માર્કેંટીંગ યાર્ડના નવનિયુકત ચેરમેન રણછોડભાઇ પટેલની પાંચ મહત્વપૂર્ણ જાહેરાત
મેહુલ બળદેવ ભરવાડ
હળવદ માર્કેટ યાર્ડની આજે ૮ બેઠકોની મત ગણતરી યોજાઈ હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપ પ્રેરીત પેનલ વિજેતા જાહેર થતા ભાજપના હોદેદારો અને કાર્યકરોએ વિજય સરઘસ કાઢયું હતું અને ફટાકડાની આતશબાજી કરી જીતની ભવ્ય ઉજવણી કરી હતી.
હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારી પેનલની ૪ અને અને ખરીદ-વેંચાણ સંઘની ર બેઠક બિન હરિફ થતા ભાજપ પ્રેરીત કુલ ૬ બેઠક બિનહરિફ થઈ હતી.જાકે આજે યોજાયેલી ૮ બેઠકોની મત ગણતરીમાં તમામ બેઠકો ભાજપ પ્રેરીત વિજેતા જાહેર થઈ હતી.સૌરાષ્ટ્રની નામાંકિત યાર્ડમાં ગણના થતી હળવદ માર્કેટીંગ યાર્ડ પર ભાજપનો છેલ્લા ૧૭ વર્ષથી દબદબો રહ્યો છે ત્યારે ફરી ભાજપે એપીએમસી પર સતા હાંસલ કરતા ભાજપના હોદેદારો અને કાર્યકરોએ આ જીતને વધાવી માર્કેટીંગ યાર્ડથી શહેરના ધ્રાંગધ્રા દરવાજા સુધી વિશાળ વિજય સરઘસ કાઢી જીતની ભવ્ય ઉજવણી કરી હતી.
આ તકે પૂર્વ રાજયમંત્રી જયંતીભાઈ કવાડીયા, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બિપીનભાઈ દવે, મોરબી જિલ્લા ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રજનીભાઈ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, પૂર્વ પાલીકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ઘનશ્યામભાઈ ગોહિલ, માર્કેટ યાર્ડ ચેરમેન રણછોડભાઈ પટેલ, જયરામભાઈ સોનગ્રા, જશુબેન પટેલ, તપન દવે, સંદીપ પટેલ સહિત ભાજપના હોદેદારો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં વિજય સરઘસમાં જાડાયા હતા.
હળવદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલ વિજેતા જાહેર થતા એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલે મહત્વપૂર્ણ પાંચ જાહેરાતો કરી હતી.
૧). તાલુકાનો કોઈપણ વિદ્યાર્થી એમબીબીએસમાં અભ્યાસ કરતો હોય તો તેને રૂ.૪૦ હજારની વાર્ષિક સહાય અપાશે.
ર). તાલુકાનો કોઈપણ ખેડૂત અકસ્માતમાં મોત નિપજે તો તેને ૧ લાખની સહાય કરાશે.
૩). તાલુકાના ૭ર ગામડામાં લોકોને બેસવા એક ગામ દીઠ પાંચ-પાંચ બાંકડા મુકાશે.
૪). ખેડૂતોને ટોકન રૂપિયાથી એપીએમસીના ભોજનાલયમાં ભરપેટ ભોજન પીરસાશે.
પ). ખેડૂતોને રાત્રી રોકાણ માટે એપીએમસીમાં ગેસ્ટ હાઉસની સુવિધા ઉપલ્બધ કરાશે.