ગૂરૂદેવ પૂ. જગાબાપાની અસીમ કૃપા અને દિવ્યોત્તમ વરદાનનો તેજસ્વી પ્રતાપ !
પારિવારિક સહયોગ, બંધુ-ભગિની સમા સ્ટાફની સમગ્ર ટીમ અને શુભેચ્છકો-શુભચિંતકોના હૃદયભીના સાથ-સહકાર સાથે સાર્વત્રિક સાફલ્યની રૂડી રંગોળી
‘વાંચકો અમારા, અમે વાંચકોના’ એ મંત્ર સાથે અખબાર અને ‘અબતક’ની સમાચાર ચેનલનો વિજય-ડંકો: હવે નવી યુગલક્ષી યોજનાઓ તથા કાર્ય પધ્ધતિઓની સજજતા: સિધ્ધહસ્ત કલમનવેશ રસપ્રદ વાંચન સામગ્રી
‘અબતક’ સાથે સંકળાયેલી ખાટી -મીઠી ઘટનાઓ અને શ્રધ્ધા ચમત્કારની ઘટનાઓએ ‘અબતક’ને અલૌકિક બળ આપ્યું છે અને ‘ગાગરમાં સાગર’નું તાજજુબી ભર્યું દર્શન કરાવ્યું છે.
રાજકોટમાં કાપડ માર્કેટથી શરૂઆત કરનાર એક પ્રખર બ્રહ્મજ્ઞાની અને સારી પેઠે પ્રારબ્ધ-પુરૂષાર્થના તપ તપેલા જોગી સમા તપસ્વી શિવભકતનો સાવ અજાણતા જ ગેબી ભેટો થઈ જતા જીવન યાત્રાની દિશા બદલાઈ ગઈ પુરી માનસિકતા જ બદલાઈ ગઈ અને કાપડ માર્કેટની ઓફીસને જેમની તેમ તાળા મારીને કૈંક જુદું જ કરવાનો ભીતરમાં અવાજ ઉઠ્યો. સદ્ગુરૂદેવ મળ્યા એમાં જાણે જીવનભરની મોંઘેરી મૂડી મળી ગઈ…
પત્રકારત્વ અને ખબઆરી આલમ વિષે કકકો-બારાખડી (અર્થાત એબીસી) જેટલીયે જાણકારી નહિ. એટલામાં એક નીવડેલા પત્રકાર સાથે દોસ્તી થઈ, અખબારી ક્ષેત્રે ઝૂકાવવાની ગેબી પ્રેરણા થઈ. જોત જોતામાં માળખું રચાઈ ગયું.
૨૦૧૧ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે ગૂરૂદેવે શુભાશિષના કંકુ-ચોખાભીના શુભ શુકન કર્યા. અબિલ ગુલાલ સાથે કેસર-ચંદનના ચાંદલાની દીપ પ્રાગટની અને આરતીવંદનની રૂડી વિધિઓ થઈ.
એ પછી થોડા સમય ‘આજતક’ના રજીસ્ટ્રેશન અંગે વિવાદ સર્જાયો. સંકટના ટકોરી વાગી.
પ.પૂ.શ્રી મોરારીબાપુના વરદ હસ્તે ઉદઘાટન માંગલ્યભીની ગતિવિધિઓ થઈ. અગ્નિપરીક્ષા પણ ડોકાયાવિના રહી નહીં.
માલિક, તંત્રી અને મુદ્રક-પ્રકાશકની તદ્ન અજાણી ભૂમિકામાં સ્ટાફમાં ફેરફારના તમામ સૂચનોને નકારીને જાતે જ તૈયાર થવાનો સંકલ્પ કર્યો અને તેમાં સારી પેઠે પાર ઉતર્યા. સ્ટાફે સરાહનીય સાથ આપ્યો.
સદ્ગૂરૂદેવશ્રીએ અગમ્ય રીતે તમામ સંકટો દૂર કરી આપ્યા અને મુશ્કેલીઓના કંટકોને ફૂલોમાં ફેરવી આપ્યાં. ‘અબતક’ના સર્વાંગી વિકાસની નવી નવી દિશાઓ કલ્પનામાં ન આવે એવા અચંબાઓ વડે તેમણે જ ખોલી આપી અને ચમત્કારો આજેય થાય છે એવી શ્રધ્ધાને તેમણે કયારેય ડગવા ન દીધી.
‘અબતક’ના ઉદ્ઘાટનને અવસરે તેમની પાવક પધરામણીને ‘રૂદ્રાક્ષ’ની માળા પહેરાવીને વધાવવાનો ઈરાદો હતો. પરંતુ દેશી ગુલાબના ફૂલની માળા વડે જ વધાવવી પ્રેરણા થઈ. આયોજક-મહાનુભાવે એ ફેરફારમાં ગૂરૂદેવની ઈચ્છાનો સંકેત માન્યો.
એમાં બન્યું પણ કૈંક એવું જ ! શ્રી ગુરૂદેવની પાવક પધરામણીનો આવકારવા માટેનો ગુલાબના ફૂલનો હાર આટલા વખત પછી પણ એની એજ સ્થિતિમાં અત્યારે પણ મોજૂદ છે.
‘અબતક’ની વિકાસયાત્રામાં એ ચમત્કાર ભીનો સાક્ષી બની રહ્યો છે.
‘અબતક’ના મંગલ પ્રયાણ વખતના તમામ ‘નડતર’ હવે બરફનીજેમ ઓગળી ગયાનો અને ગંગોત્રી-યમનોત્રીમાં ફેરવાઈ ગયા હોવાનો સંકેત આપે છે.
અબતકના કેટલાક અહેવાલોનો સહુમાં આગળ અને આકાશવાણી સમા બની ચૂકયા છે.
‘અબતક’ના દસમા વર્ષના પ્રવેશને ટાંકણે એવો સંકલ્પ કરી શકાય કે, આવતા વર્ષમાં એ એક કદાવર અખબાર બની જાય એ માટે તે બધું જ કરી છૂટશે.
નવ વર્ષના ટુંકાગાળામાં ‘અબતક’ માત્ર સૌરાષ્ટ્ર જ નહિ ગુજરાતભરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે સમાચારોને અલગ સ્વરુપે વાંચકો સમક્ષ રજુ કરવા તે અમારી ખાસિયત રહી છે. પ્રજાના અડિખમ પ્રહરી તરીકે અમે અલગ ઓળખ સાથે જ ઉભરી આવ્યા છીએ. જે અમારી સાચી તાકાત અને મૂડી છે. ઉપરાંત અબતક સાંધ્ય દૈનિકની સાથે અબતક ચેનલ અને અબતક ડીજિટલનું માધ્યમ ઉમેરાતા સોનામાં સુંગધભળી છે. આ ત્રણેય માધ્યમના સથવારે લોકોના પ્રશ્ર્નોને વાચા આપવાનું કામ સુપેરે નિભાવવામાં આવી રહ્યું છે. સાથો સાથ અબતક ચેનલ અને ડિજિટલનું માધ્યમ લોકોને મનોરંજન પૂરૂ પાડવામાં અગ્રેસર રહ્યું છે.
અખબારી ધર્મ નિભાવવામાં અમારી નખશીખ પ્રમાણીકતા અને વાંચકોનો પ્રતિસાદ અમારા ઉત્સાહમાં સતત વધારો કરી રહ્યો છે. આજે જયારે અમે દસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે વાંચકોને સતત કંઇક નવું આપવું એ અમારી મુખ્ય નેમ રહેશે. પ્રજાની સમસ્યાએ અમારી પોતીકા સમસ્યા છે. તેવું સમજી અમે તંત્રની ઝાટકણી કાઢવામાં અને સમસ્યા હલ કરવા પ્રયત્નો કરવામાં કયારેય પીછહટ નહી કરીએ, નવ વર્ષમાં સૌરાષ્ટ્રના શાણા વાંચકોએ અમને જે પોતીકુ પણુ આપ્યું છે તેનાથી અમારો ઉત્સાહ સતત વધી રહ્યો છે. આવતા દિવસોમાં ‘અબતક’એક પ્રહરી બની સતત પ્રજા વચ્ચે ઉભુ રહેશે.
આજે ગુરૂશ્રી જગાબાપુના ઉત્તરાધિકારી શ્રી ભાવેશબાપુએ ‘અબતક’ને વધુને વધુ પ્રગતિ અને સફળતા શિખરો સર કરે તેવા આશિર્વચન આપી ‘અબતક’ પરિવારના દરેક સભ્યને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની ધગશના આશિર્વચન પાઠવ્યા હતા. ‘અબતક’ ગુરૂ અને સંતોના આશિર્વચન હેઠળ પ્રગતિ કરી રહ્યું છે. તે અંગે સંતોની જ સનદ પ્રાપ્ત થઈ છે.