સવારે ૧૦:૩૦થી  બપોરે ૨:૦૦ વાગ્યા સુધી જ મેરેજ રજીસ્ટ્રેશન માટેની અરજીઓ સ્વીકારાશે

કોરોના વાયરસને વકરતો અટકાવવા માટે દેશમાં ૪ તબકકાનું લોકડાઉન પૂર્ણ થયા બાદ ગઈકાલથી અનલોક-૧નો તબકકો શરૂ થયો છે જે અંતર્ગત સરકારી કચેરીઓમાં હવે પૂર્ણત: કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજથી મેરેજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

હાલ સલામતીને ધ્યાનમાં રાખી સવારે ૧૦:૩૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. લોકડાઉનમાં થયેલા લગ્નની પણ નોંધણી કરાવી શકાશે.

ગત ૨૫મી માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોય મહાપાલિકામાં અનેક કામગીરીઓ છેલ્લા બે મહિનાથી બંધ છે. તાજેતરમાં જન્મ-મરણનાં દાખલા ઓફલાઈન આપવાની કામગીરી શરૂ કરાયા બાદ આજથી આરોગ્ય શાખા દ્વારા મેરેજ રજીસ્ટ્રેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

આજે પ્રથમ દિવસે ઓછા અરજદારો આવ્યા હોય અરજીઓ રૂબરૂ સ્વીકારવામાં આવી હતી જો ટ્રાફિક થશે તો ત્રીજા માળે બેસતી આરોગ્ય શાખામાં એક ડ્રોપ બોકસ રાખવામાં આવ્યું છે જયાં અરજી મુકી દેવાની રહેશે. જેની ચકાસણી કર્યા બાદ જરૂરી ફી ભરવા માટે અને સર્ટીફીકેટ આપવા માટે અરજદારને ફોન કરી બોલાવવામાં આવશે. મેરેજ રજીસ્ટ્રેશન માટે પતિ-પત્નિ બંનેએ સાથે આવવું ફરજીયાત નથી. એનઆરઆઈ દંપતિએ એક સાથે આવવાનું રહેશે. લોકડાઉન દરમિયાન થયેલા લગ્ન માટે રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવશે નહીં તેવી વાતો અગાઉ વહેતી થઈ હતી જેનો આજે ખુલાસો કરતા આરોગ્ય શાખાનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહાપાલિકાનું કામ મેરેજ રજીસ્ટ્રેશન કરવાનું છે જો કોઈ અરજદાર રજીસ્ટ્રેશન માટે પુરતા દસ્તાવેજો રજુ કરશે તો તેઓને ચોકકસ સર્ટીફીકેટ આપવામાં આવશે.

લોકડાઉનમાં થયેલા લગ્નની નોંધણી કરવામાં આવશે નહીં તેવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ આજથી સંપૂર્ણ સલામતી અને તકેદારી સાથે મેરેજ રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.