વન વીક, વન રોડ ઝૂંબેશ અંતર્ગત સેટેલાઇટ ચોકથી મોરબી બાયપાસ સુધીના વિસ્તારમાં માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરાયા
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.4માં સેટેલાઇટ ચોકથી મોરબી બાયપાસ રોડ સુધીના વિસ્તારમાં બે સ્થળે પાર્કિંગમાં ખડકાયેલા અને 39 સ્થળે માર્જીનમાં ખડકાયેલા દબાણો પર બુલડોઝરો ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટીપી સ્કિમ નં.17 (રાજકોટ)ના 12 મીટર ટીપી રોડ પર આવેલી 6 મીટર લંબાઇ દિવાલ અને બાંધકામ અને 3 ચો.મીટર ઓરડીનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ટીપી સ્કિમ નં.17 (રાજકોટ) સ્કૂલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ હેતુ માટેના અનામત પ્લોટમાં 45 ચો.મીટરમાં પ્લીન્થનું ગેરકાયદે ખડકાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
આજે હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓટલા તોડમાં સિતારામ સેલ્સ એજન્સી, સ્વસ્તિક પ્લાયવુડ, દિન દયાળ મેડીકલ, ક્રિષ્ના નોવેલ્ટી, ધનલક્ષ્મી જ્વેલર્સ, શિવ ગાંઠીયા, ખોડલ મોબાઇલ, શ્રી અંબે સિલેક્શન, દિવ્ય જનરલ સ્ટોર, કુબેર ઇલેક્ટ્રીક, કશિસ ભેળ, સ્વાતી ટ્રેડર્સ, બાલાજી મોબાઇલ, અક્ષર સેલ્સ, પટેલ સ્ટેશનરી, કલાપી જનરલ સ્ટોર, હરિઓમ સ્ટેશનરી, માધવ મેડિકલ, ન્યૂ પટેલ ઇલેક્ટ્રીક, એપલ સોડા, જય ખોડિયાર ડેરી, શિવ ફૂડ, ચામુંડા ટી સ્ટોલ, માહિ ફરસાણ, પ્રમુખ મેડિકલ, જગદંબા એન્ટરપ્રાઇઝ, રાંદલ ફરસાણ માર્ટ, વીર કોલ્ડ્રીંક્સ, આયુષ સ્વીટ્સ, પિતૃ કૃપા ડેરી, મહાકાળી પાણીપુરી, શ્રીરામ વાસણ ભંડાર, શિવશક્તિ ઇલેક્ટ્રીક, ખોડિયાર ફેશન, બ્રાહ્મણી પંચર, રાધેશ્યામ જનરલ સ્ટોર, આર.કે. એન્ટરપ્રાઇઝ અને જય દ્વારકાધીશ ફ્લાવર દ્વારા માર્જીનની જગ્યામાં ખડકી દેવાયેલા દબાણો તોડી પાડ્યા છે.
પ્લાસ્ટીકના 76 કિલો ઝબલા જપ્ત: 46 વેપારીઓ દંડાયા
120 માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ હોય આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના દાણાપીઠ, પરાબજાર મેઇન, જ્યુબેલી મેઇન રોડ, કરણપરા ચોક, મોચી બજાર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 76 કિલો પ્લાસ્ટીકના ઝબલાનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો. 27,600 પ્રતિબંધિત પ્લાસ્ટીકના ગ્લાસ પણ કબ્જે કરવામાં આવ્યા હતા. પ્રતિબંધિત પ્લાસ્ટીક વેંચનાર કે સંગ્રહ કરનાર 46 વેપારીઓ પાસેથી 58,400 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે છતાં તંત્ર દ્વારા કહેવા પૂરતી જ કામગીરી કરવામાં આવે છે. તમામ બજારોમાં પ્લાસ્ટીકના ઝબલાઓનો બેસૂમાર ઉપયોગ થઇ રહ્યો છે.