ચાલુ નાણાકીય વર્ષમાં નિકાસદરમાં 25% વધારાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક
ભારતની નિકાસ 8.4 બિલિયન ડોલર સુધી જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ પહોંચી ગઈ છે. અગાઉ ‘અબતક’ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે, જુલાઈ માસમાં બજાર ટનાટન થઈ જશે, જેની શાનદાર શરૂઆત થઈ ચુકી છે. જેથી ‘અબતક’નો અહેવાલ યથાર્થ ઠર્યો છે. ભારતનો નિકાસદરમાં ગત વર્ષની સરખામણીમાં 63%નો ઉછાળો નોંધાયો છે જ્યારે વર્ષ 2019-20ની સરખામણીમાં 35% નિકાસદરમાં વધારો નોંધાયો છે.
તેની સામે ભારતના આયાતમાં પણ વધારો નોંધાયો છે. ભારતની આયાતમાં 29%ના ઉછાળા સાથે આયાત 11.5 બિલિયન ડોલર સુધી પહોંચી છે. ઉપરોક્ત તમામ માહિતી સરકાર દ્વારા સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.
ભારતના નિકાસમાં વધારો થવા પાછળ મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો મોટો ફાળો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં 65%નો જબ્બર ઉછાળો નોંધાયો છે. એક તરફ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં વૈશ્વિક સ્તરે ઉછાળો નોંધાયો છે ત્યારે અન્ય દેશોની સાપેક્ષે ભારતીય પ્રોડક્ટ્સના ભાવ નીચા રહેતા નિકાસમાં ધરખમ વધારો નોંધાયો છે.સાથોસાથ ભારતની એન્જીનીયરીંગ પ્રોડક્ટ્સ અને કેમિકલની મહ્ત્વતા વિશ્વમાં વધી છે જેના કારણે એન્જીનીયરીંગ અને કેમિકલ પ્રોડક્ટ્સમાં અનુક્રમે 50% અને 36%ની નિકાસ વધી છે.
જ્યારે વૈશ્વિક બજારમાં મંદીની અસર હજુ યથાવત હોવાને કારણે લકઝરી પ્રોડકટ જેવી કે લેધર પ્રોડક્ટ્સ અને ઇલેક્ટ્રોનિક ગૂડ્સની નિકાસમાં અનુક્રમે 16% અને 4%નો નજીવો ઘટાડો નોંધાયો છે.
મહત્વપૂર્ણ બાબત છે કે, સમગ્ર વિશ્વમાં સૌથી સસ્તી ગૂડ્સ આપવા માટે ચાઈના અગ્રેસર છે પરંતુ કોરોના સંક્રમણ બાદ ચાઈનાએ વિશ્વસનીયતા ગુમાવી દીધી છે ત્યારે યુ.એસ. સહિતના દેશોએ ચાઈનીઝ પ્રોડક્ટ્સ પર મહદઅંશે નિયંત્રણ મૂકી દીધા છે જેનો સીધો લાભ ભારતને મળી રહ્યો છે. જે તકને ઝડપી સરકાર અને ઉદ્યોગકારો બંને કટિબદ્ધ છે. સરકારે ચાલુ વર્ષે નિકાસદરમાં 25%ના વધારાનો લક્ષ્યાંક રાખ્યો છે જેના કારણે ભારતનું નિકાસ 400 બિલિયન ડોલરને આંબી જશે.