાલ તમામ સ્થિતિ ફેરવેરલ છે. મંગળવારથી રાજયમાં ફરી મેઘરાજાનું મંગલકારી આગમન થશે.તેવા શૂકનવંતા સંકેતો મળી રહ્યા છે.

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. લોકલ ફોર્મેશનના કારણે અમૂક વિસ્તારોમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઈંચ સુધી પણ વરસાદ પડી શકે છે. આજે સવારે પૂરાતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 53 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ દોઢ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. વલસાડ જિલ્લાના ધરમપૂરમાં સૌથી વધુ 33 મીમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત વાસંદામાં 27 મીમી, ખેરગામમાં 19 મીમી, કપરાડામાં 18 મીમી, ડોલવાનમાં 16 મીમી, ચીખલી અને ડાંગમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો.

રાજકોટમાં ગઈકાલે સાંજે મેઘરાજાનું ગાજવીજ સાથે આગમન થયું હતુ. શહેરના મધ્યઝોન વિસ્તારમાં 8 મીમી પાણી પડયું હતુ ન્યુ રાજકોટમાં માત્ર 1 મીમી અને સામાકાંઠા વિસ્તારમાં 4 મીમી વરસાદ વરસ્યો હતો. આગામી પાંચ દિવસ છૂટાછવાયો વરસાદ વરસતો રહેશે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ તાકીદ કરવામાં આવી છે. રાજયમાં આજ સુધી સિઝનનો 36.64 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 31.74 ટકા, ઉતર ગુજરાતમાં 31.22 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 34.85 ટકા, સૌરાષ્ટ્રમાં 33.91 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 40.81 ટકા વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારથી રાજયનાં 17 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સુરત, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, આણંદ, પંચમહાલ અને અમરેલી જિલ્લામાં હળવા ઝાપટા પડયા હતા રવિવારથી ચોમાસાની સ્થિતિમાં સુધારો આવશે અને મંગળવારથી ફરી મેઘરાજા મંગલકારી હેત વરસાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.