જેના અન્ન ભેગા…?
ભુવનેશ્વરમાં નવીન પટ્ટનાયકના નિવાસ સ્થાને કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી મનાતા અમિત શાહ અને મમતા બેનર્જીએ સાથે બેસીને ભોજન લીધું!
રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી હોતુ, કોઈ કાયમી શત્રુ નથી હોતુ માત્ર સ્વાર્થ સર્વોપરી હોય છે. જેથી, જ વિવિધ મુદે એકબીજાની જાહેરમાં આકરી ઝાટકણી કાઢતા રાજકીય નેતાઓ પોતાના સ્વાર્થ માટે સાથે બેસીને ભોજન પણ કરી લઈને અન્ન ભેગા તેના મન લેગાની કહેવતને સાર્થક કરતા હોય છે. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ભાજપના કટ્ટર વિરોધી મનાય છે અને સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સામે પણ આક્ષેપો કરતા હોય છે. પરંતુ, મમતાદીદીને બંગાળમાં તેના જુના પ્રતિસ્પર્ધીઓ ડાબેરી પક્ષો અને કોંગ્રેસનો ભય યથાવત છે જેથી આ બંને પક્ષો બંગાળમાં ફરીથી ઉભા ન થાય તે માટે શત્રુનો મિત્ર શત્રુએ ન્યાયે અમુક મુદે ભાજપનો સાથ લેવામાં પાછીપાની કરતા નથી.
આવોજ એક નજારો ગઈકાલે ઓરિસ્સાના ભુવનેશ્ર્વરમાં જોવા મળ્યો હતો જેમાં કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધીયો મનાતા ગૃહમંત્રી અમિત શાહ, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર અને કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઓરિસ્સામાં મુખ્યમંત્રી નવીન પટનાયકના નિવાસ સ્થાને ભોજન ટેબલ પર એકઠા થયા હતા અને સાથે ભોજન લીધું હતુ આ રાજકીય પ્રતિસ્પર્ધીઓનાં સાથે ભોજનથી રાજકીય પંડીતોમાં અનેક તર્કવિતર્કો ઉભા થવા પામ્યા છે. નિતિશકુમાર, નવીન પટનાયક અને મમતા બેનરજી પ્રાદેશિક રાજકીય પક્ષોના સુપ્રિમો છે અને તેમને અનેક મુદે કેન્દ્ર સરકારની મદદની જરૂર રહે છે. બીજેડી અને જેડીયુ અનેક મુદે શાસક પક્ષ ભાજપની તેમની વિચારધારા અલગ હોય તેનો વિરોધ પણ કરતા રહે છે. હવે, તેમાં મમતા દીદી પણ જોડાયા હોય અને ડાબેરી અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા અનેક મુદે ભાજપને ટેકો આપવાનો નિર્ણય કર્યો હોય તેમ માનવામાં આવે છે.
ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પૂર્વી ક્ષેત્રીય પરિષદની બેઠક ગઈ કાલે ગ્રુહ મંત્રી અમિત શાહની આધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જ્યાં દેશના ગૃહમંત્રી અમિત શાહ અને મમતા એકઠા થયા અને બંને નેતાઓએ સાથે મળીને ભોજન ગ્રહણ કર્યુ હતું. જો કે, આ વાતને શ્રેય ઓડિશાના સીએમ નવીન પટનાયકને જાય છે, કારણ કે, તેઓ આ બંને કટ્ટર વિરોધીઓને ભોજનના બહાનાથી નજીક લઈ આવ્યા હતા. નવીન પટનાયકે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, અને કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આમંત્રણ આપ્યું હતું. પટનાયકના આમંત્રણને માન આપી આ તમામ દિગ્ગજ પણ એકબીજાના કટ્ટર હરીફ નેતાઓએ સાથે બેસીને એક જ ટેબલ પર ભોજન લીધું હતું. આ અંગે નવીન પટ્ટનાયકે ટવીટ કરીને સાથે ભોજન લેતા હોવાના ફોટા મુકયા હતા.
અમિત શાહ અને મમતા બેનર્જી ઘણી વખત એકબીજાની વિરુદ્ધ નિવેદન આપતા પણ જોવા મળે છે. તાજેતરમાં જ મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટટની વિરુદ્ધ અવાજ ઉઠાવતા અને ધરણા કરતી નજર આવી હતી. સાથે જ બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ લોકોને CAA થકી નાગરિકતા આપવાની વાત કરતા થાકતા નથી. પરંતુ આ બન્ને કટ્ટર પ્રતિસ્પર્ધી જોતાયોએ ગઈ કાલે સાથે ભોજન લેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો સર્જાઈ રહ્યા છે.