કોરોનાને ફેલાતો રોકવા લેવાયો નિર્ણય
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના રોગચાળાને વધતો અટકાવવા માટે બપોરના બે વાગ્યા સુધી બજારો, દુકાનો ખુલ્લી રાખવા જિલ્લાના વેપારી એસોસીએશનોએ નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસનાં પોઝીટીવ કેસો વધતા જઈ રહ્યા છે.
જિલ્લામાં ગઈકાલે પણ કોરોના વાયરસનાં કેસોમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. ગઈકાલે જિલ્લામાં એક સાથે ત્રણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. કુલ ૧૪૨ કોરોના વાયરસના પોઝીટીવ કેસ થયા છે. કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે જિલ્લાના અનેક વેપારી એસોસીએશન દ્વારા જિલ્લામાં બપોરે બે વાગ્યા સુધી ખુલ્લુ રાખવા માટે સ્વૈચ્છિક નકકી કરાયું છે અને વેપારીઓને એનો અમલ કરવા જણાવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લો સવારે ૯ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લો રહેશે તેવું પણ અનેક વેપારી એસોસીએશન દ્વારા સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ કરીને જિલ્લાના વેપારીઓને જણાવ્યું હતું. આ અંગેની પણ જાણ થતાં જ વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. પતરાવાળી બજારમાં જવાહર ચોકમાં, ટાંકી ચોકમાં અને જિલ્લાના અન્ય બજારોમાં લોકોની ખુબ ભીડ જોવા મળી હતી. લોકો માસ્કનો ઉપયોગ કર્યા વગર બજારમાં ખરીદી વેચાણની પ્રક્રિયા થતી પણ નજરે પડી હતી.
- સમય ઘટાડાથી કોરોના સંક્રમણ અટકશે ?
જિલ્લામાં વેપારી એસોસીએશન દ્વારા દુકાનોનો સમય ૯ થી ૨ સુધીનો કરવામાં આવ્યો છે ત્યારે આ સમય ઘટાડા બાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટશે ? તેવા અનેક પ્રકારના સવાલો વેપારીઓ અને લોકોમાં પણ ઉઠયા છે. અમુક લોકો માસ્કના ઉપયોગ વગર જિલ્લાની મુખ્ય બજારોમાં એકબીજાની નજીક ઉભા રહીને સમય મર્યાદા હોવાના કારણે એકી સાથે ખરીદી કરતા નજરે પડયા છે ત્યારે શું આ સમય ઘટાડા બાદ જિલ્લામાં કોરોના સંક્રમણ દૂર થશે ?
- બજારોમાં સમય ઘટાડાથી વેપારીઓને લાભ
બજારો સવારે ૯ થી ૨ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો વેપારી એસોસીએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સમય ઘટાડા બાદ વેપારીઓને લાભ થવાના સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે. વેપારીઓ અડધા દિવસમાં આખો દિવસનો વેપાર વેપારીઓ બપોર સુધીના સમયગાળામાં કરશે. વેપારીને ત્યાં કામ કરતા કારીગરો પર અડધા દિવસનું મહેનતાણું ચુકવવામાં આવશે. બીજી તરફ દુકાન ખર્ચે ઓફિસ ખર્ચમાં પણ ઘટાડો થશે. લોકોની બજારોમાં ભીડ એકઠી થવાથી કોરોના સંક્રમણનો ખતરો વધુને વધુ રહેશે આ નિર્ણયથી કોરોના સંક્રમણ નહીં ઘટે પરંતુ વેપારીઓને લાભ થશે તેવું સુરેન્દ્રનગર જિલ્લાની જનતા જણાવી રહી છે.