ચોમાસાની સીઝનના ગણતરીના દિવસો બાકી છે. અને ઉનાળુ પાકો તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ પાકોની આવક મોટા પ્રમાણમાં શરૂ થઇ ચુકી છે. અડદ, મગફળી, કપાસ, તલ, લસણ સહિતના પાકો યાર્ડમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની મોટા પ્રમાણમાં આવક થઈ છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આ સિઝનનું સૌથી વધારે લસણની આવક થઇ છે. આજના દિવસે યાર્ડમાં 6 લાખ કિલો એટલેકે 30 હજાર મણ લસણની આવક થવા પામી છે.ચોમાસુ નજીક હોવાને કારણે ખેડૂતો નવા પાક વાવવા માટે તૈયારી કરી રહ્યા છે જેને કારણે ખેડૂતો ઉગેલા ઉનાળુ પાકને વેચવા યાર્ડમાં આવી રહ્યા છે.
યાર્ડમાં જણસીની મોટા પ્રમાણમાં આવક થઈ છે પરંતું મજૂરોની અછતને કારણે વેપારીઓ ખરીદેલી જન્સીનો નિકાલ કરી શકતા નથી. યાર્ડમાં મોટા પ્રમાણમાં લસણની આવક થવા યાર્ડના 2 પ્લેટફોર્મ પર લસણ ન સમાતા રસ્તાઓ પર લસણ ઉતારવામાં આવ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે યાર્ડમા મોટા પ્રમાણમાં જણસીતો આવે છે પરંતુ ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી.
યાર્ડમાં લસણ સહિત કપાસની પણ મોટા પ્રમાણમાં આવક થઈ છે. લસણના ભાવની જો વાત કરવામાં આવે તો 540 થી 1250 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. સાથેજ આજના દિવસે કપાસની 2025કવીંટલ આવક થઈ હતી. કપાસનો ભાવ ખેડૂતોને 1150થી 1510 મળ્યો હતો.
યાર્ડમાં પાક વેચવા આવેલા ખેડૂતો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યાર્ડમાં અલગ અલગ જણસી મોટા પ્રમાણમાં આવે છે પરંતુ જણસીનો ભાવ પૂરો મળતો નથી. ખેડૂતોને બિયારણ પ્રમાણે પાકનો ભાવ મળતો નથી. ખેડૂતોને જણસી વેચવા માટે 7 દિવસે વારો આવે છે. અને ખેડૂતો પાસે પૈસા નથી ચોમાસુ નજીક આવી ગયુ છે. અને ખેડૂતોને નવા પાકની વાવણી કરવા માટે પૈસાની ખાસ જરૂર છે. યાર્ડમાં મજૂરોની અછતને કારણે ખેડૂતોનો પાક રાજળી પડ્યો હોય તેવી અનુભૂતિ ખેડૂતોને થાય છે. અત્યારે ઉનાળુ પાકની આવક મોટા પ્રમાણમાં થતી હોવાને કારણે યાર્ડના સતાધિસોએ યાર્ડમાં મજૂરોની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે.