શનિવારે મોડી રાત્રે માઓવાદીઓએ ર્ક્યો આઈઈડી બ્લાસ્ટ: પેટ્રોલીંગ કરી રહેલા કોબ્રા કમાન્ડોને બનાવ્યા નિશાન
શુકમાના ચિંતા ગુફા ખાતે શનિવારે મોડી રાત્રે થયેલા આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફના કોબ્રા યુનિટના એક કમાન્ડો શહિદ થયા છે. જ્યારે ૯ કમાન્ડો ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. મુળ નાસીકના આસીસ્ટન્ટ કમાન્ડન્ટ નીતિન ભાલેરાવ આઈઈડી બ્લાસ્ટમાં શહિત થયા છે તેવું સત્તાવાર રીતે બસ્તર રેન્જના આઈજીપી સુંદર રાજે કહ્યું હતું.
છત્તીસગઢ ખાતે માઓવાદીઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. માઓવાદીઓ બેફામ બની રહ્યાં છે ત્યારે શુકમા ખાતે ફરજ બજાવતી સીઆરપીએફની કોબ્રા બટાલીયન પર શનિવારે મોડી રાત્રે માઓવાદીઓ દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સેનાના એક વીર જવાન શહિદ થયા છે. જ્યારે ૯ જેટલા કમાન્ડો ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. કોબ્રા બટાલીયનની ૨૦૬ જવાનોની જોઈન્ટ ફોર્સ, સ્ટેટ સ્પેશીયલ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટ્રીકટ રીઝર્વ ગાર્ડસના જવાનો ચિંતલનર, બુર્કાપાલ અને ચિંતા ગુફા વિસ્તારમાં કોમ્બીંગ કરી રહ્યાં હતા તે સમયે બ્લાસ્ટ થયો હતો.
સુંદર રાજે કહ્યું હતું કે, જ્યારે સેનાના જવાનો પેટ્રોલીંગ પૂરું કરી બેઝ કેમ્પ ખાતે પરત ફરી રહ્યાં હતા તે સમયે અરબરાજમેતા હિલ્સ ખાતે આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જવાનો ઈજાગ્રસ્થ થયા છે. ઘટના સ્થળથી ચિંતા ગુફા પોલીસ મથક ૯ કિ.મી.ના અંતરે હતું જ્યારે બુર્કાપાલ બેઝ કેમ્પ ૬ કિ.મી.ના અંતરે હતું. ઘટના બાદ રેસ્ક્યુ પાર્ટીઓ તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ ચિંતલનાર ફિલ્ડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામ જવાનોને રાયપુર ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા. બે જવાનોની સારવાર સુકમાં ખાતે કરવામાં આવી હતી. સુંદર રાજે દુ:ખ વ્યકત કરતા કહ્યું હતું કે, કમનસીબે ભાલેરાવને બચાવી શકાયા નથી. તેમણે રવિવારે આશરે ૩:૩૦એ તેમનો અંતિમ શ્ર્વાસ લીધો હતો. જ્યારે તેમને સારવાર અર્થે રાયપુર લઈ જવાયા હતા. હાલના તબક્કે તમામ ઈજાગ્રસ્ત જવાનોની સ્થિતિ કાબુમાં છે અને તેઓ ખતરાની બહાર છે.
ઘટનાની જાણ થતાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે શહિદને શ્રધ્ધાંજલી પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, મારી હૃદયપૂર્વકની ભાવનાઓ વીર જવાનના પરિવાર સાથે જોડાયેલી છે. ઈશ્ર્વર તેમના પરિવારને આ સંકટના સમયે શક્તિ આપે. તેમજ તમામ ઈજાગ્રસ્ત જવાનો વહેલી તકે સ્વસ્થ થાય તેવી હું ઈશ્ર્વરને પ્રાર્થના કરૂ છું.
મામલામાં સીઆરપીએફના ડાયરેકટર જનરલ એ.પી.મહેશ્ર્વરીએ કહ્યું હતું કે, સીઆરપીએફના તમામ જવાનો શહિદના પરિવાર સાથે ખભેથી ખભ્ભો મિલાવી સાથે રહેશે. મામલામાં મેં છત્તીસગઢના ગૃહમંત્રી તામરાદ્વાજ શાહુ, રાજ્યના ડીજીપી ડી.એમ.અવસ્થી અને બીએસએફ તેમજ સશસ્ત્ર સીમાબળના અધિકારીઓ સાથે બેઠક કરી છે. માઓવાદીઓના આતંકને નાથવા તમામ સેનાની પાંખો સંયુક્ત ઓપરેશન હાથ ધરશે. છત્તીસગઢની સીમામાંથી માઓવાદીઓને સંપૂર્ણપણે નાબુદ કરી દેવા અમે તત્પર છીએ.