25 વિદ્યાર્થી એવા છે કે તેમના ગુણમાં સુધારો થયા બાદ હવે તેઓ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષામાં માટે લાયક બનશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની ગુણ ચકાસણીના રિપોર્ટ વેબસાઈટ પર અપલોડ કર્યા છે. 8 હજાર વિદ્યાર્થીએ 15 હજાર ઉત્તરવહીની ગુણ ચકાસણી માટે બોર્ડ સમક્ષ અરજી કરી હતી. જેમાં 103 વિદ્યાર્થીના ગુણમાં સુધારો થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 25 વિદ્યાર્થી એવા છે કે તેમના ગુણમાં સુધારો થયા બાદ હવે તેઓ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે લાયક બન્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 31 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર કરાયા બાદ ગુણ ચકાસણી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ગુણ ચકાસણી માટે અરજીઓ આવ્યા બાદ બોર્ડ દ્વારા સુધારા દર્શાવતો રિપોર્ટ વેબસાઈટ પર અપલોડ કર્યો છે. જેથી વિદ્યાર્થીઓ 6 જૂલાઈ સુધીમાં તેમની અરજીની વિગતોના આધારે ઓનલાઈન ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે.
સમગ્ર રાજ્યમાંથી પરિણામ જાહેર થયા બાદ 8 હજાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરવહી ગુણ ચકાસણી કરાવવા માટે અરજી કરી હતી. જેમાં તેમના દ્વારા વિવિધ 15 હજાર જેટલી ઉત્તરવહીઓનું ગુણ ચકાસણી કરવા માટે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત બોર્ડને મળ્યા બાદ તમામ ઉત્તરવહીઓની ગુણ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુણ ચકાસણીની કાર્યવાહી દરમિયાન 103 વિદ્યાર્થીઓના ગુણમાં સુધારો થયો હોવાનું જાણવા મળે છે. આ 103 વિદ્યાર્થીઓ પૈકી 25 વિદ્યાર્થીઓ એવા છે કે જેમના ગુણમાં સુધારો થવાના લીધે હવે તેઓ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા માટે લાયક બન્યા છે.