જાળી, પોલ, છાપરા દૂર કરી 10 હજાર ફૂટ જગ્યા ખૂલ્લી કરાઇ
કોર્પોરેશનની ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ-અલગ 9 બિલ્ડીંગોના માર્જીન-પાર્કિંગ પર ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને 10 હજાર ચો.ફૂટ જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આજે સાધુ વાસવાણી રોડ પર શાંતિ આર્કેટમાં કપડાના શો-રૂમ, ગીતાંજલી કોલેજની બાજુમાં કૃષ્ણ ડિલક્ષ પાન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે સાવન પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, વિમલમાં ડેડકીયા-બાલાજી ફરસાણ, જય ચામુંડા ઓટો ગેરેજ, મિસ્ટર પટેલ ગાંઠીયા, વચ્છરાજ હોટેલ, ઉમિયાજી કોમ્પ્લેક્સ, આશિર્વાદ કોમ્પ્લેક્સના ત્રણ દુકાનધારકો અને અનમોલ કોમ્પ્લેક્સમાં માર્જીન થતા પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
આરોગ્ય શાખા :
આરોગ્ય શાખા દ્વારા સાધુ વાસવાણી રોડ પર મોબાઇલ વાન મારફત 29 વ્યક્તિઓના બ્લડ સુગર ચેક કરવામાં આવ્યા હતાં. જ્યારે 37 વ્યક્તિઓના બ્લડ પ્રેશર ચેક કરાયા હતાં. સાત વ્યક્તિઓના આરટીપીસીઆર અને 10 વ્યક્તિઓના એન્ટિજન સેમ્પલ લેવામાં આવ્યા હતાં. લાંબા સમય બાદ આરોગ્ય શાખાએ મોઇબાલ વેન દ્વારા કોરોના ટેસ્ટીંગની કામગીરી પણ આજે હાથધરી હતી.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા :
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા અને ગંદકી કરવા સબબ 11 આસામીઓ પાસેથી રૂ.2750, કચરા પેટી ન રાખવા સબબ એક વ્યક્તિ પાસેથી રૂ.500, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સબબ 6 વ્યક્તિઓ પાસેથી રૂ.2 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આજે કુલ 18 વ્યક્તિઓ દંડાયા હતાં. ખાનગી પ્લોટના બે માલિકોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે ચાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.