પોર્ટ ઉપર અટવાયેલા આયાતી ટીવીનો છૂટકારો થતા હરિફાઈ સાથે ભાવ પણ ઘટવાની સંભાવના

દિવાળીનો માહોલ જામતાની સાથે જ ઇલેકટ્રોનિકસ ઉપકરણોના વેચાણમાં ઉછાળો થતો હોવાનું દરેક વર્ષે નોંધાય છે. ખરીદીની સીઝન ખુલતા જ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ કંપનીઓ લાવે છે. આવી સ્થિતિમાં ચાલુ વર્ષે પણ બજાર ખરીદીનો માહોલ ઉભો થયો છે. ત્યારે આયાતી ટીવીથી બજારો છલોછલ થઇ છે.

ઘણા સમયથી પોર્ટ ઉપર અટવાયેલા આયાતી ટીવીનો છુટકારો થયો છે. જેથી અનેક કંપનીઓના લાખોની સંખ્યામાં અટવાયેલા ટીવી બજારમાં ઠાલવાશે. દિવાળી નજીક છે ત્યારે બજારમાં મોટા પ્રમાણમાં ટીવીની આવકના કારણે ભાવમાં પણ ધરખમ ઘટાડો થશે તેવી વકી છે. બીજી તરફ હરિફાઇમાં પણ કંપનીઓ ધંધે લાગી જશે.

થોડા મહિના પહેલા કેન્દ્ર સરકારે ર૦ વર્ષમાં પ્રથમ વખત ટીવીની આયાત ઉપર બ્રેક મારી હતી.  આત્મનિર્ભર ભારત અભિયાન ફેરવી ભારતમાં ઉત્પાદન વધે અને ચીન સહિતના દેશો ઉપરની નિર્ભરતા ઘટે તેવા હેતુથી આ પગલા ભરાયું હતું. ભારતમાં ટીવી આયાત કરતી કંપનીઓના સ્થાને સ્થાનીક સ્તરે ટીવીનું ઉત્પાદન થાય તેવી સ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયાસ થયો હતો.

અત્યારે ભારતમાં ટીવીનો કરોડો રૂપિયાનો કારોબાર છે. જાપાન, અમેરિકા, ચીન સહિતના દેશોની મસમોટી કંપનીઓ ભારતમાં ઇલેકટ્રીક ઉપકરણોના મોટો વેપાર કરે છે. પરંતુ ચાલુ વર્ષે સરકારે આત્મનિર્ભર ભારત માટે સ્થાનીક સ્તરે કંપનીઓ ઉત્૫ાદન કરે તે માટે કેટલાક નિયમો કડક બનાવ્યા હતા. જેના પરિણામે અનેક કંપનીઓના લાખો ટીવી પોર્ટ ઉપર અટકવાયા હતા. હવે સરકારની લીલીઝંડી મળતા આ ટીવી બજારમાં ઠલવાશે.

આયાત પરવાનાને લઇ સરકારની રાહત મળી છે. તહેવારોમાં મોટા જથ્થામાં ટીવીની આવક થવાની હોવાથી હરિફાઇ વધશે. ટુંકા સમયમાં વધુ ટીવી વેચવા માટે સ્પર્ધા જામશે જેની સીધી અસર ટીવીના ભાવ ઉપર પડશે. ભાવમાં નોંધપાત્ર ઘટાડાનો લાભ થવા ગ્રાહકોને મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.