પ્રારંભિક ઉછાળા બાદ શેરબજારમાં મંદીની મોકાણ: સેન્સેકસમાં ૩૬૨ અને નિફટીમાં ૧૦૮ પોઈન્ટનો તોતીંગ કડાકો
અમેરિકી ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ અને પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે શેરબજારમાં મંદીએ અજગરી ભરડો લીધો છે. આજે સોમવારે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્ષમાં સામાન્ય ઉછાળા બાદ ફરી મંદીની મોકાણ મંડાતા બજારનો કચ્ચરધાણ નિકળી ગયો હતો. સેન્સેકસે ૩૪ હજારની મનોવૈજ્ઞાનિક સપાટી તોડતા આજે પણ રોકાણકારોના અબજો રૂપિયાનું પાણી થઈ ગયું હતું. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસમાં ૩૬૨ અને નિફટીમાં ૧૦૮ પોઈન્ટના કડાકા સાથે કામકાજ થઈ રહ્યું છે.
ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં સતત બે દિવસ સુધી તોતીંગ કડાકા નોંધાયા હતા જેના કારણે બજારમાં અફડા-તફડી જેવો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. આજે ઉઘડતા સપ્તાહે સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલતા રોકાણકારોમાં નવી આશા બંધાઈ હતી. મંદીને બ્રેક લાગતા લોકોએ સાવચેતી સાથે નીચા મથાલે લેવાલી પણ શરૂ કરી હતી. જોકે આજે પણ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ૨૯ પૈસાનો તોતીંગ ઘટાડો નોંધાતા અને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારાનો દૌર ચાલુ રહેતા બજાર બહુ ઝાઝીવાર તેજીને પચાવી શકયુ ન હતું અને ફરી એક વખત રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયું હતું.
લેવાલીની કમી સહિતના કારણોસર બજારમાં મંદી વધુ વિકરાળ બની હતી અને ઘટાડો સતત વધતો ગયો હતો. સેન્સેકસ અને નિફટી સાથે સ્મોલ કેપ, મીડ કેપ ઈન્ડેક્ષ, બેંક નિફટી સહિતના ઈન્ડેક્ષોમાં ભારે ઘટાડા જોવા મળ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૩૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૩૪,૦૦૪ અને નિફટી ૧૦૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦,૨૦૮ ટ્રેડ કરી રહ્યા છે.