૪૫ કિલો ચાંદી કામ માટે લઈ ગયા બાદ પરત ન કર્યું: રણછોડનગરના શખ્સની ધરપકડ
શહેરના મારૂતીનગરમાં રહેતા અને ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે દશરથ સિલવર આર્ટ નામે ચાંદીના વેપારી સાથે રણછોડનગરના શખ્સે રૂ.૯.૪૫ લાખની કિંમતની ૪૫ કિલો ચાંદી કામ માટે લઈ ગયા બાદ પરત ન આપી ઠગાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રણછોડનગરના શખ્સની ઠગાઈના ગુનામાં ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મારૂતીનગરમાં રહેતા અને ગોવિંદબાગ શાક માર્કેટ પાસે દશરથ સિલવર આર્ટના નામે ચાંદીનો વ્યવસાય કરતા પ્રદિપગીરી જગદીશગીરી ગૌસ્વામીએ રણછોડનગરના વિશાલ કિશોર મોરાણીયા સામે રૂ.૯.૪૫ લાખની ૪૫ કિલો ચાંદીની ઠગાઈ કયા અંગેની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમ.એમ.ઝાલા સહિતના સ્ટાફે વિશાલ કિશોર મોરાણીયાની ઠગાઈના ગુનામાં ધરપકડ કરી છે.
પ્રદિપગીરી બિલ્ડીંગમાં જ ચાંદીનું કામ કરતા વિશાલ મોરાણીયા અવાર-નવાર ચાંદીનો જથ્થો કામ માટે લઈ જતો અને પરત આપી જતો હોવાથી ગત તા.૧૭ એપ્રિલના રોજ ૪૦ ટચ અને ૫૮ ટચની ૪૫ કિલો ચાંદીનો જથ્થો કામ માટે લઈ ગયા બાદ અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં વિશાલ મોરણીયા ચાંદીનો જથ્થો કે તેનું પેમેન્ટ ચૂકવતો ન હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાળ મોરાણીયાની ધરપકડ કરી છે.