વાંચકોના અવિરત પ્રેમ થકી આજે “અબતક” એવરેસ્ટના શિખરે: અસ્મિતા, પરંપરા જાળી રાખવાનું અભય વચન

 

સૌરાષ્ટ્રની ધીંગી ધરાનું ખમીરવંતુ  અખબાર ‘અબતક’ સાથે પોતાની યશસ્વી યાત્રાનો એક દશકો પૂર્ણ કરી શુકનવંતા અંક એવા અગિયારમાં વર્ષમાં મંગલમય પ્રવેશ કરી રહ્યું છે. દરેક વ્યકિત કે સંસ્થાના અસ્તિવિકાસમાં દશકાનું અતિ મહત્વ રહેલું છે. અમારા માટે આજે દશકો નહી પરંતુ ‘દશાબ્દી’ મહોત્સવ હોય તેવી હરખ ભરી લાગણીનો અહેસાસ અમે કરી રહ્યા છીએ. વાંચકોના અવિરત પ્રેમ અને હુંફના કારણે આજે અમે એવરેસના શિખરે પહોંચી ગયા છીએ. પ્રથમ દિવસથી ચાલી આવતી અમારી વણલખી પરંપરા અને કાઠીયાવાડી અસ્મિતાને જાળવી રાખવાનું અને અભય વચન આપીએ છીએ.

એક દશકામાં અમે દરેક આફતને અવસર સમજી તેનો સ્વીકાર કર્યા છે અને તમામ પડકારો અડચણોમાંથી સાંગોપાંગ બહાર આવી અને દરેક વખતે વધુ નિખર્યા છીએ આજે ભલે દશકો પૂર્ણ થતો હોય પણ અમારા માટે આ સિઘ્ધી ‘દશાબ્દી અવસર’  થી રતિભાર પણ ઓછી નથી. પુરૂષાર્થ રુપી પરસેવો પાડી અને વાંચકોને પારસ મણી જેવા સમાચારો પિરસ્યા છે. આજે અમારો પુરૂષાર્થ સફળતામાં પરિવર્તીત  થઇ ચોમેર લહેરાય રહ્યો છે. દશકો પુરો થતા અમે આમ સંતોષ માની લેશું એવું નથી. વાંચકોની વાંચન ભુખ સંતોષવા અમે હવે વધુ પરિપકવ બન્યા છીએ. આજ સુધી અમે એક પ્રહરી  તરીકેનો રોષ નિભાવ્યો હતો હવે અમે સેનાપતિ બની આગળ વધીશું.

વર્ષાથી અખબારી આલમ વિશે લોકોના મનમાં ઘર કરી ગયેલી માન્યતામાં સુધારો લાવવામાં અમે સફળ થયા છીએ. ચોથી જાગીર તરીકે અમે કયારેય કોઇ ચમરબંધીને છોડવાનો નાનો અમસ્તો પણ પ્રયાસ કર્યા નથી. એક દશકામાં અમે કરેલું ખેડાણ આજે ઉગી નીકળ્યું છે. ગુજરાતી થાળીની માફક અમે હર હમેંશ વૈવિઘ્યસભર વાંચન થાળ પિરસવાનો સતત પ્રયાસ કર્યા છે. જેને હવે વધુ દ્રઢ સંકલ્પ સાથે આગળ વધારીશું, દશાબ્દી અવસરનો હવે આરંભ થયો છે અને અને તેને વાંચકો સાથે રાખીને વષાર્ર્ સુધી  ઉજવણી કરવા માંગીએ છીએ.

આજથી બરાબર 10 વર્ષ પહેલા સોમનાથ તીર્થધામના પાવન એવા ત્રિવેણી સંગમ ખાતે ગુરૂદેવ પૂ. જગાબાપાના શુભહસ્તે અને વિશ્ર્વસંત પૂ. મોરારિબાપુના સાન્નિધ્યે ‘અબતક’નું અવતરણ થયું આ તસ્વીર આજે 10 વર્ષ પછી સ્પષ્ટપણે બોલી રહી છે કે, પૂ. જગાબાપાની દ્રષ્ટિ ‘અબતક’ પર છે તો પૂ. મોરારિબાપુનો ભાવ પણ સ્પષ્ટપણે અનુભવી શકાય છે. બે સંતોના જેના પર કોટિ કોટિ આશીર્વાદ છે એટલે ‘અબતક’ 10 વર્ષની મંઝીલ સરળતાપૂર્વક પાર કરીને સફળતાપૂર્વક સડસડાટ આગળ ધપી રહ્યું છે.

જન્મદિન એટલે અનુભવમાં એક વર્ષનું ઉમેરણ. ‘અબતક’નો આજે અગિયારમો અવતરણ દિવસ છે. એક ઓલિયાના આશીર્વાદ અને દિશાદર્શનથી ‘અબતક’ અવતર્યું. પાટડી ઉદાસી આશ્રમના સંત પૂ. જગાબાપાએ સૂચવ્યું ને અખબારનો આરંભ કરવાની દિશામાં પગલાં માંડયાં.

14 ઓકટોબર 2011ના રોજ જયોતિર્લીંગ સોમનાથ સાન્નિધ્યે પૂ. મોરારિબાપુની કથા ચાલતી હતી ત્યારે ત્રિવેણીસંગમ પર પૂ.બાપુ અને પૂ. બાપાએ ‘અબતક’ પર અંતરની ઉષ્મા વરસાવી. જયારે બે-બે સંતોએ ‘અબતક’ને કુમકુમ-ચોખાથી વધાવ્યું હોય ત્યારે અમારી જવાબદારી અનેકગણી વધી જાય છે ને એટલે જ ‘પોઝીટીવ ન્યૂઝ ઈન્ફોર્મેટીવ ન્યૂઝ’ના મુદ્રાલેખ સાથે ‘અબતક’નો શુભારંભ કર્યો ને નીતિ એકદમ સ્પષ્ટ રાખી કે ગુનાખોરીના સમાચારને હાંસિયામાં રાખવા, લોકોને ‘આહ’ થઈ જાય એવા અકસ્માતમાં મૃત્યુ પામેલા, આત્મહત્યા કરેલા લોકોના ફોટો ન જ છાપવા ને માત્ર હકારાત્મક, લોકો માટે માહિતી અને જ્ઞાનવર્ધક વિગતો જ પુરી પાડવી ને એ સિલસિલો આજપર્યંત જાળવી રાખ્યો છે ને કાયમ માટે જાળવી રાખશું.

 

54

‘અબતક’નામ પસંદ કરવા પાછળનો હેતુ પણ પહેલેથી જ સ્પષ્ટ હતો કે અત્યાર સુધીના સમાચારો, માહિતી તો બધે જ મળશે પણ એ પછીનું શું? આવતીકાલનું શું? એટલે તો ‘અબતક’ આ ઘડી સુધીના ન્યૂઝનું વિશ્ર્લેષણ કરીને તેમાં જરૂરી વ્યૂઝ ઉમેરીને આવતીકાલ માટેનું ભાથું તૈયાર કરે છે, એટલે તો અનેક વખત એવું થયું છે કે ‘અબતકે’ જે આજે કહ્યું હોય તે કાલે, પરમ દિવસે સાચું પડયું હોય. ‘અબતક’ માને છે કે સમાચારો જૂના થતા નથી, તેનું નવિનરીતે અર્થઘટન કરી શકાય છે ને ‘અબતક’ એમ કરે છે !

સમય સાથે કદમ મિલાવવામાં ‘અબતક’ ઉણું ઉતરતું નથી. અખબાર પછી 24ડ્ઢ7 ગુજરાતી થાળી જેવી શુધ્ધ સ્વાદિષ્ટ અને સાત્વિક ચેનલ અને એ પછી ડિજિટલ મીડિયામાં પણ ‘અબતકે’ ઝંપલાવ્યું ને પોતાની આગવી ઓળખ ઉભી કરી.

‘અબતક’ કોર્પોરેટ જેવું નથી, કોર્પોરેટમાં લક્ષ્યાંકો હાંસલ કરવા જતાં સ્ટાફ પર એકસ્ટ્રા સ્ટ્રેસ આવી પડતો હોય છે. ‘અબતક’નો સ્ટાફ નથી પણ પરિવાર છે. દરેક પર્વોની પરંપરાગત ઉજવણી પરિવારજનો સાથે મળીને કરે છે, વર્ષમાં એક બે વાર પ્રવાસમાં જાય છે ને સૌથી મોટી વાત કે પરિવાર માટે દરરોજ બપોરે સ્વાદિષ્ટ સાત્ત્વિક ભોજન મેનેજમેન્ટ તરફથી હોય છે! હેતુ એ જ કે મીડિયામાં ટાઈમિંગના ઠેકાણાં ન હોય,કર્મીઓ સમયસર જમી ન શકે, ટીફીન લાવે તો પણ ઠંડું જમવું પડે- આ બધી સમસ્યાના છૂટકારા માટે મેનેજમેન્ટે જ ભોજનની વ્યવસ્થા કરી ને જેમ કોઈ આશ્રમે, ધર્મસ્થાનમાં સેલ્ફસર્વિસથી પ્રસાદ લેવાતો હોય એજ પરંપરા અહીં અમલમાં છે. કેન્ટીનની જેમ નહીં ટૂંકમાં વ્યકિત તંદુરસ્ત તો સંસ્થા તંદુરસ્ત !

‘અબતક’ શરૂ થયું ત્યારે તેનું નામ અલગ હતું એ પછી બદલ્યું. બીજું નામ પણ થોડા સમયમાં બદલવું પડયું અને અંતે ‘અબતક’ થયું છતાં પણ પહેલા દિવસનો વાંચક 10 વર્ષ સુધી યથાવત રહ્યો એટલે કે વાંચક રાજા છે એ અહીં સાબિત થયું. ‘અબતક’ને એક દાયકા સુધી આપ સૌના આશીર્વાદ મળતા રહ્યા ને હજુ પણ મળતા રહેશે એવી આશા છે. સામા પક્ષે અમે પણ અમારા માર્ગ પરથી ચલિત નહીં થઈએ એની ખાતરી આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.