નવાબના સમયમાં ગીરમાં કેરીની અધધધ 200 જાત પકવવામાં આવતી, પણ કેસરની જ લોકપ્રિયતા જળવાઈ રહેતા અનેક જાતો હવે લુપ્ત
સૌરાષ્ટ્રમાં કેરી તો ઘણી જાતની પાકે છે પણ કેસર તો કેસર જ છે. નવાબના સમયમાં ગીરમાં કેરીની અધધધ 200 જાત પકવવામાં આવતી, પણ કેસરની જ લોકપ્રિયતા જળવાઈ રહેતા અનેક જાતો હવે લુપ્ત થઈ છે.
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, જો કે આ ઉપનામ તેને એમ જ નથી મળ્યું. કેરીની ખુશ્બુ જ એટલી સરસ હોય છે કે જોતા જ મોંમાં પાણી આવી જાય. કેરી એકમાત્ર એવુ ફળ છે જેના એક કે બે નહીં પરંતુ અઢળક પ્રકાર છે, જેમ કે કેસર, તોતાપુરી, રત્નાગીરી હાફૂસ, અલ્ફાન્ઝો, બદામ, બારમાસી, લંગડો, પાયરી, દશહેરી કેરી વગેરે… પણ અત્યારે કેસર કેરી જ હોટફેવરિટ છે.
ધારી તાલુકામાં આવેલા દિતલા ગામના કેસર કેરીના ખેડૂત ઉકાભાઈ ભટ્ટી, જેમની ઉંમર 70 વર્ષની આસપાસ છે, તેમણે એક જ આંબામાં અલગ-અલગ ડાળીઓ પર અલગ-અલગ પ્રકારની 14 કેરીઓ ઉગાડી છે. પોતાના ઘરના આંગણામાં ઉગાડેલ આ જાદુઈ આંબામાં હોળીથી દિવાળી સુધી ફળ આવે છે!
ભટ્ટીએ જૂનાગઢના નવાબ કાળમાં ઉગાડવામાં આવતી જાત સાથે વૃક્ષની ખેતી કરી હતી જેમ કે, નાળિયેરો, ગુલાબીયો, સિંદુરિયો, દાડમો, કાળો જમાદાર, કેપ્ટન, પાઈલોટ, વરીયાળીયો, બદામ, સરદાર, શ્રાવણિયો, અષાઢીયો. ‘નવાબોના રાજમાં કેરીની 200થી વધુ જાત ઉગાડવામાં આવતી હતી. તેમાંથી અત્યારસુધીમાં માત્ર કેસર બચી છે’, તેમ ભટ્ટીએ જણાવ્યું હતું,
‘હું આ આગામી પેઢી માટે કરી રહ્યો છું, જેમણે આપણા પ્રદેશમાં કેરીની સમૃદ્ધ જાતો વિશે અજાણ ન હોવું જોઈએ. મેં ઘરે જ તેની ખેતી કરી છે અને આ ફળ વેચાણ માટે નથી, કારણ કે દરેક જાતની ઉપજ માત્ર થોડા કિલો છે. તે ફક્ત મારા પરિવાર માટે છે’, તેમ ભટ્ટીએ જણાવ્યું હતું. આ સાથે ઉમેર્યું હતું કે, આશરે ચાર દશકા પહેલા તેમની પાસે 44 જાતો ધરાવતો આંબો હતો, પરંતુ કુદરતી રીતે તેનો નાશ થયો હતો.
ભટ્ટીએ બાગાયતની કલમ પદ્ધતિનો ઉપયોગ કરીને આ અનેક જાતોની ખેતી કરી છે. આ પ્રક્રિયામાં, એક રુટ સિસ્ટમનો ઉપયોગ કરીને એક વૃક્ષ પર ઘણા બધા છોડ ઉગાડી શકાય છે. ખેડૂત છેલ્લા છ વર્ષથી આ વૃક્ષનો ઉછેર કરે છે. તેઓ આ આંબામાં વધુ પ્રકાર ઉમેરવા માગે છે. તેઓ નવી પ્રજાતિ શોધવા માટે દેશના કોઈ પણ ભાગમાં જવા માટે હંમેશા તૈયાર રહે છે.
ઉકાભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે ‘મેં એક પુસ્તક વાંચ્યું હતું જેમાં મને કેરીની કેટલીક દેશી જાતોના નામ મળ્યા હતા, જે હવે લુપ્ત થઈ ગઈ છે. મેં તે જાતો માટે દેશના વિવિધ ભાગોમાં શોધ કરી હતી, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાનની કૃષિ વિદ્યાપીઠ અને ડાંગના જંગલ વિસ્તારો પણ સામેલ છે. મને કેટલીક જાતો મળી હતી, પરંતુ અમુકના કોઈ જાણીતા નામ નહોતા’. તેથી આ ખેડૂતે સ્ટાઈલના આધારે નામ આપ્યું હતું- જેમ કે જો તે થોડું કઠણ હોય તો કેપ્ટન નામ આપ્યું અથવા જો છાલ કાળી હોય તો તેને કાળો જમાદાર નામ દીધું. ભટ્ટીના જણાવ્યા પ્રમાણે, સુંદરતા એ છે કે દરેક જાત અલગ-અલગ સમયે ફળ આપે છે. જેમ કે, કેટલીક જાતના ફળ સીઝનમાં વહેલા આવવાનું શરૂ થાય છે, જ્યારે અન્ય મોડા આવે છે. તેથી, આ આંબો હોળીથી દિવાળી સુધી ફળ આપે છે. ગુજરાતમાં ગીર પ્રદેશ કેસર કેરીનું હબ છે.