કારખાનેદારની રિસામણે આવેલી પત્ની અને પાડોશી શખ્સની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી
બંનેના મોતથી ચાર માસુમ બાળકો બન્યા નોંધારા: ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું
માતા અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયાનું સાડા ત્રણ વર્ષની બાળકીએ પોલીસને ભાંગી તૂટી બોલીમાં બ્યાન આપ્યું
શહેરની ભાગોળે આવેલા નવાગામની રંગીલા સોસાયટીમાં પરિણીત પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા કોળી પરિવારમાં અરેરાટી સાથે શોક છવાય છે. પરિણીત પ્રેમીકાની હત્યા કરી લાશને લટકાવી પ્રેમીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની શંકા સાથે કુવાડવા પોલીસે બંનેના ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યા છે. બંને પરિણીત પ્રેમી પંખીડાના મોતથી ચાર માસુમ બાળકો નોંધારા બનતા કરૂણાંતિકા સર્જાય છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગામ નજીક રંગીલા સોસાયટીમાં રેહતી કાજલબેન સુરેશભાઇ મકવાણા નામની ૨૪ વર્ષની કોળી પરિણીતા અને તેના પાડોશમાં રહેતા નારણ ગોરધન જાખેલીયા નામના ૨૪ વર્ષના યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એમ.સી.વાળા, રાઇટર હિતેશભાઇ ગઢવી અને હેડ કોન્સ્ટેબલ બુટાભાઇ ભરવાડ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.
કાજલબેન મકવાણાના સાતેક વર્ષ પહેલાં બેડલાના સુરેશ નાથાભાઇ મકવાણા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન કાજલબેન મકવાણાને ત્રણ પુત્રીનો જન્મ થયો હતો. કાજલબેન મકવાણાને રંગીલા સોસાયટીના નારણ જાખેલીયા સાથે પ્રેમ સંબંધ હોવાની પતિ સુરેશ મકવાણાને જાણ થતા બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી કાજલબેન મકવાણા રિસામણે પિયર રંગીલા સોસાયટી આવી જતી હતી. ત્યારે કાજલનો ભાઇ નિલેશ બંને વચ્ચે સમાધાન કરાવી દેતો હતો. એકાદ માસ પહેલાં કાજલ મકવાણા પતિ સુરેશ મકવાણા સાથે ઝઘડો કરી પોતાની ત્રણ પુત્રી સાથે રંગીલા સોસાયટીમાં રહેવા માટે આવી ગઇ હતી. જે પૈકીની મોટી પુત્રી પોતાની માતા સાથે રહે છે. અને નાની બે પુત્રી કાજલબેન સાથે રહે છે.
કાજલબેન મકવાણાને નારણ જાખેલીયા સાથે પ્રેમ સંબંધ હોવાથી તે અવાર નવાર મળવા માટે આવતો હતો ગઇકાલે બપોરે આવ્યા બાદ બંનેએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા બાદ પોલીસે મૃતક કાજલબેન મકવાણાના શરીરે નખ લાગ્યાના ઇજાના નિશાન જોવા મળતા તેણીની સાડા ત્રણ વર્ષની પુત્રી ટબુની પૂછપરછ કરતા માસુમ બાળકીએ પોતાની માતાને નારણ સાથે ઝઘડો થયાનું અને તેને લટકાવી દીધાનું જણાવતા પોલીસ સ્ટાફ ચોંકી ઉઠયો હતો. કાજલ અને નારણે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે કે, હત્યા કરી લાશ લટકાવી દીધી છે તે અંગે વિશેષ વિગતો મેળવવા પોલીસે બંનેના મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
મૃતક કાજલબેન મકવાણાને ત્રણ પુત્રી હોવાનું અને નારણ જાખેલીયાને સંતાનમાં એક પુત્ર હોવાનું તેમજ પતિના આડા સંબંધની જાણ થતા નારણ જાખેલીયાની પત્ની પણ જતી રહ્યાનું જાણવા મળે છે.
શાપર-વેરાવળના પ્રેમી પંખીડાએ ઝેર ગટગટાવ્યું
શાપર-વેરાવળમાં રહેતા કિંજલ જયંતીભાઇ રાઠવા નામની ૧૭ વર્ષની સગીર બાળા અને પ્રકાશ સવાભાઇ ભીલવા નામના ૧૮ વર્ષના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા બંનેને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જયાં પ્રકાશ ભીલવાની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
મુળ જેતપુરની વતની અને શાપર-વેરાવળ ખાતે ચંદુભાઇ નરશીભાઇની વાડીએ ખેત મજુરી કરતી કિંજલબેન રાઠવાને તેની બાજુમાં વિપુલ કાપડીયાની વાડીએ ખેત મજુરી કરતા પ્રકાશ ભીલવા સાથે બે વર્ષ પહેલાં આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. કિંજલબેન સગીર હોવાથી બંનેના લગ્ન શકય ન હતા. દરમિયાન ગઇકાલે બંને પ્રેમી પંખીડા વાડીએ ઘાસની ભારી પાછળ બેઠેલા હોવાની કિંજલના પિતાને જાણ થતા બંનેને ઠપકો દેશે તેવા ડરના કારણે ઝેરી દવા ગટગટાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.