- મહારાષ્ટ્રનો તાજ કોના શિરે? સાંજે ફેંસલો
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર સાથે બેઠક કરશે: મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મહાયુતીમાં હલચલ તેજ
મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)ના મહાયુતી ગઠબંધનને પ્રચંડ જનાદેશ મળ્યો છે. 288 બેઠકોમાંથી 230 બેઠકો પર મહાયુતીના ઉમેદવારની જીત થઇ છે. ચૂંટણી પરિણામના છ દિવસ પછી પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફાઇનલ થઇ શક્યા નથી. કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગઇકાલે સત્તાવાર રિતે એવી ઘોષણા કરી દીધી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મહારાષ્ટ્ર માટે જે કંઇ નિર્ણય લેશે તે મને મંજૂર છે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા માટે ભાજપને મોકળુ મેદાન મળી ગયું છે. નવા સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસ હાલ ફ્રન્ટ રનર મનાય રહ્યા છે. પરંતુ ભાજપ એમપી અને રાજસ્થાનની માફક મહારાષ્ટ્રમાં પણ સરપ્રાઇઝ આપી શકે છે. ગત મધરાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે સાથે મેરેથોન બેઠક યોજી હતી. આજે સાંજે ભાજપ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની ઘોષણા કરવામાં આવે તેવી પુરેપુરી સંભાવના જણાય રહી છે. આવતીકાલે અથવા શનિવારે નવી સરકારની શપથવિધી યોજાઇ શકે છે.
મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગઇકાલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દેતા હવે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદે કોને બેસાડવા તેના માટે ભાજપને મોકળુ મેદાન મળી ગયું છે. દરમિયાન ગત મધરાત્રે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે વચ્ચે મેરેથોન બેઠક યોજાઇ હતી. દરમિયાન આજે બપોરે મહાયુતીની બેઠક પૂર્ણ અમિતભાઇ ભાજપના મહા સચિવો સાથે બેઠક કરશે ત્યારબાદ સાંજે 4:00 કલાકે મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે બેઠક યોજાશે. આ બેઠક પૂર્ણ થયા બાદ સાંજે 5:30 કલાકે મહાયુતીની બેઠક યોજાશે. જેમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર સાથે બેઠક કરશે. આ બેઠક બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
હેમંત શોરેન આજે લેશે મુખ્યમંત્રી તરીકે શપથ
ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં ઝારખંડ મુકિત મોરચા અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતિ મળી છે. દરમિયાન આજે સાંજે 4 કલાકે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચોથી વખત હેમંત શોરેન શપથ લેશે. આજે તેઓ એકલા જ શપથ ગ્રહણ કરશે. મંત્રી મંડળના સભ્યો આવતીકાલે અથવા શનિવારે શપથ ગ્રહણ કરે તેવું માનવામાં આવે છે. તાજેતરમાં હેમંત શોરેન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા જો કે તેઓએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
પ્રિયંકા ગાંધીએ લીધા સાંસદ તરીકે શપથ
કેરળની વાયનાડ લોકસભાની પેટા ચુંટણીમાં પ્રિયંકા ગાંધી – વાડરા જંગી લીડ સાથે સાંસદ તરીકે ચુંટાય આવ્યા છે. દરમિયાન આજે તેઓએ સાંસદ તરીકે વિધિવત શપથ લીધા હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તેઓને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. અત્રે ઉલ્લેનનીય છે કે પ્રિયંકા ગાંધી વાડરા પ્રથમવાર સાંસદ તરીકે ચુંટાયા છે. ગાંધી પરિવારના ત્રણેય સભ્યો હવે સાંસદ બની ગયા છે. સોનીયા ગાંધી રાજયસભાના જયારે રાહુલ અને પ્રિયંકા લોકસભાના સાંસદ છે.