૫૦૦ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થયો: બેન્કિંગ, ઓટોમેટીવ, ટેલીકોમ અને કેમીકલ સેકટરમાં તેજી

શેરબજારમાં રોકાણકારો માટે છેલ્લા દસેક ટ્રેડીંગ દિવસો હકારાત્મક રહ્યાં છે. શેરબજારમાં લાંબા સમય બાદ તેજીનો માહોલ ગાઢ બન્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સેન્સેકસમાં ૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે પણ સેન્સેકસ ઉઘડતી બજારે ૫૦૦ પોઈન્ટ કુદયો હતો. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૭૫ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ, ઓટોમેટીવ, ટેલીકોમ અને કેમીકલ સેકટરમાં તેજીનું તોફાન જોવા મળ્યું છે.

હેવીવેઇટ શેરોની આગેવાની હેઠળ ગયા સપ્તાહની મજબૂત તેજી બાદ આ સપ્તાહે બજાર કોરોના વાઇરસની કેસની સંખ્યા, ભારત-ચીન વચ્ચે સીમાવિવાદ અને માર્ચ ક્વાર્ટરના અર્નિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગુરુવારે એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની એક્સ્પાયરીને કારણે બજારમાં વોલેટિલિટી રહેશે, પરંતુ વૈશ્વિક સંકેતો બજારની ચાલ પર હાવી થશે.

આ સપ્તાહે રોકાણકારો ભારત અને ચીન વચ્ચેની રાજકીય અને સરહદ પરની ગતિવિધિ પર ચાંપતી નજર રાખશે. ગયા સપ્તાહે બંને વચ્ચે તંગદિલીમાં વધારો થયો હતો. ભારતના કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં પણ વિક્રમ વધારો થઈ રહ્યો છે.

બીજી તરફ વિશ્વમાં કોરોના વાઇરસના બીજા તબક્કાની ચિંતા છે. ચીન, ઇરાન જેવા દેશો બીજા તબક્કાના કોરોનાથી મુશ્કેલીમાં છે. આ બંને પરિબળો આ સપ્તાહે બજારની ચાલને અસર કરશે.

આ સપ્તાહે ૨૫ જૂને એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની એક્સ્પાયરી છે, જેથી રોકાણકારો તેમની પોઝિશનને રોલઓવર કરશે અથવા તો તેનું વેચાણ કરશે. કોર્પોરેટ રિઝલ્ટ સીઝનનો અંતિમ તબક્કો છે. આ સપ્તાહે ઇન્ફોએજ (ઇન્ડિયા), એશિયન પેઇન્ટ્સ, બેન્ક ઓફ બરોડા, બર્જર પેઇન્ટ્સ, ગેઇલ, ઇન્ડિયા સિમેન્ટ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, અશોક લેલેન્ડ જેવી કંપનીઓ તેમના માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટની જાહેરાત કરશે. રિઝલ્ટ સીઝનને કારણે બજારમાં સ્ટોક સ્પેસિફિક અભિગમ રહેશે. ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વના ડેટા ૨૬ જૂને જાહેર થશે. પાંચ જૂનના રોજ ભારતની વિદેશી હૂંડિયામણની અનામતો વધીને ૫૦૧.૭૦ અબજ ડોલર હતી.

ગયા સપ્તાહે સેન્સેક્સ ૯૫૦.૮૫ પોઇન્ટ્સ અથવા ૨.૮૧ ટકા ઊછળીને ૩૪,૭૩૧.૭૩એ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૭૧.૫૦ પોઇન્ટ્સ અથવા ૨.૭૨ ટકા ઊછળીને ૧૦,૨૪૪.૫૦ એ બંધ આવ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.