હવે લગ્ન-પ્રસંગના આયોજન પૂર્વે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી: જો પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોય તો પોલીસ ‘રંગમાં ભંગ’ નાખી શકે છે!!
હવે અગાઉથી મંજૂરી લીધા વિના લગ્ન પ્રસંગનું આયોજન કરશો તો વરરાજા સહિતના આયોજકોએ જેલના સળિયા ગણવા પડશે. લગ્ન પ્રસંગની અગાઉથી મંજૂરી લેવાની પ્રક્રિયાને હાલ ફરજીયાત કરી દેવામાં આવી છે. લગ્ન પ્રસંગની પૂર્વ મંજૂરી લેવી હાલના તબક્કે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને અગાઉ ચાર મહિના પૂર્વે જે સૂચન આપવામાં આવ્યા હતા તેનું પાલન હવે ફરજીયાતપણે કરવું પડશે તેવો આદેશ આપ્યો છે. હવે લગ્ન પ્રસંગની પૂર્વ મંજૂરી સરકારની વેબસાઈટ પર ઓનલાઈન લેવી પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાએ સતાવાર રીતે કહ્યું છે કે, જે લોકો અગાઉથી સરકારની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરશે તેમને જ કોઈ પ્રસંગ માટેની મંજૂરી આપવામાં આવશે અન્યથા પોલીસ રંગમાં ભંગ નાખવા પહોંચી જશે. ઉપરાંત પોલીસ વડાએ કહ્યું છે કે, જે લોકો પ્રસંગની મંજૂરી માટે રજિસ્ટ્રેશન કરાવશે તેમને પ્રસંગમાં હાજર રહેનાર લોકોની કુલ સંખ્યા સહિતની વિગતો પૂછવામાં આવશે અને રજિસ્ટ્રેશનમાં જે વિગતો દર્શવામાં આવી હોય તેનાથી વધુ લોકો ભેગા થયા હોય અન્યથા કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ મહિનાની 25,26 અને 27 તારીખે ભારે લગ્નગાળો હોવાથી રાજ્યમાં તમામ લોકોએ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવી ફરજીયાત છે. એકવાર જ્યારે પ્રસંગની મંજૂરી માટે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ થઈ જશે. જેના આધારે પોલીસની ટીમ પ્રસંગ ખાતે આવીને મહેમાનોની સંખ્યા અને કોરોના ગાઈડલાઈનના પાલન સહિતની બાબતોની ચકાસણી કરી શકે છે. જો કોરોના ગાઈડલાઈન અથવા તો મર્યાદિત સંખ્યાનું પાલન નહીં થતું હોય તો પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. પોલીસ આ કૃત્ય બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને જાહેરનામા ઉલ્લંઘન બદલ ગુન્હો નોંધી શકશે. અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે, લગ્ન સહિતના પ્રસંગોમાં મહેમાનોની સંખ્યા 50 કરી દેવામાં આવી છે. જેનું ચુસ્તપણે પાલન કરવું પડશે અન્યથા જેલના સળિયા ગણવા પડે તો નવાઈ નહીં. પોલીસ હવે આ બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરશે.
વરના બાપને લીલા તોરણે ઉપાડી જતી પોલીસ!!
અમદાવાદના આંબાવાડી સર્કલ ખાતેથી હજુ તો એકબાજુ લગ્ન થઈ રહ્યા હતા ત્યાં બીજી બાજુ પોલીસ વરરાજાના બાપને ઉપાડી ગઈ હતી. સમગ્ર મામલો એવો છે કે, લગ્નમાં મહેમાનોની મર્યાદા 50 સુધીની હોવી જોઈએ પરંતુ આ લગ્નમાં 60 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા. પોલીસે આ પ્રસંગની જાતે ખરાઈ કરાતાં આદેશોનું ઉલ્લંઘન થતા હોવાનું જણાય આવતા પોલીસે કલમ 188 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, આ કેસ રાજ્યનો પ્રથમ કેસ હતો જેમાં ચાલુ લગ્ન પ્રસંગે પોલીસ વરના બાપાને ઉપાડી ગઈ હોય. સાથોસાથ પોલીસે ખરાઈ કરતા એ બાબત પણ સામે આવી હતી કે, લગ્નની અગાઉથી મંજૂરી પણ લેવામાં આવી ન હતી જે બદલ આદેશના ઉલ્લંઘન બદલ પણ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પોલીસે વરના બાપ સહિત કુલ 4 લોકોની ધરપકડ પણ કરી છે.