વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત વેસ્ટ ઝોનમાં નંદી પાર્ક મેઇન રોડ પર ઓપરેશન ઓટલા તોડ: 697 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાય
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.10માં નંદી પાર્ક મેઇન રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ-અલગ 26 જગ્યાએ માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરી 697 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં નંદી પાર્ક મેઇન રોડ પર એમ્ફી કોમ્પ્લેકસ, કૈલાશ કોમ્પ્લેક્સ, રવિ કોમ્પ્લેક્સ, અપૂર્વ કોમ્પ્લેક્સ, દિપ કોમ્પ્લેક્સ, હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર, ત્રિલોકધામની સામેનો વિસ્તાર અને ગોર્વધન કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં દૂધની ડેરી, ફાર્માસી, ઓટો ગેરેજ, ડેન્ટલ ક્લિનીક, સલૂન, પાનની દુકાન, ઇલેક્ટ્રોનીક્સની દુકાન, નોવેલ્ટી સહિતના દુકાનધારકોએ માર્જીન અને પાર્કિંગમાં ગેરકાયદે ખડકી દીધેલા છાપરા, ઓટલા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને 697 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
સ્માર્ટ સિટી એરિયામાં કોર્પોરેશનના અનામત પ્લોટ પર ખડકાયેલા ચાર દબાણોનો સફાયો
રૂ.4.35 કરોડની કિંમતની 820 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાય
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં આવાસ યોજના માટેના અનામત પ્લોટમાં ખડકાયેલા ચાર દબાણો દૂર કરી રૂ.4.35 કરોડની બજાર કિંમતની 820 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
ટીપી સ્કિમ નં.32 (રૈયા)ના ફાઇનલ પ્લોટ નં.64+85ના એસઇડબલ્યૂએસએચ હેતુના પ્લોટ પર ખડકાયેલું ટોયલેટ, બાથરૂમ, પતરાના સેટ અને એક મકાન સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. અહિં પ્રતિ ચોરસ મીટર જમીનનો બજાર ભાવ રૂ.53 હજાર છે. આજે ડીમોલીશન દરમ્યાન 4.35 કરોડની બજાર કિંમતની 820 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.