તહેવારોની સીઝન જામશે: ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રથમ અર્ધવાષિક ગાળામાં સોનાની આયાત 24 અબજ ડોલરને પાર
સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ ભારત; વાર્ષિક ધોરણે સરેરાશ 800થી 900 ટન આયાત થાય છે
તહેવારોની સીઝનમાં બજારની ’ચમક’ અનેકગણી વધી છે. આ વખતે દિવાળીના તહેવારમાં ગોલ્ડ માર્કેટ જમાવટ કરશે. ભારતમાં છેલ્લાં ઘણા લાંબા સમયથી વધતી જઈ રહેલી સોનાની માંગને પગલે આયાત અનેક ગણી વધી છે. છેલ્લા 6 માસમાં ગોલ્ડની આયાત લગભગ ત્રણ ગણી વધી 24 અબજ ડોલરને પાર થઈ ગઈ છે. જો કે આ સામે વિશ્વના સૌથી મોટા સોનાના આયાતકાર દેશ ભારતના રત્નો અને આભૂષણોની નિકાસ વધી છે જે 19.3 અબજ ડોલરે પહોંચી છે.
કેન્દ્રીય વેપાર અને વાણિજય મંત્રાલયના જણાવ્યા મુજબ, ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બર, 2021માં દેશની સોનાની આયાત અનેક ગણી વધીને 24 અબજ થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં સોનાની આયાત 6.8 અબજ હતી. દેશમાં સોનાની માંગમાં વધારો થવાને કારણે આયાત વધી છે. સોનાની આયાત ચાલુ ખાતાની ખાધ (ઈઅઉ)ને મોટી અસર કરી છે. સપ્ટેમ્બર માસમાં 6014 મિલિયન ડોલર આયાત થઈ છે. બીજી બાજુ, એપ્રિલ-સપ્ટેમ્બરમાં ચાંદીની આયાત 15.5 ટકા ઘટીને 619.3 મિલિયન થઈ છે. જોકે, સપ્ટેમ્બરમાં ચાંદીની આયાત વધીને 55.23 મિલિયન ડોલર થઈ, જે સપ્ટેમ્બર 2020માં 923 મિલિયન ડોલર હતી.
સપ્ટેમ્બર માસમાં સોનાની આયાતમાં નોંધપાત્ર વધારાને કારણે દેશની વેપાર ખાધ સપ્ટેમ્બરમાં 22.6 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા સમાન મહિનામાં તે 2.96 અબજ ડોલર હતી. વેપાર ખાદ્ય એટલે આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત. ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો સૌથી મોટો સોનાની આયાત કરતો દેશ છે. ભારત વાર્ષિક ધોરણે 800થી 900 ટન સોનાની આયાત કરે છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા મુજબ, તહેવારોની સિઝન અને ઉંચી માંગને કારણે સોનાની આયાતમાં વધારો થયો છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ અજય સહાયે પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે, સોનાની આયાત મુખ્યત્વે માંગમાં વધારો થવાને કારણે વધી છે.