- આજે રાતથી ભગવાનની પહેલી વરણાગી નીકળશે, ત્રણ દિવસ વરણાગી દરમિયાન કિર્તન સાથે ગલીઓમાં રાસની રમઝટ પણ બોલશે
- આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકશે
આજે માધવપુર ખાતે સાંજે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજી લગ્ન પ્રસંગે મેળો આંતરરાષ્ટ્રીય ફલક પર યોજાશે જેમાં સાંજે રાજયપાલ દ્વારા મેળો ખુલ્લો મૂકવામાં આવશે . રાત્રીના ભગવાનની વરણાગી ગાર્ડ ઓફ ઓનર સાથે નીકળશે જેમાં ભાઈઓ બહેનો માધવના નામ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવશે.
આ જાનકી મઠ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળશે. રામજન્મોત્સવ ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાશે. તો બીજી તરફ માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ અને ભવ્ય મેળાનો પ્રારંભ થશે. આ મેળો રાષ્ટ્રીય ફલક પર પહોચ્યો છે. આજે રામનવમીના દિવસથી જ ભગવાનના લગ્નનું આયોજન શરૂ થશે. માધવપુરમાં આમતો ભગવાનના લગ્નને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને લગ્ન ગીતો પણ ગવાતા હતા.માધવપુર ગામના લોકોમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો છે.
આજે સવારે રૂક્ષ્મણીજીનું તેડું
માધવપુર ખાતે માધવરાયજીના નિજ મંદિરે આજે સવારે રૂક્ષ્મણીજી મંદિરના મહંત વાજતે ગાજતે રૂક્ષ્મણીજીનું તેડું કરવા આવ્યું અને તેડું કરી રૂક્ષ્મણીજીના મંદિરે લઈ આવ્યા જ્યા માતાજીને બિરાજમાન કરવામાં કરવામાં આવ્યા. આ અવસરે બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મેળો ખુલ્લો મૂકશે
આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ વચ્ચે થશે. રાજ્યપાલનું આજે સાંજે 6 વાગ્યા આસપાસ માધવપુર ઘેડ હેલીપેડ ખાતે આગમન થશે. ત્યારબાદ મેળા ગ્રાઉન્ડ ખાતે સાંજે સ્ટેજ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી મેળો ખુલ્લો મૂકશે. જ્યારે રાત્રિના 9 કલાકે ભગવાનની પહેલી વરણાગી નીકળશે. રાત્રિના સમયે ગાર્ડ ઓફ ઓનર આપીને વાજતે ગાજતે લોકો નિજ મંદિરેથી વરણાગી માં જોડાશે. અને ગલીઓમાંથી વરણાગી પસાર થશે ત્યારે ભજન કીર્તન સાથે રાસની રમઝટ બોલશે. આ અલૌકિક અવસરને નિહાળવાનો લોકો મનભેર લ્હાવો માણે છે.
પ્રખ્યાત કલાકારો લોક ડાયરામાં રમઝટ બોલાવશે
માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે તંત્ર દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમોમાં આજે તા.17 એપ્રિલના જીતુભાઈ દ્વારકાવાળા, રાજુભાઈ બારોટ, સાગર કાચા તેમજ તા.18ના ઓસમાણ મીર, આમીરભાઇ મીર અને તા.19 એટલે કે મેળાના ત્રીજા દિવસે કિંજલ દવે લોક ડાયરાના આનંદ રૂપે લોકસાહિત્ય અને ભક્તિમય ગીતોની પ્રસ્તુતિ કરશે. તા. 20ના માયાભાઈ આહીર સહિતના કલાકારો તા.21 સુધી માધવપુરના આ રાષ્ટ્રીય કક્ષાના મેળામાં લોક ડાયરાની જમાવટ કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમો આનંદ અને ઉત્સાહથી માનવ મહેરામણ માણી શકે તે માટે વિશાળ એ.સી.ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ભગવાનના લગ્નના કાર્યક્રમની રૂપરેખા
17ને બુધવારે મંડપરોપણ, તા. 17 થી તા. 19એપ્રિલ સુધી નિજ મંદિરેથી ભગવાનની વરણાગી રાત્રે 9 કલાકે નીકળશે અને બ્રહ્મકુંડ સુધી જશે. બાદ નિજ મંદિરે ફરશે. તા. 20 એપ્રિલના કડછ ગામના ગામજનો સવારે 11: 30 કલાકે ધ્વજાજી સહિત મામેરું પૂરવાપધારશે. તા. 20ના રોજ બપોરે 2 કલાકે રૂક્ષ્મણી માતાજીના મંદિરે થી માધવરાયજી મંદિરે સામૈયા, બાદ બપોરે 4 કલાકે નિજ મંદિરેથી મધુવનમાં જાન પ્રસ્થાન કરશે. સાંજે 5 કલાકે પરંપરા મુજબ મંદિરના ફૂલગોર ભગવાનના વિવાહ પ્રસંગની બળદ ગાડામાં લઇ ઝાંપા થી મેળા મેદાનમાં થઈ મધુવન ચોરીમાયરામાં વિવાહ સ્થળે પધારશે. તા. 21ના રોજ મધુવન માંથી ભગવાન યુગલ સ્વરૂપે નિજ મંદિરે સાંજે 4 કલાકે પધારશે.
ભગવાન શ્રીરામની શોભાયાત્રાનો રૂટવિશ્વ હિન્દુ પરિષદ અને બજરંદળ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં, જાનકી મઠ ખાતેથી બપોરે 1:30 કલાકે શોભાયાત્રા પ્રસ્થાન થશે. અને હનુમાનગુફા ચાર રસ્તા, રામ ટેકરી, ખોજાખાના ચાર રસ્તે થઈને સુદામા ચોક થઈને એમજી રોડ મુખ્ય બજાર થઈને માણેક ચોક, કસ્તુરબા ગાંધી રોડ, બંદર રોડ, પાલાનો ચોક થઈને ખારવા સમાજ મઢી થી શહીદ ચોક થઈ જાનકી મઠ ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે.