સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકતરફ તમામ વર્ગ અને વર્ણના લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વ ઉજવ્યો છે ત્યારે બીજી બાજુ અનેક જિલ્લાઓમાં કરુણ ઘટના બન્યાનું પણ સામે આવ્યું છે. ક્યાંક ઘાતક દોરીના લીધે જીવ ગુમાવ્યાની તો ક્યાંક ધાબા પરથી પટકાઈ જવાની ઘટનાએ કરુણાંતિકા સર્જયાનું સામે આવ્યું છે.સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટની જો વાત કરવામાં આવે તો શહેરના ગોંડલ રોડ પર આવેલી રાધા મીરા ઇન્ડસ્ટ્રી નામના કારખાનામાં રહેતો 25 વર્ષીય દીપેન્દ્ર તીરથરામ બોડિયા નામનો યુવાન ગંજીવાડા વિસ્તારમાં નકળંગ પ્રોવિઝન સ્ટોરવાળી ઇમારતના ત્રીજા માળેથી પટકાતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

રાજકોટ-ભાવનગરમાં ધાબેથી પડતા બે યુવાનો મોતને ભેંટ્યા : એક તરુણને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું

રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ વિસ્તારમાં પતંગ લૂંટી રહેલા બાળકને કારે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયો હતો.બાળકને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો.

જેતપુરના અન્ય એક બનાવમાં જાગૃતિ નગરમાં રહેતા 40 વર્ષીય યુવક સંતોષ સીતારામ યાદવને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું જેતપુરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું હતું. ઘાતક ચાઈનીઝ દોરીથી જેતપુરમાં અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા તેમ છતાં તંત્રએ ચુપકીદી સાધી છે. અન્ય બનાવમાં ભાવનગરના માધવાનંદ સોસાયટીમાં રહેતા બે સગાભાઈઓને પતંગ લૂંટવા જતાં વીજલાઈનના સંપર્કમાં આવી જતાં એક તરુણનું મોત નીપજ્યું છે

જયારે બીજો હાલ સારવાર હેઠળ છે. બનાવની વિગત મુજબ બપોરના આશરે 2 વાગ્યાની આસપાસ અરુણ રામજી ચૌહાણ નામનો 15 વર્ષીય યુવાન તેના સગાભાઈ સુનિલ રામજી ચૌહાણ ઉ.વ. 18 વાળા સાથે બપોરે બે વાગ્યાંની આસપાસ ધાબા પર પતંગ લૂંટવા જતાં બાજુમાંથી પસાર થતી વીજ લાઈનનો સંપર્ક થઇ જતાં બંને ભાઈઓને વીજ કરંટ લાગ્યો હતો. જે બાદ બંનેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 15 વર્ષીય આશાસ્પદ તરુણ અરુણ રામજી ચૌહાણને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો જયારે સુનિલ ચૌહાણ હાલ સારવાર હેઠળ હોવાની માહિતી મળી છે. એક જ પરીવારના બે યુવાનો સાથે આ પ્રકારની ઘટના બનતા પરીવારનો શોકમાં ગરકાવ થઇ ગયો છે.

અન્ય ઘટના શિહોર તાલુકાના સણોસરા ગામની છે જેમાં લશ્કર ભાઈ ચૌહાણ નામના વ્યક્તિનું મોત થયું છે. પોતાની વાડી એથી ઘરે જઈ રહ્યા હતા તે વેળાએ ગળાના ભાગમાં દોરી આવી જતા રસ્તા પર જ મોત થયું છે. બનાવ અંગે જાણ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે હાલ મૃતકને પી.એમ અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છેઉપરાંત તળાજા તાલુકાના સોભાવડ ગામે આગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનુ મોત થયું હતું. ગિરીશભાઈ વાઘ નામના યુવાનનું મોત થતા મૃતદેહ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.પતંગ ચગાવતા પગ લપચી જતા યુવાન નીચે પટકાયો હતો. યુવાનનું મોત થતા પરીવારજનો માં ભારે શોક છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.