રાજકોટ, ગોંડલ અને મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા રજાઓ જાહેર કરાય
નાણાંકીય વર્ષ 2022/23ના વાર્ષિક નાણાંકીય હિસાબો પૂરા કરવા માટે રાજકોટ માર્કેટીંગ યાર્ડ સોમવારથી સળંગ છ દિવસ માટે જયારે ગોંડલ માર્કેટીંગ યાર્ડ આગામી શનિવારથી સળંગ આઠ દિવસ માટે બંધ રહેશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીના જણાવ્યાનુસાર રાજકોટ યાર્ડમાં આગામી 27 માર્ચથી 1 એપ્રીલ સુધી માર્ચ એન્ડીંગનીરજા રાખવામાં આવશે. અનાજ વિભાગમાં હરરાજી બંધ રાખવામાં આવશે. આવતીકાલે શુક્રવાર સાંજથી અનાજ વિભાગ (મુખ્ય યાર્ડ)ની તમામ જણસીઓની માલ આવકની બંધ કરી દેવામાં આવશે. ખેડુતોએમાલ વેંચવા માટે આવવું નહી 3 એપ્રીલથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માર્ચ એન્ડીગ ની કામગીરી ના લીધે ગોંડલ યાર્ડ ની તમામ કામગીરી તા.25 થી તા. 02 એટલે કે એક અઠવાડિયા સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. યાર્ડ ની તમામ કામગીરી તા.3-4-2023 થી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે જેથી યાર્ડ ખાતે જણસી લઈને આવતા ખેડૂતો એ એક અઠવાડિયા સુધી પોતાનો માલ સામાન લઈને આવવું નહીં જેથી હેરાન થવું ન પડે તેમ અંતમાં જણાવ્યું હતું
માર્ચ એન્ડીંગના કારણે સૌરાષ્ટ્રભરના યાર્ડ આવતા સપ્તાહથી બંધ રહેશે.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબીના જણાવ્યા અનુસાર, માર્ચ એન્ડીંગમાં વેપારીઓને પોતાના હિસાબ કરવાના હોય જેને ધ્યાનમાં રાખીને આગામી તા.27/03/2023 થી તા. 2/04/2023 સુધી યાર્ડના અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે. આ સમય દરમ્યાન કોઇ ખેડૂતોનો માલ આવવા દેવામાં આવશે નહી. અનાજ વિભાગમાં હરરાજીનુ તમામ કામકાજ બંધ રહેશે. તા. 25/03/2023ને શનિવાર આવકનો છેલ્લો દિવસ રહેશે. યાર્ડેની ઓફિસમાં ઓફિસ સમય દરમ્યાન ઓફિસ કાર્યાલય ચાલુ હોય તેથી વેપારીભાઇઓ, દલાલભાઇઓએ ઓફિસનુ કામકાજ પુરૂ કરી લેવું. તા. 2/04/2023ને રવિવારના રોજ બપોર પછીથી માલની આવક આવવા દેવામાં આવશે. તા. 3/04/2023ને સોમવારથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરરાજીનુ કામકાજ શરૂ કરવામાં આવશે.