જહાં ડાલ ડાલ પર સોને કી ચીડીયા…

રાજય સરકારે વટહુકમ બહાર પાડી ખેડૂતોને ગમે ત્યાં માલ વેચવા માર્ગ મોકળો કર્યો છતાં ઈન્ફ્રાસ્ટ્રકચર-લોજીસ્ટીકમાં અલ્પવિકાસ અને રાજકીય હુંસાતુંસીમાં જગતાતનું હિત જોખમમાં?

ભારતીય વિકાસગાથામાં કૃષિનું મહત્વ અપરંપાર રહ્યું છે. પ્રારંભિક તબકકેથી જ ભારત કૃષિપ્રધાન દેશ રહ્યો છે. ભારતનાં ૫૨ ટકાથી વધુ લોકો સીધી કે આડકતરી રીતે ખેતી આધારીત છે. કુલ જીડીપીમાં ખેતીનો હિસ્સો ૩૦ ટકા નજીક પહોંચાડવામાં સરકારને મહદઅંશે સફળતા તો મળી જ છે પરંતુ આધુનિક સમયમાં નીતિ-નિયમોમાં અસમંજસતાનાં પરિણામે ખેતી ક્ષેત્ર રૂંધાયું છે તાજેતરમાં જ સરકારે ખેડુતોની આવકમાં વધારો થાય અને માળખાકિય મુશ્કેલીઓ ઓછી નડે તે માટે મહત્વનો નિર્ણય લીધો હતો. રાજય સરકારે વટહુકમ બહાર લાવી ખેડુતો કયાંય પણ પોતાની ખેતપેદાશો વેચી શકે તે માટે રસ્તો કાઢયો હતો જેના પરિણામે એપીએમસી (માર્કેટીંગ યાર્ડો)નો છેદ ઉડી ગયો છે. દેશમાં આઝાદીકાળથી ખેતી પ્રત્યે સરકારો દ્વારા થયેલા વર્તનનાં કારણે એક મોટો વર્ગ ખેતી છોડીને અન્ય ક્ષેત્રમાં જોડાઈ ગયો છે. દેશનાં પાયામાં કૃષિ અને ગામડાઓનાં અર્થતંત્ર છે. ગામડાઓનાં જનજીવનનાં કારણે શહેરો ટકી શકયા છે પરંતુ આધુનિક પ્રવૃતિઓની લ્હાયમાં પેઢી દર પેઢી ચાલી આવતી ખેતી ભુલાઈ ગઈ છે જેની પાછળ સામાજીક, રાજકિય અને આર્થિક કારણો જવાબદાર ગણી શકાય. વર્તમાન સમયે વહિવટમાં બેદરકારી અને સતાની ભુખનાં કારણે રાજકોટ સહિતનાં માર્કેટીંગ યાર્ડો ડચકા મારી રહ્યા છે. ભાવનગર જેવા અનેક જિલ્લા તો એવા છે કે જયાં માર્કેટીંગ યાર્ડોની સંખ્યા ખુબ જ વધુ છે પરંતુ મોટાભાગનાં માર્કેટીંગ યાર્ડો બંધ છે.

કૃષિ ક્ષેત્રનાં વિકાસમાં આવેલી રૂકાવટ પાછળ માળખાગત સુવિધા અને લોજીસ્ટીક ક્ષેત્રમાં અત્યાર સુધી દાખવવામાં આવેલી બેદરકારી કારણભુત છે. દેશમાં ૩૫ ટકા કૃષિ પેદાશો નાશવંત છે. બજારમાં પહોંચે તે પહેલા જ ૩૫ ટકા ખેતપેદાશોનો નાશ થાય છે. વિશ્ર્વમાં નાશવંત પ્રોડકટનું સરેરાશ પ્રમાણ માત્ર ૨ ટકા છે જો યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં આવે અને લોજીસ્ટીક વ્યવસ્થા સુદ્રઢ બનાવાય તો ખેતીમાં થઈ રહેલો બગાડ અટકાવી શકાય છે. સરકારે ખેતી ક્ષેત્રને આગળ લાવવા પગલા તો લીધા છે પરંતુ તે અન્ય સેકટરની સરખામણીએ ખુબ જ જુજ અને ઓછા અસરકારક છે જેના માઠા પરીણામો અર્થતંત્રને ભોગવવા પડી રહ્યા છે.

તાજેતરમાં રાજય સરકાર દ્વારા એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો જે મુજબ હવે ખેડુતો કયાંય પણ પોતાની ખેતપેદાશો વહેંચી શકે છે. જિલ્લા બહારની એપીએમસી કે ખાનગી બજારમાં પણ તેઓ જણસ વહેંચી શકે છે. વેપારીઓ પણ સીધી ખરીદી કરી શકે છે. આ વટહુકમ બાદ સૌરાષ્ટ્રનાં ૫૬ માર્કેટીંગ યાર્ડોનાં પ્રતિનિધિઓની આજે ગોંડલ ખાતે બેઠક યોજાવાની હતી જેમાં સરકારને નવા વટહુકમથી શું અસર થશે, કઈ રીતનાં સુધારા કરી શકાય ? તે વાતની ચર્ચા થવાની હતી. અલબત વર્તમાન સમયે આ બેઠક મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અલબત આ મામલે નજીકનાં ભવિષ્યમાં ફરીથી બેઠકનું આયોજન થાય તેવી પણ શકયતા છે. જે દેશમાં એક સમયે જય જવાન …અને જય કિસાન  નો નારો ગુંજતો હતો. જે તે દર્શવવા પુરતો હતો કે , ભારતમાં ખેડૂતો અને જવાનોનું મહત્વ અદકેરું છે. અને વાતમાં દમ પણ છે કેમ કે, જવાનો જીવના જોખમે સરહદો સાચવે છે  ત્યારે આપણે નિરાતે સુઈ શકીએ છીએ. અન્યા સલામતી વિનાના જીવનની  કલ્પના મુશકેલ છે. કઈક તે જ પ્રકારે ખેડૂતો દિન-રાત મજૂરી કરે છે ત્યારે આપણને બે ટકના  રોટલા નસીબ થાય છે. આ રોટીમાં ખેડૂતોનું લોહી રેડાયેલું હોય છે. દિવસ-રાત જોયા વગર તન-તોડ મહેનતના અંતે આપણી થાળીમાં રોટી આવે છે. પરંતુ વિધિની વક્રતા તે છે કે, તેને તેના મહેનતાણાના પુરા નાણા મળતા ની અને બીજાને રોટી પૂરી પાડનાર ધરતીપુત્ર ની ખુદની થાળી જ ખાલી રહે છે. બે ટાંક ના રોટલા થી લઇ જીવન યાપન અને ફરી ખેતી કરવા માટેના નાણાના આયોજનમાં જ તેઓ તેમનું જીવન પૂરું કરે છે.

અને માનો કે ના માનો પરંતુ આ જ છે દેશની રાષ્ટ્રીય સમસ્યા કે, જ્યાં ખેડૂતની મૂળ સમસ્યાઓ તરફ ધ્યાન આપવામાં નથી આવતું અને ટેકાના ભાવો, દેવું માફી, સબસીડી જેવા થીગડા લગાવી સમય વ્યતીત કરાય છે. અને એકવાર દેવું માફ કર્યા બાદ ફરી નવું દેવું થાય છે. ફરી તે જ સમસ્યા મો ફાડી જવાબ માંગતી ઉભી રહે છે, ફરી એકવાર ચુંટણી આવે છે, ફરી  આ ઇસ્યુ ને કેશ કરાય છે. અને આમ ખેડૂતની સમસ્યા નું અને ખેડૂતના વધતા જતા દેવાનું ચક્ર ફર્યા કરે છે. વિશેષમાં  સરકારે બજેટમાં કિસાન સમ્માન નિધિ અન્વયે  ખેડૂતોને વાર્ષિક ૬ હજારની મદદ જાહેર કરી છે. પરંતુ આ મદદ તો ઘાસના તણખલા જેટલી છે. જેનાથી ખેડૂતોનું દળ દળ જરાપણ ઓછું ના થઇ શકે. કેમ કે, સમસ્યાઓ જ અલગ છે. અને ખાસ છે. એટલે કે રોગને મૂળ માંથી ના હટાવાય ત્યાં સુધી રોગ મટે નહિ. ત્યારે તે જાણવું પણ ખુબ જરૂરી છે

માળખાગત સુવિધાના અભાવે કૃષિ ક્ષેત્રનો રૂંધાયેલો શ્વાસ

ખેતી માટે સિંચાઈ અને બિયારણ જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી માળખાકીય વિકાસ પણ છે. ભારતમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે. જેને લીધે ખેડૂતોએ પોતાના ઉત્પાદન સાચવવાની મજબુરીને વશ થઇને પણ તેમના માલનો નિકાલ કરવો પડે છે. એક તો સાચવવાની જવાબદારી અને બીજે કે બગડી જવાની બીક ના લીધે પણ ખેડૂતોએ જે દામ મળે તે લઇને ઉભા ઇ જવું પડે છે અને આ સ્થિતિના લીધે જ કોર્ટોએ પણ કેટલીય વાર જે તે સરકારને ટકોર કરી છે. ત્યારે તે પણ નોધવું રહ્યું કે, ચોમાસા દરમ્યાન પણ આ અનાજ સડી જતું હોય છે. અને બીજી તરફ અનાજ ન મળવાને કારણે લાખો લોકો ભૂખમાં સબડતા હોય છે. અને આ  લાખો ટન અનાજ તે હદે બગડે છે કે તેનો નિકાલ ક્યાં કરવો તે પણ એક સમસ્યા બને છે. અને તેનાથી પણ દુખદ બાબત તે હોય છે કે, આ બગડેલ અનાજ ના નિકાલ માટે પણ સરકારે કેટલાય નાણા  ખર્ચવા પડે છે. ત્યારે સમજી શકાય છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર કેટલી છે. માર્ગોના વિકાસની સાથે ગોડાઉન અને કોલ્ડસ્ટોરેજ વિકસવા જરૂરી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે દેશમાં ૩૫ ટકા ખેતપેદાસ બગડી જાય છે. વિશ્વમાં આ ટકાવારી માત્ર ૨ ટકાની જ છે. લાંબા સમયથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય તેવી માંગ ઉઠી રહી હતી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પગલા તો લીધા છે પરંતુ આ પગલાની સકારાત્મક અસર હજુ સુધી જોવા મળી નથી. ખેડૂતોની મહામુલી ખેતપેદાશો બગાડ થતો હોવાનું દર વર્ષે સામે આવે છે. જો આ બગાડને અટકાવવામાં આવે તો દેશના અર્થતંત્રને તોતિંગ ફાયદો થઇ શકે તેવી અપેક્ષા છે. અલબત દેશના આઝાદી કાળથી હજુ સુધી માળખાગત સુવિધા વિકસાવવામાં સરકારો સફળતા હાંસલ કરી શકી નથી.

જમીન ટોચ મર્યાદાનો નડતરરૂપ નિયમ

ખેડુત ૫૧ એકરથી વધુ જમીન લઈ શકે નહીં જો વધુ જમીન હોય તો સરકારશ્રી હસ્તક ચાલી જાય. જમીન ટોચ મર્યાદાનાં આ નિયમનાં કારણે ખેડુતોની મુશ્કેલી વધી જાય છે. બીજી તરફ ઉધોગો જોઈએ તેટલી જમીન પોતાની પાસે રાખી શકે છે. આવી વિસંગતતાનાં કારણે ખેડુતોની સ્થિતિ લાંબા સમયથી કફોડી છે. ખાસ કરીને ફાયનાન્સ સેકટરમાં કૃષિનો ઉપહાસ થતો હોય તેવું ફલિત થાય છે. ઉદાહરણ લઈએ તો ૫ કરોડની કિંમતની જમીન ધરાવનાર ખેડુતને બેંકમાંથી રૂા.૫૦ લાખની લોન લેવામાં પણ પરસેવો આવી જતો હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ ઉધોગ પાસે ૫૦ લાખની જમીન હોય તો ૫ કરોડ સુધીની લોન આરામથી મળી જતી હોવાનાં દાખલા પણ છે. જમીન ટોચ મર્યાદાના કાયદાના પરિણામે ખેડૂતો મોટી જમીન લઇ કોર્પોરેટ લેવલની ખેતી કરવામાં અસમર્થ નીવડે છે બીજીતરફ દેશમાં નાના-સીમાંત ખેડૂતની સંખ્યા વધુ હોવાના કારણે સરેરાશ ખર્ચ વધી જાય છે અને આવક-જાવકમાં અસંતુલન રહે છે.

જમીન મોર્ગેજનો વણઉકેલયો પ્રશ્ન

ખેતીનાં વિકાસમાં અત્યારસુધી સૌથી વધુ પડકારસમાન પ્રશ્ર્ન હોય છે. તે ખેતીને ઉધોગનો દરજજો ન આપવાનો છે. લાંબા સમયથી ઉધોગોને દરજજો આપવાની વાતને હાસ્યમાં ધકેલી દેવાતા વર્તમાન સમયે જમીન મોર્ગેજનો પ્રશ્ર્ન વિકરાળ બની રહ્યો છે. સામાન્ય સંજોગોમાં કોઈપણ વ્યવસાય ધંધા માટે ધિરાણ સરળતાથી મળી જાય તે આવશયક હોય છે. જો ઉધોગપતિ પાસે ૫૦ લાખ રૂપિયાની જમીન હોય તો સામાન્ય સંજોગોમાં ૫ કરોડ જેટલી લોન મળવાપાત્ર હોય છે. ઉધોગ માટે બેકિંગ સેકટર લાલ જાજમ બિછાવે છે પરંતુ ખેડુત માટે પરિસ્થિતિ કંઈક અલગ છે. ખેડુત પાસે ૫ કરોડ રૂપિયાની જમીન હોય તો પણ ૫૦ લાખનું ધિરાણ મેળવતા આંખે અંધારા આવી જાય છે. અત્યાર સુધી ભુતકાળમાં એવું ઘણી વખત બન્યું છે જયાં ઉધોગો ફડચામાં ચાલ્યા ગયા હોય અને બેંકોનાં રૂપિયા ડુબી ગયા હોય તેવું કયારેય નથી બન્યું કે ખેડુત ફડચામાં ચાલ્યો જાય અને બેંકોનાં નાણા ડુબી જાય.

શું છે રાજ્ય સરકારનો વટહુકમ

જિલ્લા બહારની એપીએમસી કે ખાનગી બજારોમાં ખેડુતો જણસ વહેંચી શકે તે માટે રાજય સરકાર દ્વારા તાજેતરમાં વટહુકમ કરવામાં આવ્યો હતો. આ વટહુકમ મુજબ વેપારીઓ પણ સીધી ખરીદી કરી શકે છે. ખેડુતો કયાંય પણ પોતાની ખેતપેદાશો વહેંચી શકે છે. એપીએમસીમાં કેટલીક વખત ખેડુતોનું શોષણ થતું હોવાના આક્ષેપો ઉઠતા હોય છે. આ ઉપરાંત કેટલાક વેપારીઓ પાસે એપીએમસીનું લાયસન્સ હોતું નથી તેવા વેપારીઓને ખેડુતો માલ વહેચી શકે નહીં તેવો નિયમ હતો પરંતુ હવે સરકારના વટહુકમનાં કારણે એપીએમસી એકટમાં ધડમુળથી ફેરફાર થઈ ચુકયા છે. માર્કેટીંગ યાર્ડમાં કેટલાક વેપારીઓની મોનોપોલી તુટશે તેવી આશા પણ ખેડુતો વ્યકત કરી રહ્યા છે.

વિશ્વની સ્થિતિમાંથી પાઠ ભણવો જરૂરી

કોન્ટ્રાકટ ફાર્મીંગ એટલે કરાર આધારીત ખેતી. આ પઘ્ધતિમાં ખરીદનાર અને ખેડુત વચ્ચે લેખિત કરાર મુજબ પાકનું ઉત્પાદન કરીને વેચવાનો નિર્ણય થાય છે. સામાન્ય રીતે કોન્ટ્રાકટ ફાર્મીંગનું ચલણ વિદેશમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં કયારેક કોન્ટ્રાકટ ફાર્મીંગ યોજનામાં ત્રણ પક્ષો વચ્ચે કરાર થતા હોય છે ખેડુત, સ્પોન્સર અને બજાર સમિતિ. કરાર આધારીત ખેતી કરવાથી ખાનગી ક્ષેત્રમાં હરીફાઈ વધે છે અને ખેડુતોને સ્પર્ધાત્મક ભાવ મળી શકે છે. ખેડુત ઉતમ પ્રકારની જણસી વહેંચીને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન પામી શકે છે. કરાર મુજબ યાંત્રિક તેમજ નાણાકિય સહાય મળી શકે છે અને ઉત્પાદનનું વેચાણ કરી સમયસર નાણા મેળવી શકે છે. બજાર ભાવ વધ-ઘટની ચિંતા રહેતી નથી. આવી સ્થિતિ વિદેશમાં લાંબા સમયથી પ્રચલિત છે પરંતુ ભારતમાં ખુબ જ જુજ પ્રમાણમાં કોન્ટ્રાકટ ફાર્મીંગ કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રના ડચકા ખાતા માર્કેટીંગ યાર્ડો મોટો પ્રશ્ન

રાજયમાં કેટલાક માર્કેટીંગ યાર્ડો એવા છે જેઓ આર્થિક અને રાજકિય દ્રષ્ટિએ ખુબ જ સમૃદ્ધ છે આવા માર્કેટીંગ યાર્ડોનાં આગેવાનોની પહોંચ ખુબ જ ઉપર સુધી હોય છે પરંતુ રાજયનાં કેટલાક યાર્ડો હાલ ડચકા ખાઈ રહ્યા છે. કોઈ એક જિલ્લામાં એક માર્કેટીંગ યાર્ડ સમૃદ્ધ હોય શકે જયારે બીજા માર્કેટીંગ યાર્ડો લગભગ બંધ હોય તેવી સ્થિતિ છે. પરિણામે જે-તે વિસ્તારનાં ખેડુતોને લાંબું અંતર કાપી દુરનાં ધમધમતા માર્કેટીંગ યાર્ડમાં માલ વેચવા જવું પડતું હોય તેવી પણ પરિસ્થિતિ ઉભી થાય છે જેના પરિણામે માલ પાછળ ખર્ચાતો સમય અને નાણાનું બજેટ બગડે છે. માલ મોંઘો હોવાથી બીજી સમસ્યાઓ પણ ઉભી થાય છે. આવા સંજોગોમાં ખેડુતો હવે ગમે ત્યાં માલ વહેચી શકે તેવી વ્યવસ્થા સરકાર જઈ રહી છે જેનાં લાંબાગાળાનાં ફાયદા જોવા મળશે.

એપીએમસીમાં ઘૂસેલા રાજકારણે આખું કોળુ શાકમાં નાંખ્યું

ખેડુતોને ઉત્પાદનનું ઉચિત મુલ્ય મળી રહે અને બજારમાં જણસ સરળતાથી પહોંચે તે હેતુથી એપીએમસીની રચના થઈ હતી. ખેડુતોની મુખ્ય અને મહત્વની સમસ્યા છે કે ઉત્પાદનનું ઉચિત મુલ્ય મળતું નથી. ઉત્પાદન વહેંચવા માટે ચોકકસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને આ પ્રક્રિયા એપીએમસીમાં થાય છે પરંતુ લાંબા સમયથી એપીએમસીમાં જોવા મળતા રાજકારણનાં ખેલથી ખેડુતો ત્રાહિમામ પોકારી ગયા છે. એપીએમસીનાં સતાધીશો દ્વારા ખેડુતો પોતાના ખીસ્સામાં છે તેવું ચિત્ર સ્પષ્ટ કરાવવા માટે ધમપછાડા થતા હોય છે. આગેવાનો વચ્ચે એકબીજાને પાડી દેવાની નીતિનાં કારણે ખેડુતો પીસાતા જોવા મળે છે. ઉદ્યોગનો દરજજો આપવામાં પણ રાજકારણ ખેલાઇ ગયું હોવાનું ફલિત થાય છે. કોઈ સેકટરને ઉધોગનો દરજજો મળવાથી તેને અનેકવિધ ફાયદા થાય છે. મશીનીકરણ, ઈન્ફ્રાસ્ટ્રકચર, લોજીસ્ટીક અને પુંજી મામલે ઉધોગને સરળતા રહે છે. ખેતી ક્ષેત્રને ઉધોગનો દરજજો મળે તો આ ચારેય પાયાનાં પ્રશ્ર્નોનો ખુબ જ ઝડપથી નિકાલ થઈ જાય. કૃષિ કલ્યાણ માટે ઉધોગનો દરજજો આપવો જરૂરી છે. કૃષિ સેકટરને ઉધોગનો દરજજો આપવાથી મોટા પ્રમાણમાં મુડી રોકાણ આવી શકે છે. આધુનિક ખેતીનો વ્યાપ વધી શકે છે અને ખેડુત આત્મનિર્ભર બની જ શકે છે. પુંજીની સમસ્યા પણ ખેડુતને નડે નહીં. લાંબા સમયથી કૃષિને ઉધોગનો દરજજો આપવામાં આવે તેવી માંગ ઉઠતી હતી પરંતુ હજુ સુધી નકકર પગલા લેવાયા નથી. રાજકારણના કારણે ખેડૂતોનો મરો છે. એપીએમસીમાં આગેવાનો વચ્ચેની હુંસાતુંસીના પરિણામે આઝાદીકાળથી દેશના ખેડૂતોનો વિકાસ રૂંધાયેલો જોવા મળે છે. કોઇ એકતરફ એક નિયમનો સકારાત્મક વાતના સ્થાને વ્યક્તિગત લાભ ખાટવાની ગણતરી દેશના લાખો ખેડૂતો માટે અભિશ્રાય સમાન બની ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.