જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સાંસદ અને ધારાસભ્યો તેમજ વિવિધ વિભાગો પાસેથી કામોના સૂચનો પણ મંગાવ્યા
કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં સેનેટરી વેન્ડિંગ મશીન મુકાશે: આંગણવાડીના કામ અને બેટી બચાવો-બેટી પઢાઓ અંગે જાગૃતિ લાવવાના કામ પણ હાથ ધરાશે
પીવાના પાણી, શિક્ષણ, હેલ્થ, પર્યાવરણ, સ્કીલ ડેવલપમેન્ટ, વડીલો – દિવ્યાંગો, બાળકો – મહિલાઓને લગતા કામોને પ્રાધાન્ય અપાશે
અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લામાં આયોજનની ગ્રાન્ટમાંથી અનેક કલ્યાણકારી કામો થશે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સાંસદ અને ધારાસભ્યો તેમજ વિવિધ વિભાગો પાસેથી કામોના સૂચનો પણ મંગાવ્યા છે. જેના આધારે પીવાના પાણી, શિક્ષણ, હેલ્થ, પર્યાવરણ, સ્કીલ ડેવલપમેન્ટ, વડીલો – દિવ્યાંગો, બાળકો – મહિલાઓને લગતા કામોને પ્રાધાન્ય આપી વિકાસકામોને મંજૂરી આપવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ તેમજ ધારાસભ્યો પાસેથી આયોજનની ગ્રાન્ટમાંથી કરવામાં આવનાર વિકાસ કમો અંગે સૂચન મંગાવવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 46 જેટલા કામો અંગે સૂચનો મળ્યા છે. જીલ્લામાં આયોજનની ગ્રાન્ટમાંથી પીવાના પાણી, શિક્ષણ, હેલ્થ, પર્યાવરણ, સ્કીલ ડેવલપમેન્ટ, વડીલો – દિવ્યાંગો, બાળકો – મહિલાઓને લગતા કામોને પ્રાધાન્ય અપાશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે સરકારી શાળાઓના બાળકો ગણિત વિજ્ઞાનમાં નિપુણ બની શકે તે માટે ગ્રામ્યની 40 સરકારી શાળાઓને સ્ટેમ કીટ અપાશે. સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ. પ્રથમ તબક્કામાં 40 શાળાઓને આ કીટ આપવામાં આવશે. ત્યારબાદ વધુ શાળાઓને કીટ આપવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં સેનેટરી વેન્ડિંગ મશીન મુકાશે. આંગણવાડીના કામો થાય પણ કરાશે. આ માટે આંગણવાડી વિભાગમાંથી જરૂર હોય તેવા કામોના સૂચન મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બેટી બચાવો-બેટી પઢાઓ અંગે જાગૃતિ લાવવાના કામ પણ હાથ ધરાશે.