“અહીં તાઈનામેન ચોક (ચીન) જેવી તાનાશાહી નથી કે લાસોના ઢગલા કરો, અહીં તે વખતના સંજોગો સહિત કરેલી કાર્યવાહીની સાથે દરેક બુલેટ, કાર્ટીસ, ટીયરગેસ સેલના હિસાબ પણ આપવા પડે છે!”
ઉંઝા પીઆઈ જયદેવ ઉનાવાથી પાછો મકતુપુર આવ્યો પણ ટોળાઓ હજુ ગામના પાદરમાં અડીંગો નાખીને પડયા હતા. લઘુમતી મહોલ્લાને આગે લગભગ સંપૂર્ણ પણે તારાજ કરી દીધો હતો તેથી હવે આ ટોળાઓ સાથે ફકત ચાર જવાનોથી જ સંઘર્ષમાં ઉતરવાનું વ્યર્થ હતુ રાત્રીનાં લગભગ સાડાત્રણ ચાર વાગવા આવ્યા હતા હવે તારીખ ફરી ગઈ હતી પહેલી માર્ચ થઈ ગઈ હતી.
જયદેવે બે દિવસની સતત મુસાફરી અને ગઈકાલનો આખો દિવસ સતત દોડાદોડી સાથે ચિંતા અને ઉપાધી ઉપરાંત યુધ્ધ જેવું કામ કર્યું હતુ. જયદેવે તેની આટલી લાંબી ફરજ દરમ્યાન દર વર્ષે થતા વાર્ષિક ફાયરીંગો કે જેમાં વિવિધ હથીયારો જેવા કે ૩૦૩ અને મસ્કેટ ૪૧૦ રાયફલો રીવોલ્વર, પિસ્ટલના ઢગલા બંધ કાર્ટીસ ફોડયા હતા. પરંતુ પબ્લીક ફાયરીંગ અને અશ્રુવાયુંનો ઉપયોગ તેની ફરજ દરમ્યાન આ પ્રથમ વખત કર્યો હતો. જોકે તેને આવા ભીષણ સંજોગો ઉભા થશે તેની કલ્પના પણ થયેલી નહિ, સાવ નિ:સહાય સ્થિતિમાં તમે જે કરો તે તમારા જોખમે ! વળી ગઈકાલનો આખો દિવસ તો કાંઈ પણ ખાધા પીધા વગરનો પસાર થયો હતો, સાથે જવાનોની પણ એજ હાલત હતી.
વાયરલેસ સેટ ઉપરથી કલાક ૦/૩૦ વાગ્યે એક મેસેજ મહેસાણા કંટ્રોલ રૂમ તરફથી આવેલો કે આવતી કાલે ભારત બંધનું એલાન થયેલ હોય, જેથી આજરોજ જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેજ બંદોબસ્ત આવતીકાલે યથાવત રહેશે અને વહેલી સવારથી જ કડક હાથે કામ લેવું જોકે બીજા બંદોબસ્તનો તો કોઈ વિકલ્પ જ ન હતો. વાત રહી કડક હાથે કામ લેવાની.
અત્યારે એવું લાગતુ હતુ કે પુરાતન યુગમાં જેમ હિન્દુરાજવીઓ સૂર્યાસ્ત પછી યુધ્ધબંધ કરી દેતા તેમ આ તોફાની ટોળાઓએ મધ્યરાત્રી પછી શાંતી રાખી હતી હવે વહેલી સવારના ત્રણ વાગવા આવ્યા હતા. અને દિવસ ઉગ્યે પાછુ યુધ્ધમાં લાગી જવાનું હતુ આથી જયદેવે ડ્રાઈવર યુનુસમીંયાને કહ્યું કે હવે હાઈવે ઉપર જ કોઈ સારી જગ્યાએ જીપને પાર્ક કરી બે કલાક શરીરને આરામ આપી દઈએ જરૂર પડયે આપણો સંપર્ક વાયરલેસ અથવા મોબાઈલ ફોનથી જેતે જરૂરીયાત વાળા કરશે. આમ જયદેવે લગભગ પોણા છ વાગ્યા સુધી જીપમાં બેઠા બેઠા જ ઉંઘ કરી.
સવારે છ વાગ્યે જયદેવ ઉંઝા આવ્યો, સાથેના જવાનોને બરાબર સાત વાગ્યે ફ્રેશ થઈ ને ફરીથી પોલીસ સ્ટેશને આવી જવા સૂચના કરી પોતે પણ એક કલાકમાં નાહિ ધોઈને ઘરમાં ફ્રીજમાં જે બીસ્કીટ ફ્રુટ વિગેરે પડયા હતા તેનાથી પેટ પુજા કરી, સજીધજીને સજજ થઈ સાત વાગ્યે પોલીસ સ્ટેશને આવી ગયો.
કલાક ૭/૧૦ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમની વાયરલેસ વર્ધી ચાલતી હતી કે દરેકે દરેક મોબાઈલે સખતમાં સખત પેટ્રોલીંગ કરી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જોવું કલાક ૮/૦૦ વાગ્યા સુધીમાં હજુ કોઈ બનાવના સમાચાર ન હોય જેથી પોલીસ સ્ટેશન વિસ્તારની હાલની ખેરીયત વર્ધી ઉંઝાથી મહેસાણા કંટ્રોલને પાસ થતી હતી.
આ પછી જયદેવ ઉંઝા શહેર અને બીજા ગામો કે જે હિન્દુ મુસ્લીમ મિશ્ર વસ્તી વાળા અને સંભવિત ગંભીર પરિસ્થિતિ ઉભી થાય તેવા દાસજ, ભાંખર, મહેરવાડા વિગેરે ગામોએ પેટ્રોલીંગ કરતો હતો.
કલાક ૯.૩૦ વાગ્યે પેન્થર સર જોડે મોબાઈલ ફોન ઉપર વાતચીત થતા તેમણે જણાવ્યું કે અહી ઉનાવા હું તથા એટીએસ ફોજદાર, ક્રાઈમ ફોજદાર, ઉંઝા સેક્ધડ મોબાઈલ સાથે ફોજદારો ચૌધરી અને ટાંક એ રીતેના મામલો સંભાળીએ છીએ, તમે ઉંઝા તથા તાલુકાના અન્ય દાસજ, ભાખર વિગેરે ગામોની તકેદારી રાખજો.
પેન્થરસરનું આ અનુમાન તેમના ભૂતકાળના ભાંખર અને દાસજ વિગેરે ગામોનાં ઈતિહાસને લઈને હતુ આ ગામોએ લઘુમતીની વસ્તી પ્રમાણમાં ઘણી વધારે હતી તેથી આ જગ્યાએ મામલો બીચકે તો તેમની શરૂઆત (ઓપનીંગ)માં ઘણી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ હતુ. પરંતુ આજે અનુમાનથી વિપરીત થવાનું હતુ ઉનાવા ગામે ઉંઝા તથા મકતુપુરના ભોગ બનનાર લઘુમતીઓને સ્થળાંતર કરતા ઉનાવાના બહુમતી લોકો ભડકયા હતા કે આતો આપણી ઉપર આફત આવી તેથી તેઓ વિફર્યા હતા. અને સંભવત: આજુબાજુનાં જે માથાભારે અને તોફાની ગામો હતા તેમને મદદ કરવા માટે બીડુ પણ મોકલ્યું હતુ કે ઝડપાયતો બીડુ ઝડપી લેજો વિગેરે.
ઉંઝા ખાતે જયદેવ વિચારતો હતો કે જે આક્રમકતાથી ગઈકાલે રાજય અને જીલ્લાના અમુક શહેરોમાં બનાવો બન્યા તેના કરતા વધુ ઉગ્રતાથી આજના ભારત બંધના એલાન દરમ્યાન બનાવો બનવાની સંભાવના હતી. કેમકે ટીવી ઉપર જે રીતે ગોધરા ખાતે સાબરમતી એકસપ્રેસના કોચ નં. એસ ૬ને સળગાવ્યો તેની હાલત, ગોધરા શહેરનો પૂર્વ ઈતિહાસ તેમજ સંભવિત રીતે ભારતને અસ્થિર કરવા પાકિસ્તાનની પરોક્ષ ભૂમિકા બાબતે ચર્ચાઓ થતી હતી તેનાથી લોકોની માનસીકતા અતિવ્યગ્ર અને ઉગ્ર બની ગઈ હતી. કે જાણે હવે તમામના અસ્તિત્વનો પ્રશ્ર્ન ઉભો થયો હોય તેવી લાગણી ધરાવતા અને થતી ચર્ચાઓથી પણ ઘણી અસર થયેલી હતી. આથી જયદેવે આવનાર ઉગ્ર સંજોગોની પૂર્વ તૈયારી રૂપે યુધ્ધમાં વપરાશનો પૂરવઠો વિવિધ પ્રકારનાં અશ્રુવાયુંના ૩૦ (ત્રીસ) સેલ મહેસાણા પોલીસ હેડકવાર્ટરમાંથી મંગાવ્યા જે વાયરલેસ વર્ધી કલાક ૯૪૫ વાગ્યે ઉંઝાએ મહેસાણા કંટ્રોલને આપી.
કલાક ૯/૫૦ વાગ્યે મહેસાણા કંટ્રોલ વર્ધી આપી કે પીઆઈ ઉંઝાએ ટેલીફોન નંબર ૨૨૧૨૨ ઉપર પોલીસ વડા સાથે વાત કરવી. આથી જયદેવે મોબાઈલ ફોનથી જ પોલીસ વડા સાથે વાત કરતા પોલીસ વડાએ જણાવ્યું કે આજે પૂરી તાકાતથી તોફાનો દબાવી દેવા પ્રયત્નો કરવા જયદેવે જણાવ્યું કે વાતતો બરાબર છે જે રીતે મર્યાદિત પોલીસ દળ અને સામે વિશાળ માનવ મહેરામણના પ્રવાહના સંજોગો છે તે જોતા અમારો પૂરો પ્રયત્ન એ રહેશે કે કોઈ માનવ જીંદગીનો ભોગ લેવાય નહિ. આથી પોલીસ વડા ખૂશ થયા.
કલાક ૯/૫૫ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને વાયર લેસથી વર્ધી આપી કે આજે શુક્રવારની જુમ્માની નમાઝ અદા કરવા વિશાળ સંખ્યામાં મુસ્લીમો મસ્જીદોમાં એકઠા થશે જેથી તમામ અધિકારીઓ એ પૂરી તકેદારી રાખવી.
કલાક ૧૦/૦૦ વાગ્યે એક વર્ધી વાયરલેસથી ઉંઝા વન (જયદેવ)ને મળી કે પીએસઓ જણાવે છે કે તેમણે (જયદેવે) તાત્કાલીક દવે ચકલામાં પહોચવું. જયદેવ તુરત દવે ચકલાએ પહોચ્યો અને એકઠા થયેલા ટોળાઓને વિખેરી નાખ્યા. પરંતુ આ દરમ્યાન જયદેવની જીપ ઉંઝાવનની સાયરન ખરાબ થઈ, અવાજ જ આવતો બંધ થઈ ગયો. આ કટોકટીના અતિ સંવેદનશીલ સંજોગોમાં પોલીસ માટે સાયરન અને જીપ ઉપરની લાલ ફલેશ લાઈટ પૂરક બળ સાબિત થતુ હોય છે.
જયારે કોમી તોફાનો થાય ત્યારે કેટલીક વખત અમુક ગુનેગારો તો ઠીક પણ અમુક ખાટ સવાદીયા અને ચૌદસીયાઓ પણ આ ‘તાવડી ગરમ હોય તે સાથે પોતાની સ્વાર્થની એટલે કે વાંધા-વચકાનો બદલો લેવાની રોટલી શેકી લેતા હોય છે. આ રીતે ઉંઝા હાઈવે ઉપર આવેલ પેટ્રોલ પંપ કે જેની માલીકી અને વહીવટ બહુમતી કોમની વ્યકિતનો જ હતો. પરંતુ અગાઉનો અમુક જુનો વાંધો એટલે વાંધો, કેટલાકે નકકી કરેલું કે આ વિશાળ કમઠાણમાં કોણ જોવાનું છે. ‘સુકા ભેગુ લીલુ’ આનો પણ કડદો કરીને ઘાણ કાઢી લઈએ પરંતુ કલાક ૧૦/૨૫ વાગ્યે જેવી હાઈવે પોલીસ ચોકીએ આ બાબતે ઉંઝા પોલીસ સ્ટેશનને વર્ધી અપાતી સાંભળીને તૂર્ત જ જયદેવ ઉંઝા વન લઈને હાઈવે ઉપર પેટ્રોલ પંપ ઉપર પહોચી ગયો અને મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ.
ફરીથી કલાક ૧૦/૫૦ વાગ્યે પી.એસ.ઓ.એ ઉંઝાવનને વાયરલેસથી જણાવ્યું કે દવે ચકલામાં તંગ પરિસ્થિતિ હોય તાત્કાલીક પહોચી જવું જયદેવ હજુ અર્ધા પોણા કલાક પહેલા જ દવે ચકલામાં ટોળાને વિખેરીને આવેલો, પરંતુ ત્યાં ફીકસ પોઈન્ટમાં મુકવાના જવાનો જ નહિ હોય ગામમાંથી ફરી ફરીને પીએસઓ ઉપર ટેલીફોન આવતા હતા જયદેવે દવે ચકલામા ફરીથી ચકકરડી મારી લોકોને વિખેર્યા પરંતુ ખૂબ મોડે મોડે જયદેવને એ ખ્યાલ આવેલો કે જે બાબત હાઈવે પેટ્રોલ પંપ માટેની હતી તે બાબતે જ આ તોફાની ટોળાઓ દવે ચકલામાં પણ એકઠા થતા હતા. દવે ચકલામાં કોઈ લઘુમતીનું મકાન જ હતુ નહિ ! બહુમતીમાં પણ પેટા કોમવાદ !
કલાક ૧૧/૧૫ વાગ્યે જયદેવને ફરીથી પી.એસ.ઓ.ની વર્ધી મળી કે હાઈવે ઉપર હોટલ સહારા (મકતુપુર) તાત્કાલીક પહોચી જવું આથી જયદેવ સિધ્ધપૂર રોડ ઉપર હોટલ સહારા ઉપર આવ્યો અને જોયું તો હોટલ સહારા રેઢે રેઢી ભડકે મળી રહી હતી, લગભગ કાંઈ બચ્યુ ન હતુ પરંતુ તેમાં કોઈ માણસો પણ ન હતા. અને જયદેવ પહોચ્યો ત્યાં સુધીમાં આગ લગાડનારા ટોળાઓ પણ અદ્રશ્ય થઈ ગયા હતા. તુરત જ બ્રાહ્મણ વાડા મોબાઈલ લઈને જમાદાર આવતા તેમને સુચના કરી કે તમે ફાયર ફાયટર મંગાવી આગ ઠારો કેમકે કલાક ૧૧/૧૭ વાગ્યે પીએસઓની બીજી વર્ધી આવી ગઈ હતી કે ઉંઝા વને તાત્કાલીક કોટકુવા વિસ્તારમાં પહોચવું આથી જયદેવ મારતે ઘોડે કોટકુવા આવતા ત્યાં કોટકુવા મસ્જીદ ભડકે બળતી હતી આથી જયદેવે ફાયર ફાયટર મંગાવવા તજવીજ કરી.
દરમ્યાન કલાક ૧૧/૨૫ વાગ્યે ઉનાવાથી હાઈવે મોબાઈલે ઉંઝા પોલીસ સ્ટેશનને વર્ધી પાસ કરી કે ઉનાવા મામુશાની દરગાહ ઉપર હજારથી દોઢ હજારનું ટોળુ દરગાહ તોડવાનો પ્રયત્ન કરતું હોય બીજી મોબાઈલ મોકલી આપવી !
કાંતો સંકલનનો અભાવ અથવા શોખમણ કે બીજાની મદદ કેમ માગવી, કેમકે ઉનાવા ખાતે બીજી અનેક મોબાઈલો અને અધિકારીઓ જેમાં બંદોબસ્ત ઈન્ચાર્જ પેન્થર સર પણ હતા જ ઉંઝાને બદલે તેમને જાણ કરવાની જરૂર હતી. જોકે સંકલન, નિયમો અને સિધ્ધાંતો સામાન્ય રીતે ભણવા ભણાવવા અને પુસ્તકોમાં જ આદર્શ રૂપ અને રૂપાળા જણાતા હોય છે. પણ ખરેખર વાસ્તવીક રીતે જયારે હિંસક ટોળાઓ વચ્ચે ઉગ્ર અને અફડાતફડી વાળા માહોલમાં આવુ કાંઈક સામાન્ય રીતે યાદ હોય તો પણ સામે પરિસ્થિતિ એવી હોય કે તે યાદ કરવાનો કે તેનો અમલ કરવાનો મોકો પણ મળતો નથી જોકે સંકલનના આ નિયમો સિધ્ધાંતો અને કાયદાઓનો મકકમતાપૂર્વક અમલ કરે તો અવશ્ય પણે અદભૂત પરિણામ મળે જ છે. જયારે આવા હિંસક અને મુશ્કેલ વાતાવરણમાં પોલીસ અધિકારી ઘેરાયેલા હોય ત્યારે એક જીપથી કાંઈ ફળદાયક કાર્યવાહી થઈ શકે નહિ, સિવાય કે આડેધડ ફાયરીંગ કરી લાશોનાં ઢગલા કરવા હોય તો પણ આપણા દેશમાં લોકશાહી છે તાયનામેન ચોક ચીન જેવી સરમુખત્યાર શાહી નથી કે ગમે તે કરો કોઈ પુછવા વાળુ ન હોય લોકશાહીમાં દરેક લીધેલ પગલા અને કાર્યવાહીનો હિસાબ ઈન્કવાયરી કમિશન, સીટ અથવા તો અદાલતમાં આપવાનો હોય છે. આથી આમલોકોની દ્રષ્ટિએ નહિ પણ કાયદાની દ્રષ્ટીએ પગલા લેવા પડતા હોય છે. એક એક કાર્ટીસ બૂલેટ અને અશ્રુવાયુંના ટોટા ફોડયાના હિસાબ આપવાના હોય છે. આવા સંજોગોમાં બીજી પૂરક મદદ લેવી જ પડે, જો મળે તો ! નહિ તો ભગવાન ભરોસે કાંતો શહીદ થાવ કાં કોઈને શહીદ કરો અથવા તો મેદાન છોડી રણછોડ બનો અથવા કાયર બનોકે પ્રેક્ષક બનો. અથવા યુકિતપૂર્વકનો જો બને તો વચગાળાનો કાંઈક રસ્તો કાઢો પણ તે તમારા જોખમે જ !
આથી હાઈવે મોબાઈલે મદદ માટે ઉંઝા પોલીસ સ્ટેશનની મદદ માગી તેને બદલે સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારના બંદોબસ્ત ઈન્ચાર્જ પેન્થર સર વિશાળ કાફલો લઈને ઉનાવામાં જ હ તા. તેમને જાણ કરવાની જરૂરત હતી.
પરંતુ વાસ્તવીક હકિકત કાંઈક જુદી જ હતી ઉંઝા ઓપરેટરે કલાક ૧૧/૩૦ વાગ્યે ઉનાવા ચોકીનો વારંવાર સંપર્ક કરવા છતા ઉનાવા નોરીપ્લાય થતુ હતુ. આથી ઉનાવામાં કાંઈક અમંગળ ઘટનાઓ બનવાની જયદેવને શંકા થઈ. આથી કદાચ ઉનાવા જવું પડે તેની પૂર્વ તૈયારી રૂપે તેણે તેની જીપમાં જે એક એકજીકયુટીવ મેજીસ્ટ્રેટની નિમણુંક હતી તે સવારથી જ આવ્યા નહતા તેથી તે મેળવી લેવા માટે મામલતદાર ઉંઝાને અન્ય કોઈ એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ તાત્કાલીક મોકલવા માટે વાયરલેસથી જાણ કરવા ઉંઝા ઓપરેટરને કલાક ૧૧/૪૦ વાગ્યે જાણ કરતી વર્ધી આપી.