જૂનાગઢ પોલીસની મધ્યસ્થીએ દિકરા-દિકરીની  જિંદગી મુરઝાતી  બચાવી

હાલના સાંપ્રત સમયમાં દીકરા દીકરીના લગ્ન બાદ સંબંધો બગડવાના કિસ્સાઓ અને ત્યારબાદ બંને કુટુંબના મોભીઓ દ્વારા કાવાદાવા કરીને કોર્ટમાં કેસો કરી, દીકરા – દીકરીઓના જીવનને બરબાદ કરવાના કિસ્સાઓ વધતા જાય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા – દીકરીના કુટુંબીજનોના અહમ અને ખેંચાખેંચીના કારણે કોર્ટ મેટર થતા, આ વિવાદ બહુ લાંબો ચાલે છે અને સરવાળે દીકરા દીકરીનો યુવાનીનો સમય વેડફાય છે અને બંને કુટુંબ ચિંતા અને તનાવમાં રહે છે. ઘણીવાર આવા કિસ્સામાં કેસો પંદર વીસ વર્ષ ચાલે છે અને બંને કુટુંબના મોભીના અહમના કારણે દીકરા – દીકરીના બીજીવાર લગ્ન થઈ શકતા નથી. અને જિંદગી બરબાદ થઈ જાય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે તો, બને કુટુંબનો પ્રશ્ન સોલ્વ થાય છે અને દીકરા – દીકરીના ભવિષ્યના જીવન સુધરી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ શહેરમાં સામે આવ્યો છે.

જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરી કરી, રીટાયર્ડ જીવન ગુજારતા 62 વર્ષીય સિનિયર સીટીઝનએ પોતાની પત્ની, દીકરી અને એડવોકેટની સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાની દીકરીના બે – ત્રણ વર્ષ પહેલા પોતાની જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરેલ હતા. પોતાની દીકરીનો ઘર સંસાર થોડો સમય બરાબર ચાલ્યો હતો, બાદમાં સાસરિયાં તરફથી હેરાનગતિ થતા, વિચિત્ર આક્ષેપો અને અસહ્ય ત્રાસ વધતા, બેએક વર્ષથી ના છૂટકે દીકરીને પિયરમાં ઘરે લઈ આવ્યા હતા. પણ દીકરીનો સાસરિયાં પક્ષ ત્યારબાદ તેડવા આવેલ નથી અને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. અસહ્ય ત્રાસ અને સાસરિયાના વર્તન આધારે અમે અમારી દીકરીને તેના સસરાના ઘરે મોકલી શકીએ એમ નથી, ઘર સંસાર ચાલે એમ ના હોઈ, ખર્ચ અને સ્ત્રી ધન પરત આપવા તથા છૂટાછેડા આપવા માટે સમાજના આગેવાનોની હાજરીમાં ત્રણ ચાર મીટીંગો કરી, પરંતુ દીકરીના સાસરિયાં એકના બે ના થતા હોઈ, પોલીસ દ્વારા મદદ કરવા બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.

આ બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા એ જૂનાગઢ શહેરના મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ કિરણબેન કરમટાને માર્ગદર્શન આપતા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે બંને પક્ષોને પોલીસની ભાષામાં અને બંને પક્ષોને રૂપિયા કરતાં પોતાના સંતાનોની જિંદગી કીમતી હોવાનું તથા હાલમાં બંને દીકરા દીકરીનો જીવનનો અમૂલ્ય સમય વેડફાતા હોવાનું, તેમજ બને કુટુંબના અહમ માં દીકરા દીકરીની અમૂલ્ય જિંદગી બરબાદ થતું હોવાનું સમજાવી, બંને પક્ષોને બાંધછોડ કરી, નિર્ણય લેવાની સમજણ આપતા, બને કુટુંબને પોલીસની વાત ગળે ઉતરી હતી. બાદમાં જૂનાગઢ પોલીસની મધ્યસ્થી દ્વારા  અરજદાર સિનિયર સિટીઝનની દીકરીને સ્ત્રી ધન પરત આપવા તથા ખર્ચ પેટે બને પક્ષે રકમ નક્કી કરી, છૂટાછેડા આપવા બને પક્ષો તૈયાર થઈ ગયેલ હતા. બને પક્ષો રાજીખુશથી છૂટા પડ્યા અંગેનુ અરજદાર તથા સાસરિયાં પક્ષે, નોટરી લખાણ પણ કરી દેવામાં આવેલ હતું. વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદાર તથા દીકરીના સાસરિયાં પક્ષ દ્વારા પોતાના સમાજના આગેવાનો દ્વારા ત્રણ ચાર મીટીંગો બાદ નિવેડો નહિ આવેલ પ્રશ્નને પોલીસે મધ્યસ્થી થઈને નિકાલ કરાવતા બને પક્ષો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.  જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર અને સામાવાળાને દીકરા દીકરી બને સુખી થાય તેવા પ્રયત્નો કરવા વિનંતી કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.