અધિક કલેકટરે ઓચિંતા હાથ ધરેલા ચેકીંગમાં તપાસ રજીસ્ટર, સ્વચ્છતા, મેડિકલ વેસ્ટ નિકાલ સહિતના મૂદે અનેક છીંડા
મળ્યા : હવે અધિક્ષકથી માંડી મેડિકલ ઓફિસર ચાર્જ સોંપી રજા ઉપર જવું હશે તો કલેકટરને ફરજીયાત રિપોર્ટ કરવો પડશે
કલેકટર તંત્ર દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલની ઓચિંતી વિઝીટ લેવામાં આવતા અનેક લોલમલોલ સામે આવી છે. જેને પગલે જિલ્લા કલેકટર દ્વારા સિવિલ અધિક્ષકને તેડું મોકલવામાં આવ્યું છે. હવે આ મામલે કાર્યવાહી થાય છે કે માત્ર સૂચના આપવામાં આવે છે તે જોવું રહ્યું.
ગઈકાલે અધિક કલેકટર ચેતન ગાંધી મેડિકલ ટિમ અને કલેકટરની ટિમ લઈને સિવિલ હોસ્પિટલમાં ત્રાટકયા હતા. આ વેળાએ સિવિલ અધિક્ષક રજા ઉપર હતા. અધિક કલેકટર દ્વારા તમામ બાબતોનું ઝીણવટભર્યું ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટના ઢગલા પડ્યા હોવાનું દેખાયું હતું. ઉપરાંત એક બ્લડ સેમ્પલ પગ લૂછણીયા ઉપર પડેલુ પણ જોવા મળ્યું હતું.
આ સાથે દર્દીઓ માટે જે ટોયલેટ અને બાથરૂમની સુવિધા છે. ત્યાં યોગ્ય રીતે સફાઈ થતી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત તબીબો જે તપાસ માટે આવે છે તેનું રજીસ્ટર પણ મેન્ટેઇન કરવામાં ન આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત કલેકટર કચેરીના બે નાયબ મામલતદારો દ્વારા અહીં દાખલ દર્દીઓ પાસેથી સ્ટાફના વર્તન સહિતના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. જો કે આ વેળાએ નકારાત્મક અભિપ્રાયો પણ ભરપૂર મળ્યા હતા. અધિક કલેકટર દ્વારા હાથ ધરાયેલ આ સરપ્રાઈઝ ચેકીંગમાં સિવિલ હોસ્પિટલની અનેક લોલમલોલ છતી થઈ છે. પરિણામે જિલ્લા કલેકટર દ્વારા સિવિલ અધિક્ષકને તેડું મોકલવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે સિવિલ તંત્ર સામે શુ પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
મોટાભાગે જુનિયર તબીબો ઉપર જ હોસ્પિટલ નિર્ભર
સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલ મોટે ભાગે જુનિયર તબીબો ઉપર જ નિર્ભર છે. અનેક વિભાગોમાં જુનિયર તબીબો જેઓ હજુ શીખે છે તેઓને જ દર્દી હેન્ડલ કરવાના હોય છે. આવા સમયે કોઈ ભૂલ રહી જાય તો જવાબદારી કોની ? એવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે.
અધિક્ષક ફોટો સેશનના શોખીન : ફરિયાદો ઉપર એક્શન લેવામાં ઢીલા
સિવિલ હોસ્પિટલના ચર્ચાતી વિગતો મુજબ હાલના સિવિલ અધિક્ષક ફોટો સેશનના શોખીન છે. દરરોજ મોટી સંખ્યામાં ફરિયાદો ઉઠે છે. અનેક દર્દીઓ હેરાન થાય છે. પણ સિવિલ અધિક્ષક ફરિયાદો ઉપર એક્શન લેવામાં ઢીલા છે. આ સિવિલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવતા હોય, સિવિલ તંત્રએ પોતે જ એક્શન મોડના રહેવાની જરૂર છે.
સિવિલમાં ઢગલાબંધ પ્રશ્નો : ગરીબ દર્દીઓ કોને કહેવા જાય?
સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં શહેરના તેમજ બહારગામના દર્દીઓ આવતા હોય છે. અહીં આવતા મોટાભાગના દર્દીઓ ગરીબ પરિવારના હોય છે. જેમાના મોટાભાગના દર્દીઓ અભણ પણ હોય છે. તેવામાં સિવિલમાં ઠેક ઠેકાણે થતી હેરાનગતિને લઈને તેઓ કોને ફરિયાદ કરવા જાય તેવો સો મણનો સવાલ ઉભો થઇ રહ્યો છે.