• ટ્રાન્સપરન્સી બહેતર બનાવવાનો ફેસબુકનો વાયદો
  • લોકશાહીને નબળી પાડવાના હેતુથી થઈ રહેલો ફેસબુકનો ઉપયોગ તાત્કાલિક અટકાવાશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે ફેસબુકના નેગેટિવ ઉપયોગ માટે વિશ્વભરના યુઝર્સની માફી માગી હતી અને ફેસબુકમાં વધુ ટ્રાન્સપરન્સી લાવવાનો વાયદો પણ એક લાઈવ વીડિયો મારફતે કર્યો હતો.

ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે નામ લીધા વગર અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની ફેવરમાં ફેસબુકનો ઉપયોગ થયાના આરોપ મુદ્દે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અમેરિકી મીડિયાએ કેટલાક સંશોધનોને ટાંકીને એવો દાવો કર્યો હતો કે અમેરિકાની ચૂંટણીમાં રશિયાએ મતદારોને રીઝવવા માટે અને ડોનાલ્ડ ટ્રમ્પની ફેવર કરાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરાયો હતો.

એ પહેલાં ફેસબુકે અમેરિકી કોંગ્રેસને ચૂંટણી દરમિયાન એક રશિયન કંપનીએ આપેલી ઓનલાઈન જાહેર ખબરની વિગતોનો અહેવાલ સોંપ્યો હતો. જેમાં અસંખ્ય ફેક અકાઉન્ટ સાથે એ જાહેરાતો લિંક થયેલી હતી. આ આરોપનો ઉલ્લેખ કર્યા વગર માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે લોકશાહીને નબળી પાડવાના હેતુથી ફેસબુકનો ઉપયોગ થઈ રહ્યો છે તેને તાત્કાલિક અટકાવાશે.

એક લાઈવ ફેસબુક વીડિયોમાં ઝકરબર્ગે વિશ્વભરના યુઝર્સને એવો વાયદો કર્યો હતો કે ફેસબુક ટૂંક સમયમાં વધુ ટ્રાન્સપરન્સી બતાવશે. ઝકરબર્ગે કહ્યું હતું કે ફેસબુક તુરંત એવી ફેક જાહેરાતોની તપાસ કરશે અને ટૂંક સમયમાં એવી એક્ટિવિટી ટાળી શકાય તે માટે કાર્યવાહી કરશે. તેમણે એક ટીમની રચના કરી હોવાનું પણ વીડિયોમાં જણાવ્યું હતું.

ઝકરબર્ગે કહ્યું હતું કે ફેસબુક લોકોને જોડવાનું કામ કરે છે. જો લોકોને તોડવાનું કામ શરૃ થશે તો એવી એક પણ એક્ટિવિટીને ફેસબુકના પ્લેટફોર્મનો લાભ મળશે નહીં. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં હવે ચૂંટણીઓ વખતે સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે. એમાં પણ ફેસબુકનો ઉપયોગ ફેક અકાઉન્ટ મારફતે અને ખોટી જાહેરખબરો મારફતે થઈ રહ્યો છે. એ ટાળવા માટે ફેસબુક આગામી સમયમાં કામ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.