મુમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સવન રાજકોટ મેરેથોન -૨૦૧૯ને ફલેગ ઓફ: રાજકોટ દોડયુ
બાળકો, યુવાનો અને વયસ્કો મળી કુલ ૩૫ હજારથી વધુ દોડવીરોએ મેરેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો શરદઋતુની સોહામણી સવારે ૬ કલાકે સ્વાસ્થયપ્રિય હજારો રાજકોટવાસીઓની મેદનીથી ભરચક રેસકોર્ષના મેદાનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે સવન રાજકોટ મેરેથોન-૨૦૧૯નો ફલેગઓફ આપી પ્રારંભ કરાવાયો હતો. ૫ કિ.મી., ૧૦ કિ.મી. અને ૨૧ કિ.મી. એમ ત્રણ કેટેગરીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ પોલીસ તંત્ર અને રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનના સંયુકત ઉપક્રમે આયોજિત આ મેરેથોન-૨૦૧૯માં પ્રથમ ૨૧ કિ.મી. ત્યાર બાદ ૧૦ કિ.મી. અને ૫ કિ.મી. કેટેગરીના દોડવિરોને ફલેગઓફ આપી દોડનો પ્રારંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ વિશેષ મંચ પરથી ફલેગ ઓફ આપી ઉત્સાહસભર ભાગ લઇ રહેલા ૯૦૦થી વધુ દિવ્યાંગ દોડવીરોને દોડનો પ્રારંભ કરાવી તેઓના ઉત્સાહને દ્વિગુણીત કર્યો હતો.
મેરેથોન-૨૦૧૯નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે મેરેથોન દોડ એ એકતાનું પ્રતિક છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફીટ ઇન્ડીયા અભિયાન અને સ્વસ્થ ભારત તંદુરસ્ત ભારતના મંત્રને મૂર્તિમંત કરતા આ રાજકોટ મેરેથોનમાં સમગ્ર રાજકોટની જનતાને વહેલી સવારે સહયોગી બનાવી દોડમાં સામેલ કરવા બદલ આયોજકોને બિરદાવ્યા હતા. આ તકે રોટરી કલબ ઓડ મીડટાઉન દ્વારા કરવામાં આવતી કામગીરીને વર્ણવતા તેઓએ રાજકોટને મેરેથોન દોડના આયોજનમાં સહયોગ બનવા બદલ અભિનંદન આપ્યા હતા. દેશના સૌથી વધુ વિકાસ પામી રહેલા દસ શહેરોમાં રાજકોટનું નામ અંકિત છે,તે ગૌરવની બાબત છે. આ મેરેથોન દોડ થકી રાજકોટે એક આગવી ઓળખ ઉભી કરી છે. મેરેથોન દોડએ લોકોમાં આત્મવિશ્વાસ જગાવે છે. સ્માર્ટ રાજકોટ, વાયબ્રન્ટ રાજકોટ હવે દોડતું રાજકોટ બન્યું છે. દોડ, વ્યાયામ, યોગ થકી સ્વાસ્થયપ્રદ જીવન અને સમાજ બનવાથી રાજકોટ શહેર, રાજય અને સમગ્ર દેશના વિકાસને પ્રેરક બળ મળશે. તેઓએ આ તકે દોડમાં ભાગ લેનાર તમામ ૩૫ હજારથી વધુ દોડવીરોને શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ સ્માર્ટ રાજકોટ સીટીના શહેરીજનોને મેરથોન-૨૦૧૯માં ઉત્સાહપૂર્ણ ભાગ લેવા બદલ અભિનંદન પાઠવતાં આવા કાર્યક્રમો થકી સમાજમાં એકતા અને સ્વાસ્થય પ્રત્યે જાગૃતિ ફેલાય છે તેમ ઉમેર્યું હતું. પ્રારંભમાં દિપ પ્રગાટય વડે કાર્યક્રમનો શુભારંભ કરવતા મુખ્યમંત્રી રૂપાણીનું રોટરીકલબ ઓફ મિડટાઉન રાજકોટના પ્રમુખ જીજ્ઞેશભાઇ અમૃતિયાએ બુકસના ખાસ બનાવેલા બુકેથી સ્વાગત કરી સૌ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કર્યુ હતું. જયારે રોટરી કલબના આયોજક સમિતિના દિવ્યેશ અઘેરાએ મેરેથોન-૨૦૧૯ની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવીંદભાઇ પટેલ, અરવીંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મ્યુનિસિપલ ફાઇનાનસ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, કાર્યકારી કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા, ક્રિકેટર જયદેવ ઉનડકટ, ડેપ્યુટી મેયર અશ્વીન મોલીયા, મ્યુનિસિપલ શાસક પક્ષ્રના પ્રમુખ દલસુખભાઇ જાગાણી, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પેથાાણી સહિત કોર્પોરેશનની વિવિધ સમિતિના ચેરમેનઓ, સભ્યો, રોટરી કલબ ઓફ મિડટાઉનના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં દોડવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
મેરેથોનમાં નાનાથી લઇ મોટા જોડાયા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
રોટલ કલબ દ્વારા આયોજીત રાજકોટ મેરેથોન ડાયાલીટસના દર્દીઓના લાભાર્થે યોજાઇ છે. રાજકોટમાં આજે ૪૦ હજારથી વધુ લોકો આ મેરેથોનમાં ભાગ લીધો છે. નાના મોટા દિવ્યાંગ દરેક સમાજ દરેક વર્ગના લોકો વેપારીથી માંડીએ ખેડુત બધા લોકોએ આ મેરેથોનમાં ભાગ લીધો છે. એકતાના પ્રતિક રુપે આ મેરેથોનનું આયોજન થયું છે.
લોકોમાં ખુબ જ ઉત્સાહ: દિવ્યેશ અધેરા
દિવ્યેશ અધેરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોર્પોરેશનના સહયોગથી રોટરી મીડટાઉન દ્વારા ખુબ સરસ આયોજન થયું છે. ઉત્સાહ ખુબ છે. આ વખતે જે ઇનામ મળવાના છે. તે ફકત ભારતીયો ને જ મળશે એ નવું છે. તથા રાજકોટના દોડવીરો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. રોટરીનું રાજકોટ માટે જે સ્વાસ્થ્ય માટેનું પ્રદાન છે.
મહિલાઓએ દરરોજ એક કલાક દોડવું જોઇએ: સ્પર્ધક
ત્રિસાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે લોકો ઉમિયા ગ્રુપ તરફથી આવ્યા છીએ. આપણે દોડવું જોઇએ આપણી હેલ્થ માટે બહુ સારું છે. ખાસ તો મહિલાઓએ એક કલાક તો રોજે દોડવું જોઇએ. પોતાનું સ્વાસ્થ્ય સારુ હશે તો પરિવારનું સ્વાસ્થય સારુ રાખી રાખશે.
વહેલી સવારે લોકોને બહાર આવતા જોઇ ખુબ જ આનંદ થયો: જયદેવ ઉનડકટ
જયદેવ ઉનડકટ એ જણાવ્યું હતું કે રાજકોટમાં વહેલી સવારે લોકોને બહાર આવતા જોઇને ખુબ આનંદ થાય છે. મેરેથોન લોકોની જાગૃતતા માટે ખુબ સારી છે. જા જા લોકો આ મેરેથોનમાં જોડાયા છે. તે સારી વાત છે. વાતાવરણ પણ દોડવા માટેનું સારું છે. આયોજકોનો હેતુ પણ ખુબ સારો છે.
ફીટ ઇન્ડિયાનો સંકલ્પ પૂર્ણ થતો જાય છે: અશ્વિનભાઇ મોલીયા
અશ્ર્વિનભાઇ મોલીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રોટરી કલબ અને રાજકોટ મહાનગર પાલીકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં ૩૦ થી ૩૫ હજાર લોકો જોડાયા છે. આ મેરેથોન દોડથી ફીટ ઇન્ડિયા નો સંકલ્પ પૂર્ણ થતો જાય છે. રાજકોટવાસીઓને ભાગ લેવા બદલ ખુબ ખુબ શુભેચ્છા.
અમે ગોંડલથી મેરેથોનમાં ભાગ લેવા આવ્યા: સ્પર્ધક
કુલદીપએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ગ્રુપનું નામ ગોંડલ રનર્સ છે. અમે લોકો ગોંડલથી મેરેથોનમાં ભાગ લેવા આવ્યા છીએ. ૧૦૬ લોકો એ ગોંડલથી રજીસ્ટ્રેશન કરાવેલ છે. અમે આ ર૧ કિલોમીટરની દોડ અઢીથી ત્રણ કલાકમાં પુરુ કરવાનો ટાર્ગેટ છે.
મેરેથોન એ એકતાની દોડ છે: સાંસદ મોહનભાઇ કુંડારિયા
સાંસદ મોહનભાઇ કુંડારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે એકતા અને સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ સાથે દોડી રાજકોટની એકતા દર્શાવે તે માટેનો આ કાર્યક્રમ છે.
મેરેથોનથી સ્વાસ્થ્ય માટેની જાગૃતિ વધે છે: સ્ટે. કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ
ઉદય કાનગડ એ ‘અબતક ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ત્રિજી વખત મેરથોનનું આયોજન થયેલ છે. બે વખત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન આ વખતે રોટરી કલબ તથા રાજકોટ પોલીસ અને કોર્પોરેશનના સહયોગથી આ આયોજન થયું છે. રાજકોટના ૪૦ થી પ૦ હજાર લોકો મેરેથોનમાં ભાગ લીધો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉ૫સ્થિત રહેવાના છે. એ ખુબ સારી વાત છે. લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે. આ મેરેથોનથી એ લોકોમાં પોતાના સ્વાસ્થ્ય માટેની અવેરનેશ વધે છે. તેનું ઉદાહરણ છે.
દોડમાં બાળકોથી લઇ વૃઘ્ધો જોડાયા: ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી
ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ખાતે યોજાયેલી આ મેરેથોનમાં નાના બાળકોથી લઇ વૃઘ્ધો બધા જોડાયા છે. રાજકોટનું સમગ્ર વાતાવરણ દોડનું બની ગયેલ છે. મોટી સંખ્યામાં લોકો દોડમાં જોડાયા છે.