પ્રથમ દિવસે ૫૦ હજારથી વધુ મગફળીની ગુણીની આવક; રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીના રૂ. ૮૫૦ થી ૧૪૦૦ સુધીના ભાવ; પ્રારંભીક તબકકે કેન્દ્ર દીઠ ૨૫ ખેડૂતોને બોલાવાયા: વિમા કંપનીના ટોલ ફ્રી નંબરોનો સંપર્ક ન થઇ શકતો હોવાની ખેડૂતોની થોકબંધ ફરિયાદો

આજે લાભપાંચમે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ તમામ બજારો, વેપાર-ધંધા શરૂ થયા છે ત્યારે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો લાભપાચમના શુભમુહુર્તથી ધમધમવા લાગ્યા છે. જોકે માર્કેટીંગ યાર્ડમાં લાભપાચમ પૂર્વે જ કપાસ-મગફળી ઉપરાંત વિવિધ જણસોની આવક થવા લાગી હતી. ખેડુતોએ ગઈકાલે જ પોતાનો નવો માલ યાર્ડમાં ઠાલવી દીધો હતો.

લાભ પાંચમે ટેકાના ભાવે પણ મગફળીની ખરીદીના શ્રી ગણેશ થયા છે. રૂ. ૧૦૧૮ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. આ માટે તાલુકા દીઠ ૨૫ ખેડુતોને બોલાવવામાં આવ્યા છે. રાજયના ૧૪૫ કેન્દ્રો પરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે.

IMG 20191101 WA0038

માર્કેટીંગ યાર્ડમાં આવેલ કપાસ-મગફળીની ખરીદી પર કમોસમી વરસાદની અસર જોવા મળી છે. નવો માલ ભરેલા વાહનોમાં જ તોલ કરી હરરાજી કરવામાં આવી રહી છે અને ખેડુતોને નાણા ચૂકવવામાં આવશે.

આજે પ્રથમ દિવસે ૫૦ હજારથી વધુ મગફળીની ગુણીની આવક થવા પામી છે. સારી ગુણવતાવાળી મગફળીના રૂ. ૧૩૦૦ થી ૧૪૦૦ ના ભાવે તો પલવેલી મગફળી રૂ. ૬૦૦ થી ૭૫૦ના ભાવે ખરીદાઈ રહી છે. સારી ગુણવતાવાળી મગફળીની ખરીદી સાઉથના વેપારીઓ કરી રહ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક મણના સરેરાશ ભાવ રૂ ૮૫૦ થી લઈ રૂ.૧૪૦૦ સુધી ખેડુતોને મળી રહ્યા છે.

ટેકાના ભાવે મગફળી વેચવા રાજકોટ જિલ્લામાં ૮૨૦૦૦ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમની પાસેથી ૧૧ કેન્દ્રો પરથી ખરીદી થઈ રહી છે. દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. ત્યારે પ્રારંભીક તબકકે કેન્દ્ર દીઠ ૨૫ ખેડુતોને બોલાવાયા છે. ખેડુત દીઠ રૂ.૨૫૦૦ કિલોની મર્યાદામાં મગફળીની ખરીદી થશે. બીજી બાજુ સરકારે તાજેતરમાં પડેલા માવઠાથી પાકને થયેલા નુકસાનનુ વળતર ચૂકવવા માટે તાત્કાલિક સર્વે હાથ ધરવાની તૈયારી આદરી છે જે માટે ખેડૂતોને વિમા કંપનીઓના ટોલ ફ્રી નંબરો પર ૭૨ કલાકમાં સંપર્ક કરવા જણાવાયું છે જ્યારે ખેડૂતોની એવી ફરિયાદ ઉઠી છે કે ટોલ ફ્રી નંબરનો સંપર્ક થઇ શકતો નથી તો ફરિયાદ કરવી ક્યાં?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.