વિપ્ર યુવતીના વિધર્મી યુવક સાથે લગ્ન થતાં બ્રહ્મ સમાજમાં ભભૂકતો રોષ: લગ્નની કાયદેસરતા તપાસવા સમાજના આગેવાનોની માગ
બ્રહ્મસમાજના રાષ્ટ્રીય મહાસચિવ સહિતના અગ્રણીઓએ પોલીસમાં રાવ કરી લવ જેહાદની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની કરી માગણી
હિમતનગર, ખંભાત અને દ્વારકામાં નીકળેલી ભગવાન રામની શોભાયાત્રા પર તોફાની તત્વો દ્વારા કરાયેલા પથ્થર મારા અને હત્યાની ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે રાજકોટમાં હિન્દુ યુવતીના મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યાની ઘટના સામે આવતા બ્રહ્મ સમાજના આગેવાનોએ રોષભેર પોલીસમાં રજૂઆત કરી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને નિડરતાથી તપાસ કરાવી વિધર્મી યુવક સાથે કેવા સંજોગોમાં લગ્ન થયા અને આ લગ્નની કાયદેસરતા કેટલી તે અંગે રજૂઆત કરી છે.
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતી વિપ્ર યુવતીના મુળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામના વતની મુસ્લિમ યુવક સાથે ગત તા.25ને સોમવારે સામાકાંઠે આવેલા અટલ બિહારી બાજપાય હોલમાં રંગેચંગે અને વાજતે ગાજતે લગ્ન થયા હતા. માલધારી સોસાયટીના બ્રાહ્મણ પરિવારે પોતાની દિકરીના સ્વમરજીથી આંતર ધર્મી મુસ્લિમ યુવક સાથે કરેલા લગ્નની કંકોત્રી છપાવી હતી અને પ્રથમ હિન્દુ ધર્મ રિવાજ મુજબ લગ્ન કર્યા બાદ યુગલના મુસ્લિમ ધર્મ અનુસાર નિકાહ પઢવામાં આવ્યા હતા.
હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની કંકોત્રી બ્રહ્મ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઇ શુકલના ધ્યાને આવતા તેઓએ પોતાના નામ સાથે બી ડિવિઝન પોલીસ મથકે સમાજના આગેવાનના નાતે લેખિત ફરિયાદ આપી આ લગ્નની કાયદેસરતા કેટલી, બ્રાહ્મણ પરિવાર પોતાની વ્હાલના દરિયા સમાન પુત્રીના વિધર્મી સાથે લગ્ન કરવા તૈયાર થયા તે ઉંડી તપાસ કરવા માગ કરી છે.
દેશમાં સુલેહ શાંતિ જળવાય રહે તે હેતુસર વિધર્મી લગ્ન અટકાવવા અને લવ જેહદની ચાલતી પ્રવૃતિ પર રોક લાવવા માટે ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે. વિધર્મી લગ્ન પૂર્વે જિલ્લા કલેકટરને ત્રણ માસ પહેલાં જાણ કરવી ફરજિયાત બનાવી છે તેમજ કલેકટર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કર્યા બાદ મંજુરી આપે ત્યારે જ હિન્દુ-મુસ્લિમ પરિવાર વચ્ચે લગ્ન થતા હોય છે.
માલધારી સોસાયટીના બ્રાહ્મણ પરિવારના હિતેષભાઇ જોષીની પુત્રી માનસી જોષીના નિંગાળા ગામના રિયાજ નૌશાદ વિરાણી સાથે લગ્ન અંગેની બંનેના પરિવાર દ્વારા મંજુરી લેવામાં આવી હતી કે કેમ અને હિતેશભાઇ જોષીએ કોઇ દબાણમાં આવીને કે તેની કોઇ મજબુરીના કારણે પોતાની પુત્રીના વિધર્મી સાથે લગ્ન કરવાની ફરજ પડી છે. તે અંગે તટસ્થ અને નિડરતા સાથે તપાસ કરવાની મિલનભાઇ શુકલએ રજૂઆત કરી બ્રાહ્મણ પરિવારની મજબુરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હોવાનું અને યુવતીને પ્રેમના નામે ફસાવી લવ જેહાદી પ્રવૃતિ કરવામાં આવ્યા અંગેની દહેશત વ્યક્ત કરી છે.
વિધર્મ લગ્ન અંગે જો કાયદાકીય મંજુરી લેવામાં આવી ન હોય તો લગ્નને ગેર બંધારણીય ગણીને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે મિલનભાઇ શુકલએ માગ કરી છે. માલધારી સોસાયટીના હિતેશભાઇ જોષીને તેના પરિવારના જ કેટલાક સભ્યોએ વિધર્મી યુવક સાથે લગ્ન ન કરવા સમજાવ્યા હતા તેમ છતાં તેઓએ કોઇ મજબુરીના કારણે લગ્ન કર્યા હોવાનું જણાય રહ્યું છે.
વિધર્મી યુવક સાથે લગ્ન કરાવનાર વિપ્ર પરિવાર સાથે બ્રહ્મ સમાજે નાતો તોડયો
માલધારી સોસાયટીના હિતેષભાઇ જોષીની પુત્રી માનસીના ગત તા.25ને સોમવારે બોટાદના નિંગાળા ગામના રિયાજ વિરાણી સાથે રંગેચંગે લગ્ન થયાની જાણ હિતેષભાઇ જોષીને વિધર્મી યુવક સાથે લગ્ન કરતા અટકાવવા મોટ સમજાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ ટસના મસ થયા ન હતા. હિન્દુ યુવતીના મુસ્લિમ યુવક સાથે લગ્ન થતા બ્રહ્મસમાજના આગેવાનોએ નાતો તોડી તેનો સમાજીક બહિસ્કાર કર્યો છે. સમાજીક પરવાહ કર્યા વિના જ પોતાની પુત્રીના લગ્ન મુસ્લિમ યુવાન સાથે કરવા પાછળનો હિતેશભાઇ જોષીનો ઇરાદો શુ હોય તે અંગે ઉંડી તપાસ થયા બાદ જ બહાર આવે તેમ હોવાનું બ્રહ્મસમાજના આગેવાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
કલેકટરની પૂર્વ મંજૂરી વિના લગ્ન થયાંનું ખુલશે તો મામલો લવ જેહાદમાં પરિણમશે ?: ચર્ચાનું કેન્દ્ર
હાલ બ્રહ્મ સમાજના આગેવાનોએ બી-ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટરને લેખિત રજુઆત કરતાં વિધર્મી યુવાન યુવાન સાથે થયેલા લગ્નની કાયદેસરતા કેટલી ? તેની ખરાઈ કરવા માંગ કરાઈ છે. આ લગ્ન કલેકટરની પૂર્વ મંજૂરીથી થયા છે કે કેમ? તે અંગેની ચકાસણી પોલીસ કરનારી છે. ત્યારે ખરેખર જો લગ્નની પૂર્વ મંજૂરી નહીં લેવાઈ હોય તો શું નવો કાયદો અમલમાં આવ્યા બાદ રાજકોટમાં પ્રથમ લવ જેહાદનો ગુન્હો નોંધાશે કે કેમ? તે વિષય હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સૌરાષ્ટ્રભરના બ્રહ્મ સમાજના આગેવાનોમાં પણ આ લગ્નને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ઠેરઠેરથી બ્રહ્મ સમાજના આગેવાનો દીકરીના પરિવારને ફોન પણ કરી રહ્યા છે.
લગ્નની કંકોત્રી વાયરલ થતાં બ્રહ્મ સમાજમાં વિરોધની આંધી ઉઠી
ગત 25મીએ સામાકાંઠા વિસ્તારમાં આવેલા અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે વિપ્ર પરિવારની દીકરીના વિધર્મી યુવક રિયાઝ સાથે લગ્ન થયા હતા. જે લગ્નની કંકોત્રી ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. વિધર્મી યુવક સાથેના લગ્નની કંકોત્રી વાંચીને બ્રહ્મ સમાજમાં વિરોધની આંધી ઉઠી અને કંકોત્રી ગણતરીની કલાકોમાં જ સૌરાષ્ટ્રભરમાં ફરી વળી. જે બાદ ઠેરઠેરથી બ્રહ્મ સમાજના આગેવાનોએ દીકરીના પરિવારજનોને ફોન કરી સમજણ આપવાની કોશિશ કરી હતી પરંતુ ’હવે જે થશે એ દીકરીના નસીબ’ તેવું કહી પરિવારે સંતોષ માની લીધાની ઓડિયો કલીપ પણ વાયરલ થઈ છે.