અચ્છે દિન આ રહે હૈ…
દિવાળી બાદ ધોમ તેજીની અપેક્ષા: ઓટો મોબાઈલ્સ, સ્ટીલ, એફએમસીજી, સિમેન્ટ અને એવીએશન ક્ષેત્રના વિકાસથી તંદુરસ્ત અર્થતંત્ર તરફ સંકેતો મળ્યા
જીડીપી, ગ્રોસ ફિકસ કેપીટલ, નોન ફુડ ક્રેડીટ, કરન્ટ એકાઉન્ટ ડીફીશીટ તેમજ રેપોરેટ અને ફુગાવા મામલે મોદી સરકારે લીધેલા નિર્ણયોથી અર્થતંત્રનો ઝડપી વિકાસ થશે
‘અચ્છે દિન આ રહે હૈ’ના ચુંટણી નારા સાથે ચુંટાઈ આવેલી મોદી સરકારના પ્રયત્નોથી અર્થતંત્ર પુરપાટ દોડતું થશે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. યુપીએના શાસન કરતા એનડીએના પ્રયત્નોથી હાલ અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળ્યો છે. યુપીએના ૧૪ વર્ષના શાસનની સરખામણીએ એનડીએનું અત્યાર સુધીનું શાસન ઉધોગો અને લોકો માટે ખુબ જ અનુકુળ રહ્યું હોવાનું આંકડા કહે છે.
છેલ્લા થોડા સમયમાં વિકાસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. અર્થતંત્રના વિકાસ માટે નવા વિચાર મળી રહ્યા છે. જીડીપી ગ્રોથ ઐતિહાસિક ઝડપથી વઘ્યો છે. અગાઉના ૧૪ વર્ષની સરખામણીએ હાલ જીડીપી દર ૭.૨ ટકા સરેરાશે પહોંચ્યો છે જે ટુંક સમયમાં ઝડપથી આગળ વધશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ગ્રોસ ફિકસ કેપીટલ ફોર્મેશન પણ અર્થતંત્રમાં સાતત્ય રહેશે તેવા સંકેતો આપી રહ્યું છે.
નોન ફુડ ક્રેડીટ અને કરન્ટ એકાઉન્ટ ડીફીસીટમાં અગાઉની સરખામણીએ આવેલો સુધારો પણ વાર્ષિક વિકાસની ગાડી ઝડપથી આગળ વધી રહી હોવાનું કહી રહી છે. રેપોરેટ અને ફુગાવાનું સમતોલન દેશના અર્થતંત્રની તંદુરસ્તી બતાવવી રહ્યા છે. જીએસટી અને નોટબંધી સહિતના બોલ્ડ નિર્ણયોથી આગામી વર્ષોમાં અર્થતંત્રની ગાડી વધુ ઝડપથી દોડશે તેવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે.
અત્યારની સ્થિતિ જોઈએ તો ઓટોમોબાઈલ ક્ષેત્રની ક્રાંતિ સૌથી મોટો સંકેત આગામી સમયના વિકાસ તરફનો છે. મારૂતિ સુઝુકી, અશોક લેલન, મસર્ડીઝ બેનઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતની ઓટોમોબાઈલ કંપનીઓ લોકોની ખરીદ શકિતને ધ્યાને રાખી ઉત્પાદનોની કિંમતમાં ધીમી ગતિએ વધારો કરી રહી છે જે આગામી સમયમાં અર્થતંત્રની તંદુરસ્તી માટે અનુકુળ ચિન્હો બતાવે છે.
સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ પણ આગામી વર્ષમાં હરણફાળ ભરવા થનગની રહી છે. જેએસડબલ્યુ, ટાટા સ્ટીલ સહિતની કંપનીઓ આગામી સમયમાં ૮ થી ૧૦ ટકાનો વધારો ભાવમાં કરશે. ચીનનું સ્ટીલ સસ્તુ હોવા છતાં ભારતીય કંપનીઓ દ્વારા વધારો એક રીતે સારા ભવિષ્યનો સંકેત આપી રહ્યા છે. એફએમસીજીનું સેકટર પણ ખુબ જ સારા ભવિષ્યનું દિશાસુચન કરી રહ્યું છે. માંગના પ્રમાણમાં એફએમસીજી સેકટરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં અર્થતંત્રની સારી સ્થિતિ રહેશે તે ફલિત થાય છે.
સિમેન્ટ ઉત્પાદનનું ક્ષેત્ર પણ આગામી સમયમાં તંદુરસ્ત અર્થતંત્ર તરફ ધ્યાન દોરી રહ્યું છે. આમ જોઈએ તો સિમેન્ટમાં ઈનપુટ પોસ્ટ વધી છે પરંતુ પ્રોફીટ માર્જીનમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. સેલ્સમાં ઐતિહાસિક ઉછાળો આવશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. મકાનોના બાંધકામ ઝડપથી થઈ રહ્યા છે. પરીણામે અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે.
ઉડ્ડયન (એવીએશન) ક્ષેત્ર પણ વિકસતા અર્થતંત્રની તંદુરસ્તી તરફ સૌથી સીધો સંકેત આપે છે. અત્યાર સુધી એવીએશનમાં કોઈ રીતે સીધો વધારો ઝીંકાયો નહોતો. મુસાફરોની સંખ્યા ખુબ જ ઓછી હતી પરંતુ ૪ વર્ષમાં સરકારે એવીએશન-એરપોર્ટના વિકાસ અને મુસાફરોને પ્રોત્સાહન આપવા માટે લીધેલા નિર્ણયોના કારણે એવીએશન ઈન્ડસ્ટ્રીઝને બુસ્ટર ડોઝ મળ્યો છે અને ડોમેસ્ટીક માર્કેટનો વિકાસ થયો છે. મુસાફરોની સંખ્યામાં વિકાસશીલ દેશને પાછળ છોડી દે તેવી ઝડપથી વધારો થઈ રહ્યો છે. લોકો હવે હવાઈ મુસાફરી તરફ ધ્યાન દેવા લાગ્યા છે. આ સઘળી બાબતો અર્થતંત્રના ઝડપી વિકાસને પોશકબળ આપે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ બજારમાં તેજી જોવા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. બેંકોની સ્થિતિ સુધારવા સરકાર પ્રયત્નશીલ છે. મે મહિનામાં ચુંટણી છે. પૈસાની તરલતા બજારમાં જોવા મળશે. સોનાના ભાવ વધી રહ્યા છે.
શેરબજાર પણ ગ્રીન ઝોનમાં છે. હવે વિદેશી હુંડિયામણમાં પણ મોટો ઉછાળો થયો છે. જેથી પૈસો દોડતો થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે જેના મીઠા ફળ અચ્છે દિનના રૂપમાં જોવા મળશે.