કોરોનાને કારણે વિશ્વભરમાં છવાયેલી મહામારીએ દરેક ક્ષેત્રે ગંભીર, નકારાત્મક અસરો ઉપજાવી છે. એમાં પણ ખાસ અસર અર્થતંત્ર પર પડી છે. વૈશ્ર્વિક મહામારીના કપરાપાળએ ભલભલા દેશોને બેન્ડ વાળી દીધા છે. એમાં પણ નાના અને આર્થિક રીતે પછાત દેશો પર તો મંદીના વાદળો ઘેરાયા છે. દક્ષિણ એશિયાઈ દેશોની પણ આ જ હાલત છે. પરંતુઆ ક્ષેત્રે ભારતની વાત કરવામાં આવે તો વધુ વસ્તી ધરાવતા હોવા છતાં પણ ભારતમાં આર્થિક દુષ્કાળની ભીતિ નથી. એક તરફ પાકિસ્તાન જેવા દેશોની હાલત કંગાળ થઈ ગઈ છે. તો તે જ સમયે ભારતમાં મંદી તો દૂર પણ બજારમાં તેજીનો તોખારો. જોવા મળી રહ્યો છે.
જો કે, કોરોનાને કારણે અર્થતંત્રના વિકાસમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો. જે સ્વભાવિક પણ છે. કારણ કે માંદગી આવે તો નુકશાન પણ થાય. પરંતુ ભારત હવે આમાંથી ધીરેધીરે ઉભરી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર આગામી બે વર્ષના ગાળામાં ચીનને પણ પછાડી દે તેવી ધારણા છે. તાજેતરમાં સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું છે કે આગામી જુલાઈ માસથી ભારતના અર્થતંત્રનીગાડી ફરી પૂરપાટ ઝડપે દોડવા માંડશે. અને જુલાઈ માસથી બજારની આ જમાવટ વર્ષ 2022 સુધીમાં જીડીપીને 10 ટકાએ અંબાવી દેશે.
વિનિવેશ દ્વારા બજારમાં તરલતા અને રસીકરણ ઝુંબેશને વધુ ઝડપી બનાવી અર્થતંત્રને આગળ ધપાવવા સરકાર કટિબધ્ધ: મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમ
અર્થતંત્રના વિકાસ અને વૃદ્ધિ દર વિશે વધુમાં જણાવતા તેમણે કહ્યું કે કોરોનાની બીજી તરંગે આર્થિક પુન:પ્રાપ્તિની ગતિને અસર કરી છે. પરંતુ કોઈ જાજી અસર થઈ નથી. નવા કેસ ધરખમ ઘટ્યા છે તો સાથે રિકવરી રેટ નોંધપાત્ર દરે વધી રહ્યો છે આથી જકોરોનાને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યમાં લાદવામાં આવેલા પ્રતિબંધો સરકારે દૂર કરવાનું શરૂ કરી દીધું છે. અને જો રસીકરણ ઝડપી બનાવવામાં આવે તો અર્થવ્યવસ્થામાં ચોક્કસ સુધારો થશે. અને કોવિડ-19 ખાધ લક્ષ્ય અને ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક પર કોઈ અસર કરશે નહીં. આથી સરેરાશ અર્થતંત્ર ટનાટન રહેશે. મુખ્ય આર્થિક સલાહકાર ઉપરાંત અન્ય આર્થિક નિષ્ણાતોએ પણ મત વ્યક્ત કર્યો છે કે
હવે ભારતીય અર્થતંત્ર મહામારીમાંથી ઉગરી વિકાસ અને વૃદ્ધિ તરફ આગળ ધપી રહ્યો છે. તાજેતરમાં એક્સિસ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી સૌગાતા ભટાચાર્યએ જણાવ્યું છે કે નાણાંકીય વર્ષ 2022નો ભારતનો જીડીપી દર 9.5 ટકા થી 10 ટકાની વચ્ચે રહેશે તેવો અંદાજ છે. જણાવી દઈએ કે મધ્યસ્થ બેંક આરબીઆઈએ પણ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ- જીડીપી આગામી વર્ષમાં 10.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
નાણાંકીય વર્ષ 2022માં ભારતનો વૃદ્ધિદર 9.5% થી 10%ની વચ્ચે રહેવાનો અંદાજ: એક્સિસ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી
એક્સિસ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું કે, રિઝર્વ બેંક, જે દરમાં ઘટાડા અને પ્રવાહિતા વધારવાના પગલાઓ સાથે કામ કરી રહી છે. તે નીતિના કારણે આગામી વર્ષમાં 9.5 ટકાથી વધુ જીડીપી વધશે તેવી ધારણા છે. તેમણે કહ્યું કે ખાનગી વપરાશ ઘટ્યો છે અને ગ્રાહક સ્ટેપલ્સ પર ખર્ચ કરવામાં પણ ફટકો પડ્યો છે. પરંતુ હવે બજારમાં રિકવરી આવશે. સરકાર દ્વારા ખર્ચમાં વધારો કરીને તેને પુનજીર્વિત કરવાની જરૂર છે, ખાસ કરીને મૂડી ખર્ચ પર વધુ ભાર દેવાની જરૂર છે જેના પગલે બજારમાં તરલતા આવશે.
મુખ્ય આર્થિક સલાહકારે જણાવ્યું કે રાજ્યોમાં આંશિક પ્રતિબંધો તેમજ લોકડાઉન જેવા કડક નિયમો દૂર થતાં હવે ઉદ્યોગો સંપૂર્ણ ક્ષમતા સાથે ફરી ધમધમતા થવા લાગ્યા છે. જો કે આ સાથે લોકોએ સાવચેતી અને જાગૃત થઈ સંપૂર્ણ રસી લેવાની ખૂબ જરૂર છે. જો તમામ લોકો રસી લઈ કરોના સામે સુરક્ષિત થઈ જશે તો ત્રીજી લહેરનો વધુ ખતરો રહેશે નહીં અને અર્થતંત્રમાં આર્થિક સુધારા કરી વધુ મજબૂત બનાવવાનું સરળ બનશે.