વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે યોજી વર્ચ્યુઅલ મીટિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. એમાં મહામારી અને યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે દેશની આર્થિક સ્થિતિ પર થયેલી અસર અંગે પણ ચર્ચા થઈ હતી. પીએમએ રાજ્યોને તેમના ભાગનો ટેક્સ ઘટાડવાની અપીલ કરી હતી.
જેથી લોકો પરનો મોંઘવારીનો ભાર ઘટાડી શકાય.પીએમએ આ દરમિયાન પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઈને વિરોધી રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ઘણાં રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં જોવા મળતા તફાવત અંગે પણ વાત કરી હતી. તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે મુંબઈમાં પેટ્રોલ 120 રૂપિયા લિટરે મળે છે, જ્યારે પાડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં એ 102 રૂપિયા લિટરના ભાવે મળે છે.
આ જ રીતે એ તામિલનાડુમાં 111 રૂપિયા અને જયપુરમાં 118 રૂપિયામાં મળે છે. કોરોનાની ત્રણ લહેર બાદ હવે ભારતને ખુબ જ મોટી શીખ મળી રહી છે. રાજયના અલગ-અલગ પાંચ રાજયોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે સંભવિત ચોથી લહેરને ઉગતી જ ડામી દેવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સક્રિય બન્યા છે. અગાઉ પણ તેઓએ લોકડાઉન થી લઈ કોરોનાની અલગ-અલગ ત્રણ લહેરો વચ્ચે રાજયોના મુખ્યમંત્રી સાથે મીટીંગ યોજી હતી. દરમિયાન આજની તેઓની મુખ્યમંત્રી સાથેની મીટીંગમાં એ વાત ફલિત થઈ હતી કે કોરોનાના વધતા સંક્રમણથી કેન્દ્ર સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.
અગાઉની લહેરમાંથી શીખ્યા, હવે સાવધાન રહેવું જરૂરી
મોદીએ કહ્યું હતું કે હું તમામ કોરોના વોરિયર્સની પ્રશંસા કરું છું, જેમણે અત્યારસુધી પોતાનું કામ કર્યું છે. કેટલાંક રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાનો પડકાર હજી ટળ્યો નથી. સ્થિતિ ગંભીર થઈ શકે છે. છેલ્લા થોડા દિવસોમાં ઘણા દેશોમાં કેસ નોંધાયા છે. જોકે અમે સ્થિતિને નિયંત્રણમાં રાખી છે. છેલ્લાં બે સપ્તાહમાં કેસ વધવાને પગલે એ વાતનો ખ્યાલ આવે છે કે આપણે સાવધાન રહેવું જોઈએ. આપણે અગાઉના મહિનાઓમાં આવેલી લહેરમાંથી ઘણું શીખ્યા છીએ. છેલ્લાં બે વર્ષની અંદર દેશે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઓક્સિજનમાં કામ કર્યું છે.
ત્રીજી લહેરથી વેક્સિને ઉગાર્યા
વડાપ્રધાને કહ્યું કે ત્રીજી લહેરમાં પણ સ્થિતિ ન બગડી. એનાથી વેક્સિનેશનને મદદ મળી. દરેક રાજ્યમાં વેક્સિન લોકો સુધી પહોંચી ગઈ. દરેક ભારતીય માટે ગૌરવની વાત છે, આજે 96 ટકા વસતિને પ્રથમ ડોઝ, 15 વર્ષથી વધુના 85 ટકાને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તમે જાણો છો કે વેક્સિન સૌથી મોટું કવચ છે. દેશમાં લાંબા સમય પછી સ્કૂલ ખૂલી છે. એવામાં કેસ વધવાની ચિંતા વધી રહી છે. માર્ચમાં આપણને 12થી 14 માટે, આવતીકાલથી 6થી 12 માટે કોવેક્સિનની પરવાનગી મળી ગઈ છે.
હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને અપડેટ કરવાનું કામ ઝડપથી ચાલતું રહેવું જોઈએ
મોદીએ કહ્યું કે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે લોકોમાં પેનિક ન ફેલાય. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને અપડેટ કરવાનું કામ ઝડપથી ચાલતું રહેવું જોઈએ. આ માટે જવાબદારી નક્કી કરવામાં આવે, જેથી જરૂરિયાત પડવા પર સંકટ ન સર્જાય. કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયત્નોને કારણે હેલ્થ સેક્ટરમાં સુધારો થઈ શક્યો છે.
ચેપને શરૂઆતથી જ રોકવો, એ આપણી સ્ટ્રેટેજી
મોદીએ કહ્યું એલિજેબલ બાળકોને ઝડપથી વેક્સિન આપવી એ આપણી પ્રાથમિકતા છે. પહેલાંની જેમ સ્કૂલોમાં વિશેષ અભિયાન ચલાવવાની જરૂર છે. ટીચર્સ-પેરેન્ટ્સ અને અન્ય એલિજિબલ લોકો પણ પ્રિકોશન ડોઝ લઈ શકે છે. તેમને આપણે હવે જાગ્રત કરતા રહેવું પડશે. ત્રીજી લહેર દરમિયાન આપણે પ્રત્યેક દિવસે ત્રણ લાખથી વધુ કેસ જોયા. આપણે એને હેન્ડલ પણ કર્યા. આ જ બેલેન્સ આપણી આગળની સ્ટ્રેટેજીનો હિસ્સો હોવો જોઈએ. ચેપને શરૂઆતથી જ રોકવાનો છે. આપણી પ્રાથમિકતા પહેલાં પણ આ જ હતી અને આજે પણ એ જ છે.