મેરેથોનનો રૂપિયા ૯૯ લાખનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગે પેન્ડીંગ રાખી તપાસ બેસાડતા મ્યુનિ.કમિશનરને લીધો નિર્ણય
રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી યોજાતી અને એશિયામાં બીજા નંબરની સૌથી મોટી મેરેથોન બનવાનું બહુમાન ધરાવતી રાજકોટ મેરેથોન હવે આવતા વર્ષથી નહીં યોજવાનો આકરો નિર્ણય મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા લેવામાં આવ્યો હોવાનું અત્યંત વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ગત ૧૮મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી રાજકોટ ફુલ મેરેથોન માટે થયેલું રૂ.૯૯ લાખનો ખર્ચ મંજુર કરવા માટે તાજેતરમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી હતી. મેરેથોનમાં સેફટી પીન પાછળ રૂ.૨.૬૫ લાખ અને મંડપ સર્વિસના રૂ.૪૩ લાખ જેવો ખર્ચ શંકાસ્પદ જણાતા સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચ મંજુરીની દરખાસ્ત પેન્ડીંગ રાખી હતી અને ઓડિટ શાખાને ખર્ચ અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ મેરેથોનમાં થયેલા આડેધડ ખર્ચ અંગે તપાસ કરવાની માંગણી કરી હતી જેને પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ એક લેટરમાં એવું નોટીંગ કરી સંબંધિત શાખા તરફ રવાના કર્યું છે કે વર્ષ ૨૦૧૯ થી રાજકોટ મેરેથોનનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા વર્ષ ૨૦૧૬માં પ્રથમ વખત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત ૨૧ કિલોમીટરની હાફ મેરેથોન યોજવામાં આવી હતી જયારે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં ૪૨ કિલોમીટરની ફુલ મેરેથોનનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
રાજકોટ મેરેથોનને ઈન્ટરનેશનલ ઓલ્મ્પીક સંઘ દ્વારા માન્યતા પણ આપી દેવામાં આવી છે આટલું જ નહીં એશિયામાં બીજા નંબરની સૌથી મોટી મેરેથોનનું બહુમાન પણ ધરાવે છે. મેરેથોન પાછળ થતા ખર્ચ શંકાસ્પદ જણાતા હોય અને તપાસના આદેશ આપવામાં આવ્યા હોય તેનાથી વ્યથિત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વર્ષ ૨૦૧૯થી રાજકોટ મેરેથોન નહીં યોજવાનો આકરો નિર્ણય લીધો છે.