અબતક,રાજકોટ
ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અને રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજકોટ જિલ્લા મથક તથા તાલુકા મથકોએ આવેલી તમામ અદાલતોમાં તા. 12 ને શનિવારના રોજ મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.આ લોક-અદાલતમાં દાખલ થયેલા અને અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાંના પ્રિલિટિગેશન કેસો હાથ પર લેવામાં આવશે.
જેમાં ફોજદારી સમાધાનલાયક , નેગોશિએબલ એકટની, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતરને લગતા , લગ્નવિષયક , મજુર અદાલતના, જમીન સંપાદનને લગતા, ઈલેકટ્રીસિટી તથા પાણીના બિલોને લગતા, રેવન્યુ, દિવાની પ્રકારના અને અન્ય સમાધાનલાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે
, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય કે પરાજય નહીં તેવી પરિસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુક્ત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી. જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તા. 12,03,ર0રર ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રિય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓના કેસ લોક-અદાલતમાં મુકાવી સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.