કોરોનાના વધતા જતા કેસોને લઈને વિવિધ રાજ્યોની સરકાર ચિંતિત, કેન્દ્ર ફરી લોકડાઉનની વિરુદ્ધમાં છતાં રાજ્ય સરકારો લઈ રહી છે ટૂંકા લોકડાઉનના નિર્ણયો
ગુજરાતમાં પણ કોરોના ચિંતાજનક સપાટીએ, બેથી ત્રણ દિવસના લોકડાઉનનો દૌર શરૂ કરાઇ તો નવાઈ નહિ!!
દેશભરમાં કોરોનાં હાહાકાર મચાવી રહ્યો છે. જે રાજ્યોમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ત્યાં રાજ્ય સરકારો દ્વારા ફરી લોકડાઉન લાદવાના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકાર ફરી લોકડાઉન અમલમાં મુકવાના વિરોધમાં હોય તેવુ જણાઈ રહ્યું છે પરંતુ રાજ્ય સરકારો પોતાની રીતે ટૂંકા લોકડાઉન જાહેર કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ટૂંકા લોકડાઉનના દૌર ચાલે તો નવાઈ નહિ.
દેશમાં કોરોનાના કેસ ૯ લાખ સુધી પહોંચી ગયા છે. અને હવે ફરી એક વખત લોકડાઉનનો દોર પાછો ફરી રહ્યો હોવાના નિર્દેશો મળી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ફરી લોકડાઉન અમલમાં મુકશે નહિ. આમ હવે એતો સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્ર સરકાર હવે લોકડાઉન લાદવાની નથી. પરંતુ કોરોનાના વધતા જતા કહેરને ધ્યાને લઈને ચિંતામાં ડૂબેલી રાજ્ય સરકારો પોતાની રીતે લોકડાઉનના નિર્ણયો લઈ રહી છે.
મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન જાહેર થયું છે. બિહારમાં પણ ફરી લોકડાઉન લાદવાનું ફાઇનલ જેવું જ છે. આ સાથે ગોવાએ પણ આજે જ જાહેરાત કરી છે કે ત્રણ દિવસનું લોકડાઉન અમલમાં આવશે. આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ લોકડાઉન અમલમાં રહેશે. આ નિર્ણય ગોવાની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.
અનેકવિધ રાજ્યોમાં કોરોના રીતસરનો હાહાકાર મચાવી રહ્યો છે. જેના પગલે વિવિધ રાજ્યોએ પોતાની રીતે લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લઈ લીધો છે. જો કે હવેના લોકડાઉન અગાઉ જેટલા લાંબા નથી રાખવામાં આવતા. હવે રાજ્યો દ્વારા બેથી પાંચ દિવસના જ લોકડાઉન અમલમાં આવી રહ્યા છે. આમ લોકડાઉનનું નવું સ્વરૂપ લાગુ થઈ રહ્યું છે.
હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે વિવિધ રાજ્યો લોકડાઉનની દિશા તરફ છે. ત્યારે ગુજરાત રાજ્ય આમાંથી બાકાત કેમ રહેશે? કારણકે ગુજરાતમાં પણ કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. અનેક દર્દીઓનું મૃત્યુ પણ નિપજી રહ્યું છે. સામે નાગરીકો પણ લાપરવાહ બનીને ભીડભાડ વાળી જગ્યાઓ પર બિન્દાસ્ત હરિ ફરી રહ્યા છે. ત્યારે હવે મોટો કોરોના વિસ્ફોટ ન થાય તે માટે ટૂંકું લોકડાઉન રાજ્યમાં અમલી બને તો નવાઈ નહિ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં અનેક સંગઠનો જાગૃતતા બતાવીને આગળ પણ આવ્યા છે. વિવિધ વેપારી સંગઠનોએ સમાજ અને પોતાની સુરક્ષા માટે સ્વૈચ્છિક બંઘના નિર્ણયો લીધા છે. નાના નાના શહેરોમાં પણ બજારો અડધો દિવસ સ્વૈચ્છીક બંધ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને મોરબીના ક્લોક ઉદ્યોગ અને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગે તો સામે ચાલીને લોકડાઉન જ જાહેર કરી દીધું છે.